વિજ્ઞાન મેળામાં જુનિયર વૈજ્ઞાનિકોએ 160 કૃતિઓ પ્રદર્શન કરી, બાળકોની જિજ્ઞાસાવૃતિને ‘વિજ્ઞાનના પ્રયોગો’ દ્વારા સર્જનાત્મક રીતે રજૂઆત
અબતક, રાજકોટ
જ્ઞાન, વિજ્ઞાન અને અનુભવનો સંગમ એટલે મોદી સ્કૂલ આ અનુભવનું પ્રત્યાર્પણ દરેક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓમાં થાય તેવા પ્રયાસ શાળા દ્વારા કરવામાં આવે છે. બાળકોની જિજ્ઞાસાવૃત્તિને ’વિજ્ઞાન ના પ્રયોગો’ દ્વારા સર્જનાત્મક રીતે રજૂ કરવાના હેતુથી “નેશનલ સાયન્સ ડે”ની ઉજવણી ’વિજ્ઞાન મેળા’ના આયોજન દ્વારા કરવામાં આવી, જેમાં અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના તમામ ’જુનિયર વૈજ્ઞાનિકો’એ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાના ટ્રસ્ટી ધવલસર મોદી દ્વારા દીપ પ્રાગટ્ય કરી ’વિજ્ઞાન મેળા’ની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં અંગ્રેજી માધ્યમના બાળકો દ્વારા કુલ 85 કૃતિઓ તેમજ ગુજરાતી માધ્યમના બાળકો દ્વારા કુલ 75 કૃતિઓ નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અવનવા વિષયો જેવાકે વનસ્પતિ, તેના પ્રકારો અને ઉપયોગો, હાઇડ્રોલિક પાવરથી ચાલતા સંશાધનો, રોબોટિક ઉપકરણો, આવર્તન અને પરિવર્તનના નિયમો પર આધારિત ઉપકરણો, વોટર સેન્સર, સોલારથી ચાલતા ઉપકરણો, વોટર ફિલ્ટર, વેક્યુમ ક્લિનર, ભૂકંપ સૂચક યંત્ર વગેરે અનેક પ્રોજેક્ટની રજૂઆત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી, તેમજ તે કઈ રીતે કાર્ય કરે છે તેનું સુપેરે વર્ણન પણ કરવામાં આવ્યું હતું.વિજ્ઞાન વિષયના તમામ શિક્ષકોએ બાળકોને ખૂબ જ સરસ માર્ગદર્શન આપી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો. વાલીઓએ પણ સંપૂર્ણ સહકાર સાથે વિજ્ઞાન મેળાની મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.