ગામે ગામ પંડાલોમાં ભગવાન ગણેશજીની સ્થાપના વિધિ દરમિયાન ભાવિકો ઉમટ્યાં: પુજન, અર્ચન અને મહાઆરતીથી પંડાલો ધમધમશે
‘અબતક’ના આંગણે દુંદાળાદેવની પાવનકારી પધરામણી
સૌરાષ્ટ્રભરમાં આજે ધર્મોલ્લાસ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. ઠેર ઠેર ઉભા કરવામાં આવેલા પંડાલોમા આજે ભગવાન ગણેશનું ભાવભેર સ્થાપન કરવામાં આવ્યું છે. સ્થાપન પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહીને ધર્મલાભ લીધો હતો.
સૌરાષ્ટ્રભરમાં ગામે ગામ ગણેશ મહોત્સવના આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં છેલ્લા ઘણા દિવસોથી મહોત્સવની તૈયારીઓ ચાલતી હતી. ભાવિકો પણ આતુરતા પૂર્વક ગણેશ ભગવાનના આગમનની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજ રોજ ભગવાન ગણેશનું પાવન આગમન થયું છે. ભક્તિભાવ સાથે આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. મહોત્સવના પ્રારંભથી જ ભાવિકોમાં અનેરો ઉત્સાહ અને ધર્મોલ્લાસ વર્તાઈ રહ્યો છે.
ગણેશ મહોત્સવના પ્રારંભે ભગવાન ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગામે ગામ અનેક વિસ્તારોમાં પંડાલો ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં વાજતે ગાજતે ભગવાન ગણેશની સ્થાપન વિધિ કરવામાં આવી હતી. આ ઉપરાંત અનેક પરિવારોએ પોતાના ઘરે પણ વિઘ્નહર્તાનું સ્થાપન કર્યું છે. ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ ભગવાન ગણેશનું ભાવભેર પૂજન અર્ચન તેમજ મહાઆરતી અને પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે.
જસદણ
જસદણ શહેરમાં આજે શુભમુહુર્તમાં દુંદાળા દેવ ગણપતિજીની મૂર્તિઓનું વિવિધ વિસ્તારમાં સ્થાપન કરતા ગણેશભકતોમાં ખુશાલીના ઘોડાપુર ઉમટયા હતા. જસદણમાં માત્ર મોતીચોક, ટાવર ચોક, જેવા વિવિધ વિસ્તારોમાં નહીં પણ બહોળી સંખ્યામાં અનેકાએક લોકોએ પુજય બાપાની ઘેર ઘેર સ્થાપના વખતે આજે અનેક પરિવાર ભાવવિભોર બની ગયા હતા ગણેશોત્સવના પ્રારંભે પ્રસાદીમાં મોદકની ધુમ મચી હતી. આ સ્થાપનાનું વિસર્જન દોઢ દિવસથી માંડી દસ દિવસે જુદી જુદી જગ્યાએ થશે.
ઉના
ઉનામાં ગણપતિ મહોત્સવ નીમીતે ત્રિકોણબાગ ચોકમાં મેળાનું આયોજન થતાં નાના ભૂલકાઓ મેળાનો આનંદ લઇ શકશે. બે દિવસમાં મેળો ખુલ્લો મુકાશે.
ઓખા
ઓખામાં દરેક ધાર્મિક ઉત્સવ ખુબ જ ધામધુમથી ઉજવાય છે. તેમાંયે ગણેશ ચર્તુર્થીના ગણેશના જન્મદિનની ઉજવણી તો અગીયાર દિવસ ખુબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ઓખામાં પ્રથમ તો એ કજ ગણેશની સ્થાપના થતી હતી. પરંતુ હમણા થોડા વર્ષોથી અહી ગામના દરેક એરીયા વાઇઝ અલગ અલગ ગણેશ પડાલો ઉભો કરવામાં આવે છે અને ગણેશની જુદી જુદી મુર્તિઓની સ્થાપના કરવામાં આવે છે.
આ વર્ષે ઓખામાં ૧૭ અને બેટ ગામમાં ત્રણ જેટલી આમ કુલ ર૦ જેટલા ગણેશ મૂર્તિની સ્થાપનાઓ થયેલ છે. અને દરેક સ્થાનોમાઁ અગિયાર દિવસ સુધી જુદા જુદા ધાર્મિક ઉત્સવો ઉજવી ખુબ જ ધામધુમથી આ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવશે. અહીં સમંદર કીનારે સંમદરકા રાજા, ઓખા નવીબજારમાં નવીબજાર કા રાજા અને હાઇસ્કુલ રોડ પર ઓખાના રાજા બીરાજશે.
અને સમુદરની વચ્ચે આવેલ બેટ ગામમાં સમુન્દર કે શહેનશાહ બીરાજશે. અહીં ઓખા ગાંધીનગરી ભૂંગા વિસ્તારમાં મુસ્લીમ લોકો પણ ગણેશ પુજા કરવા તથા મુસ્લીમ મહીલાઓ ગણેશની આરતીમાં ભાગ લેવા બહુ જ ઉત્સાહથી આવે છે. અહીં કોમી એકતા સાથે આ ઉત્સવ ઉજવવા માં આવે છે.
ગણેશ ચતુર્થી પર્વની શુભકાનાઓ પાઠવતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના સૌ નાગરીક ભાઇ-બહેનોને ગણેશ ચતુર્થી પર્વની શુભકામનાઓ પાઠવી છે. વિઘ્નહર્તા ભગવાન ગણેશજીનું આ પર્વ હરેક પ્રકારના વિઘ્નો-સંકટો નિવારીને ગુજરાતને પ્રગતિશીલ, વિકસીત, સુખી-સમૃઘ્ધ અને શકિતશાળી બનાવશે એવી શુભેચ્છા મુખ્યમંત્રીએ આ પાવન પર્વ પ્રસંગે વ્યકત કરી છે.