હાથમાંથી રેતી સરકે તેમ એકાદશીથી ભાઈબીજ સુધીના કેલેન્ડરના સાત પાના જાણે પલકારામાં ફરી ગયા હોય તેવું લાગવા માડે તે પ્રકારે સમય જતો રહે છે અને માત્ર યાદો રહી જાય છે, જો કે આ સમય આવનારા વર્ષને ઉત્સાહ સાથે વિતાવવાની તાજગી આપી જાય છે. ફાસ્ટફૂડનો યુગ છે એટલે દિવાળીના પખવાડીયા અગાઉ ઘર-ઘરમાં બનતાં ફરસાણ, મિઠાઈ અને વાનગીઓની સોડમ હવે દુકાનોમાં રહી ગઈ છે, ત્યારે એવું કહી શકાય કે આજના આ રેડીમેડ યુગમાં હવે બધું જ રેડીમેઈડ મળે છે અને તેમાં પણ આધુનિકતાનો રંગ ચઢી ચૂક્યો છે. આજના યંગસ્ટર્સ વોટ્સએપ અને એફ.બી. સહિતની સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર એકબીજાને ‘હેપ્પી ન્યૂ યર’ના રેડીમેડ આવેલા મેસેજ સેન્ડ કરશે. તો, બૂઝુર્ગો જૂની યાદો તાજી કરીને કહેશે કે એક યે ભી દિવાલી હૈ ઔર એકવો ભી દિવાલી થી.
એક સમય હતો કે જ્યારે નવરાત્રી પૂર્ણ થાય તે સાથે જ ઘર-ઘરમાં સફાઈ અને સુશોભન શરૂ થઈ જતાં દશમ, અગિયારસના દિવસે ઘરોમાં મઠીયા, ચોળાફળી, સુંવાળી, ઘુઘરા, મોહનથાળ, જેવી મિઠાઈ, નમકીન ઘર-ઘરમાં બનતી હતી. દરજીઓને ત્યાં દિવાળીના નવા કપડા સિવડાવવા માટે એક મહીના અગાઉથી લોકો આંટાફેરા કરવા માંડતા અને એ ચહલપહલ દરજીને ત્યાં દિવાળીની રાત સુધી રહેતી. પોસ્ટમેન, સફાઈ કામદાર, ચોકીદાર, પ્યૂન અને નાના કર્મચારીઓને દિવાળીની ‘બોણી’ આપવાનો એક ટ્રેન્ડ હતો. બેસતું વર્ષ, ભાઈબીજ અને લાભપાંચમ સુધી ‘એક-મેકને મળવામાં ખુશી જાણે કે છલકાઈ જતી હતી, પરંતુ હવે એ બધી વાતો બદલાતા યુગની સાથે બદલાઈ ગઈ છે.
હાલની દિવાળીની ઉજવણીની પરંપરામાં એટલો બદલાવ આવ્યો છે કે બધું જ ‘ફટાફટ’ અને ‘રેડીમેઈડ’ થાય છે. સુખ, સંપત્તિ વધ્યાં છે પણ સમયનો અભાવ છે. ભાગદોડ ભરી જીંદગીમાં બેસતું વર્ષ અને ભાઈબીજ ‘લોહીના સગા’ અને અંગત સ્નેહીઓ માટે ‘મિલનનું પર્વ’ બની રહેશે. જે મળશે તેને ‘રૂબરૂ’ અને નહીં મળે શકે તેને મોબાઈલ ફોન અને ઈન્ટરનેટથી સાલ મુબારક, હેપ્પી ન્યૂ યર ને નૂતન વર્ષાભિનંદન કહેવાશે.