ગામે ગામ ભગવાન પરશુરામની શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો: ભૂદેવોમાં અનેરો ઉત્સાહ
રાજકોટ
સૌરાષ્ટ્રભરમાં આજે ગામે ગામ ભગવાન પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. બ્રાહ્મણોના ઇષ્ટદેવ ભગવાન પરશુરામનું અખાત્રીજે અવતરણ થયેલું જેને ગામે ગામ વધાવવામાં આવશે ઠેર ઠેર ભગવાન પરશુરામજીની શોભાયાત્રા યોજવામાં આવશે આ ઉપરાંત મહાપ્રસાદ, મહાઆરતી સહીતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. પરશુરામ જયંતિની સાથે અનેક દેવસ્થાનોમાં અક્ષય તૃતિયાની પણ ભાવભેર ઉજવણી કરવામાં આવશે.
દ્વારકા
દ્વારકાના હરિનામ સ્ંકિતન મંદીર ખાતેથી સાંજે ૪.૩૦ કલાકેથી સમસ્ત બ્રહ્મસમાજ આયોજીત ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે જે સંકિર્તન મંદીરથી મહાજન બજાર, એમ.જી. રોડ, તીનબત્તી ચોક, જવાહર રોડ, જોધા માણેક ચોક, પૂર્વ દરવાજા, મંદીર ચોક થઇ શંકરાચાર્ય મહારાજશ્રી દ્વારા સ્થાપિત શારદા મઠ ખાતે સભા સ્વરુપે ફેરવાઇ સંપન્ન થશે. શારદા મઠના શંકરાચાર્ય શ્રી પરમ શિષ્ય દંડીસ્વામી સદાનંદજી, ગુગળી સમાજના પ્રમુખ અશ્ર્વિનભાઇ પુરોહિત દ્વારા આર્શીવચન પાઠવાશે. આ પ્રસંગે શહેરના અગ્રણીઓ ઉ૫સ્થિત રહેશે. સમસ્ત ધાર્મિક આયોજનને સફળ બનાવવા પ્રમુખ વિજયભાઇ બુજડ, યુવા બ્ર.સમાજના પ્રમુખ રાજુભાઇ જોશી, અશ્ર્વિનભાઇ પુરોહિત, દિવ્યપ્રકાશ ઠાકર સહીત જહેમત ઉઠાવી રહ્યા છે.
રાજુલા
ભગવાન પરશુરામની જન્મજયંતિ નીમીતે રાજુલા પરશુરામ યુવા ગ્રુપ અને સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિની ઉજવણી ધામધુમથી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બપોરના ૪ કલાકે જુના ગાયત્રી મંદીરેથી શોભાયાત્રા નીકળશે જે રાજુલાના રાજમાર્ગો પર ફરશે અને સવિતાનગરમાં આવેલ પરશુરામ કોમ્યુનીટી હોલના મેદાનમાં પુરી થશે ત્યાં બ્રહ્મસમાજ દ્વારા મહાઆરતીનું ભવ્ય આયોજન રાખવામાં આવેલ તેમજ આ સમગ્ર કાર્યક્રમમાં બ્રહ્મસમાજના ધરેણા સમાન પ્રખર ભાગવદ્દ આચાર્ય એવા પૂ. ભાવ રમેશભાઇ ઓઝાની ઉ૫સ્થિતિમાં મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ રાસ ગરબા અને દાંડીયા રાસ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.
ખંભાળીયા
રાજસ્થાનથી શરુ કરવામાં આવેલી રાષ્ટ્રીય પરશુરામ યાત્રા ખંભાલીયા આવી હતી તે યાત્રાનું ખંભાળીયામાં બ્રહ્મમીત્ર મંડળના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં જ સમાજના સેંકડો કાર્યકરો દ્વારા મોટરસાયકલ રેલી અને ડી.જે. ના સંગીત સાથે ભરચકક સંખ્યામાં રેલી કાઢવામાં આવી હતી જે રેલી અહિંના મેઇન જોધપુર ગેઇટમાં પહોચી ત્યારે સંખ્યાબંધ આગેવાનો મહીલા આગેવાનો રાજકીય આગેવાનોએ યાત્રાને સન્માનીત કરી હતી.
આ ઉપરાંત આજરોજ પરશુરામ જયંતિ પ્રસંગો ઔદિચ્ય બ્રાહ્મણની બ્રહ્મપુરીમાં સાંજે સાત વાગ્યે પરશુરામ પુજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર
જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે સાંજે ૪.૩૦ વાગ્યે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
બાલાહનુમાજી મંદિર, તળાવની પાળથી સાંજે ૪.૩૦ વાગ્યે ભવ્ય શોભાયાત્રાને પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી તથા સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે પ્રસ્થાન કરાવાશે. આ શોભાયાત્રા બાલાહનુમાન મંદિરથી નીકળી હવાઈચોક, સેન્ટ્રલ બેંક, ચાંદીબજર, દિપક ટોકીઝ, બેડીના નાકે, વંડાફળી થઈ પંચેશ્વર ટાવર પર પૂર્ણાહુતિ થશે.
શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સનું પણ આયોજન કરાયું છે. જેમાં ભગવાન પરશુરામનો લાઈટ-ફૂલોથી શણગારેલો ફ્લોટ, શણગાર સાથેનું બળદ ગાડુ તથા સાયકલ, પરશુરામજીની આરસ પથ્થરમાંથી બનાવેલી મૂર્તિ સાથેની પાલખી સહિતના ફ્લોટ અમરનાથ ભગવાનનો ફ્લોટ, શોભાયાત્રા પ્રસ્થાન સમયે રિમોટ કંટ્રોલથી પુષ્પવર્ષા, અશ્વર-ર, ઘોડાગાડી, ઊંટગાડી, ભગવાન પરશુરામની પાલખી તેમજ શોભાયાત્રા દરમિયાન બ્રહ્મસમાજના ભાઈઓ ધોતિયુ-ઝભ્ભો તથા સાફ સાથે ઉપસ્થિત રહેશે તથા બહેનો બાંધણીના પહેરવેશ સાથે ઉપસ્થિત રહેશે.
શોભાયાત્રા પછી રાત્રે ૮.૩૦ વગ્યે ધર્મસભા, રાત્રે ૯ વાગ્યે મહાપ્રસાદ તથા ૯.૩૦ વાગ્યે હેમેશ્વર મહાદેવ મંદિર, પંચેશ્વર ટાવર પર પુર્ણાહુતિ થશે.
જસદણ
જસદણમાં બ્રહ્મ સમાજ દ્વારા સવારથી જ પરશુરામ જન્મોત્સવ નીમીતે વિવિધ કાર્યક્રમો શહેરના આદમજી રોડ પર આવેલ પંચ બ્રહ્મણની વાડી ખાતે યોજાયાં હતા જેમાં બહોળી સંખ્યામાં બ્રાહ્મણ ભાઇ-બહેનો ઉમટી પડયા હતા.
આજે સવારથી જ ભગવાન પરશુરામને ગર્વભેર યાદ કરાયા હતા. પંચ બ્રાહ્મણ સમાજ દ્વારા પુજન આરતી પ્રસાદ જેવા કાર્યકમોમાં હજારોની સંખ્યાથી વાડી ભરચક બની હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com