બે દિવસ દરમિયાન શોભાયાત્રા, નવકારશી, સમૂહસાંજી, ભકિત સંગીત, અભિવાદન સહિતના ભરચક્ક ધાર્મિક કાર્યક્રમો યોજાશે: સ્થાનકવાસી જૈન સમાજમાં અનેરો ઉત્સાહ: જૈન અગ્રણીઓ ‘અબતક’ની મુલાકાતે

૪ ફેબ્રુઆરીએ મુંબઈમાં રાષ્ટ્રસંત પૂ.નમ્રમૂનિ મહારાજ સમીપે દિક્ષા લેનાર ૧૨ મુમુક્ષુઓ કાલે રાજકોટ પધારશે

મુંબઈ ખાતે આગામી ૪ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રસંત પૂ. નમ્રમૂનિ મહારાજના સાનિધ્યમાં દિક્ષા અંગીકાર કરનારા ૧૨ મુમુક્ષુઓ આવતીકાલે ધર્મનગરી રાજકોટ પધારી રહ્યા છે. તેથી સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા સંયમ સ્નામ અનુમોદના સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેની વિગત આવા પ્રવિણભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ શેઠ, પ્રતાપભાઈ વોરા, ભરતભાઈ દોશી, શિરીષભાઈ બાટવીયા, ઉપેનભાઈ મોદી, મયુરભાઈ શાહ, પ્રવિણભાઈ વોરા, કિરીટભાઈ શેઠ, પરશ સંઘાણી, સુશીલ ગોડા, ભાવેશ શેઠ, મધુભાઈ શાહ, મહેશભાઈ મહેતા, હરીશભાઈ મહેતા, નરેન્દ્રભાઈ દોશી, પ્રકાશભાઈ મોદી, મનોજ ડેલીવાળા સહિતનાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ધર્મનગરી રાજકોટ શનિવાર તથા રવિવાર બે દિવસ વૈરાગ્યના રંગથી રંગાશે રાષ્ટ્રસંત પૂ. ગૂરૂદેવ નમ્રમૂનિ મહારાજ સાહેબ સમીપે તા.૪ના પરમધામ પડધા મહારાષ્ટ્રની પાવન ભૂમિ ખાતે એક સાથે બાર બાર મુમુક્ષુ આત્માઓ સાપ જેમ શરીર ઉપરથી કાંચળી ઉતારે તેમ સંસારનો ત્યાગ કરી પ્રભુ મહાવીરનાં માર્ગનો સહર્ષ સ્વીકાર કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનકવાસી સમાજમાં એક સાથે બાર બાર આત્માઓ સંયમનાં માર્ગે પ્રયાણ કરતાં હોય તે કદાચિત આ પ્રથમ અવસર હશે.

આવતીકાલે અને રવિવારના રોજ મુમુક્ષુ આત્માઓ રાજકોટઆવી રહ્યા હોય તેઓનું જાજરમાન અભિવાદન કરવા સ્થાનકવાસી જૈન સમાજમાં અનેરો ઉમંગ ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. તેમાં પણ બે દિકરીઓ રાજકોટની જહોય નેમિનાથ વિતરાગ સંઘ તથા મહાવીરનગર સંઘમાં ધર્મોત્સવ બેવડાયો છે.

સમસ્ત સ્થાનકવાસી જૈન સમાજ દ્વારા સંયમ અનુમોદના મહોત્સવ અંતર્ગત નવકારશી, સમૂહ સાંજી, શોભાયાત્રા, ભકિત સંગીત, સાધર્મિક ભકિત, અભિવાદન સહિત અનેક ધર્મભીના કાર્યક્રમો રાખેલા છે.

બારે બાર મુમુક્ષુ આત્માઓની શોભાયાત્રા નીકળશે જે શોભાયાત્રા દર્શનીય હશે. આ મુમુક્ષુ આત્માઓની શોભાયાત્રાનું શહેરની વિવિધ સંસ્થાઓ તથા અઢારે આલમ અભિવાદન કરશે જે સંસ્થાઓએ બહુમાનમાં જોડાવું હોય તેઓએ પ્રતાપભા, વોરા, ભરતભાઈ દોશી, ડોલરભાઈ કોઠારી, ઉપેનભાઈ મોદી, મયુરભાઈ શાહ મનોજ ડેલીવાળાનો સંપર્ક કરવો.

સંયમ અનુમોદના મહોત્સવમાં શનિવારના કાર્યક્રમના દાતા મુમુક્ષુ ચાર્મીબેન જીતેન્દ્રભાઈ જેન્તીભાઈ કામદાર પરિવાર રહ્યા છે. બપોરે ૨ થી ૪ જિતેન્દ્રભાઈ કામદાર પ્રેરીત બહેનોની સમૂહ સાંજી નેમિનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે યોજાશે. સાંજે ૬.૩૦ થી ૯ મુમુક્ષુ ચાર્મીબેન કામદારનો વિદાય ભકિત સંગીત કાર્યક્રમ કૌશિકભાઈ મહેતાના સથવારે યોજાશે.

રવિવારના કાર્યક્રમના દાતા મુમુક્ષુ અંકિતાબેનના માતુશ્રી પ્રમિલાબેન દિનેશભાઈ વોરા પરિવાર રહેશે. રવિવારે સવારે ૭.૧૫ કલાકે પેસીફીક હાઈટ, રૈયારોડ ખાતે નવકારશી યોજાશે. ૮.૧૫ કલાકે ઐતિહાસીક મુમુક્ષુ આત્માઓની શોભાયાત્રા નરેન્દ્ર પારેખ ચોક, ન્યુએરા સ્કુલ પાસેથી યોજાશે. સવારે ૧૦ થી ૧૨.૩૦ સંયમ અનુમોદના સમારોહ નેમિનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે યોજાશે સાંજે ૬.૩૦ થી ૯.૩૦ દરમ્યાન મુમુક્ષુ અંકિતા બેન વોરાનો વિદાય કાર્યક્રમ સંગીતકાર હાર્દિકભાઈ તપોવનીના સથવારે યોજાશે.

૧૨ મુમુક્ષુ આત્માઓનો દિક્ષા સમારોહ મુંબઈ પાસેના પડધા ગામે (નાસીક રોડ) આવેલા પરબધામ ખાતે ૪ ફેબ્રુઆરીએ યોજાશે. જેમાં ભાવિકો માટે રહેવા, જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાંથી આ દિક્ષા સમારોહમાં જવા ઈચ્છતા ભાવિકોએ શેઠ ઉપાશ્રય, રોયલ પાર્ક અથવા ગોંડલ ખાતે નોંધણી કરાવવાની રહેશે. ભાવિકો માટે બસ અથવા ટ્રેનમાં જવાની વ્યવસ્થા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.