રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેમાં ચૂંટણી ફરજમાં રોકાયેલ ૨૦૦૦થી વધુ કર્મચારીઓએ બે કેન્દ્રો ખાતે પોસ્ટલ બેલેટ વડે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. હાલ તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. આ દરમિયાન ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણીમાં જે જે સરકારી કર્મચારીઓ રોકાયેલ છે. તેઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા આજે ગોઠવવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આગામી તા.૨૧ના રોજ મતદાન પ્રક્રિયા યોજાનાર છે. ત્યારે આ મતદાન પ્રક્રિયામાં જે કર્મચારીઓ ફરજ પર હાજર રહેવાના હોય તેઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનું આજે આયોજન કરવામાં આવ્યું છે. આ પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા ચૌધરી હાઇસ્કૂલ ખાતે આવેલ એમજે કુંડલીયા કોલેજ અને ઘંટેશ્વર ખાતે આવેલ એસઆરપી કેમ્પમાં યોજાઈ હતી.
એમજે કુંડલીયા કોલેજમાં ૧૬૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ અને ચૂંટણી ફરજમાં રોકાયેલ સ્ટાફ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. જ્યારે એસઆરપી કેમ્પ ખાતે ૩૫૦થી વધુ એસઆરપી જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આમ બન્ને સ્થળોએ અંદાજે ૨૦૦૦ જેટલા કર્મચારીઓ સવારે ૮ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીમાં પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.