- સહકારથી સમૃધ્ધિ
- ગુજરાતમાં પ્રથમવાર ગાંધીનગરમાં યોજાશે રાષ્ટ્રીય કક્ષાનો ‘સહકાર સે સમૃધ્ધી’ કાર્યક્રમ: દિલીપ સંઘાણી
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આવતીકાલે માદરે વતન ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે, તેઓ ગુજરાતમાં પ્રથમવાર યોજાનારા ‘સહકાર સે સમૃધ્ધી’ કાર્યક્રમમાં સામેલ થશે દરમિયાન રવિવારે અષાઢી બીજની રથયાત્રામાં પણ તેઓ જોડાય તેવી શકયતા હાલ જણાય રહી છે. ગુજરાતમા સરકાર અને સંગઠનમાં મોટાપાયે ફેરફારની અટકળો ચાલી રહીર છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહની આવતીકાલની ગુજરાતની મુલાકાત પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેઓ સી.આર. અને સીએમ સાથે બેઠક યોજે તેવી શકયતા પણ જણાય રહી છે.
102મા ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ’ નિમિતે આગામી 6 જુલાઈના રોજ દેશમાં પ્રથમવાર ગુજરાતમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કક્ષાનો ‘સહકાર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ યોજાશે તેમ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું.
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાલે સવારે 10 કલાકે મહાત્મા મંદિર ખાતે યોજાનાર ‘સહકાર સે સમૃદ્ધિ’ કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કરીને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ સમીક્ષા બેઠક યોજી હતી જેમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન અજય પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ સહકાર સે સમૃદ્ધિની કાર્યક્રમની વધુ વિગતો આપતા કહ્યું હતું કે, સહકારથી સમૃદ્ધિ તેમજ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ત્રણ વર્ષ પહેલા દેશમાં પ્રથમવાર અલગ સહકારિતા મંત્રાલયની રચના કરવામાં આવી છે. ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહને આ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. દેશમાં સહકારિતા મંત્રાલયના સફળતાપૂર્વક ત્રણ વર્ષ નિમિતે ગુજરાતમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય કક્ષાનો સહકાર કાર્યક્રમની ઉજવણી કરાશે.
દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સહકારિતામાં એક એકરૂપતા લાવીને એકસમાન કામ કરવાના હેતુથી વિવિધ 17 ભાષાઓમાં મોડેલ બાય લોઝ તૈયાર કરવામાં આવ્યા છે જેનો તમામ રાજ્યોએ સહર્ષ સ્વીકાર કર્યો છે જેના પરિણામે દેશના તમામ રાજ્યો સહકારિતા ક્ષેત્રમાં નવા નવા આયામો શરૂ કરવામાં આવ્યા છે. આજે સહકારિતાના અનેક ક્ષેત્રોમાં વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે દેશના યુવાનો માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ થઇ રહી છે.
તેમણે કહ્યું હતું કે, આ કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશભરમાંથી અંદાજે 5,000થી વધુ પ્રાઈમરીથી એપેક્ષ બોડીના સભ્યો, 200થી વધુ રાષ્ટ્રીયકક્ષાના સહકારના પ્રતિનિધિઓ, દૂધ મંડળીઓ-સંઘો, સહકારી બેંકો, એપીએમસી સહિત વિવિધ સહકારી ક્ષેત્રો સાથે જોડાયેલા સંગઠનો, આગેવાનો અને સભાસદો સહભાગી થશે.