વર્ષમાં માત્ર એકવાર આયોજિત મહાપ્રભાવક ઉસગ્ગહર સ્તોત્ર જપ સાધના સાથે લાખો અબોલ લાચાર જીવોને સહાય આપી માનવતાની મહેક પ્રસરાશે
ગરીબીમાં જીવી રહેલા હજારો સાધર્મિકો તેમજ મૂંગા,અબોલ અને નિ:સહાય એવા લાખો પશુ-પંખીઓને સહાય આપતો કરૂણાભીનો અવસર એટલે માનવતા મહોત્સવ! રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના જન્મોત્સવ નિમિત્તે દર વર્ષે આયોજિત કરવામાં આવતા માનવતા મહોત્સવ એવમ્ ઉવસગ્ગહરં સ્તોત્રની મહામંગલકારી સિદ્ધિદાયક જપ સાધનાનું આગામી ૨૯.૦૯.૨૦૧૮ રવિવારના દિવસે પારસધામ કોલકત્તાના ઉપક્રમે નેતાજી ઈન્દોર સ્ટેડિયમમાં આયોજન કરવામાં આવેલ છે.
પરમાત્મા પાર્શ્વનાથ પ્રત્યેની ઉત્કૃષ્ટ ભક્તિનું અક્ષર સ્વરૂપ અને જેના શબ્દે શબ્દે સિદ્ધિના ગૂઢ રહસ્ય સમાયા છે એવા મહાપ્રભાવક ઉવસગ્ગહરં સ્તોત્રની રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવના શ્રીમુખેથી બ્રહ્મ મંત્રોચ્ચારપૂર્વકના નાભિના નાદથી લયબદ્ધ સ્વરૂપે કરાવવામાં આવતી આ મહાફળદાયિની સિદ્ધિદાયક જપ સાધના જ્યારે આખા વર્ષમાં માત્ર એક જ વાર આયોજિત કરવામાં આવે છે ત્યારે આ અવસરનો અમૂલ્ય લાભ આ વર્ષે કોલકાતાના સદભાગી ભાવિકોને પ્રાપ્ત થયો છે.
આ વર્ષે પૂજ્ય ગુરૂદેવના ૫૦મો જન્મોત્સવ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સોમવારે ડીવાઈન ફેલોશીપના ૧૧૫ અંધ બાળકો મંગળવારે કીશોલોય ઈન્સ્ટીટયુટ ઓફ મેન્ટલી રીટાયર્ડ ચીલ્ડ્રનના ૧૦૫ જેટલા મેન્ટલી રિટાર્ડેડ બાળકો, બુધવારે અપોન ઘર આશ્રમના ૧૦૦ જેટલા એચઆઈવી પીડિત અને ગુરુવારે સેવ ધ ચીલ્ડ્રન હોમના અને સોસાયટી ઓફ ચાઈલ્ડ રાઈટના ૧૭૭ જેટલા અનાથ બાળકોઅને ૩૫૦થી પણ વધારે સાધર્મિક પરીવારો સ્કૂલ કીટ અને ફૂડ પેકેટ્સ અર્પણ કરવામાં આવશે. કોલકાતાની આસપાસના વિસ્તારની ૫૦ જરૂરિયાતમંદ સંસ્થાઓને માતબર રકમનું દાન અર્પણ કરીને જીવદયાનુ એક મોટું કાર્ય પાર પાડવામાં આવશે. અને મુંબઈ,મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર, તેમજ દક્ષિણ ભારતના અનેક ક્ષેત્રોમાં અર્હમ યુવા સેવા ગ્રુપના સભ્યો દ્વારા ગરીબોને ભોજન, જરૂરિયાતમંદોને જરૂરી સહાય, અને પશુ-પંખી માટે ઘાસચારા તેમજ દાણા પાણી આપવા જેવી અનેકવિધ સત્પ્રવૃત્તિઓ દ્વારા પૂજ્ય ગુરુદેવશ્રીને જન્મદિવસની અભિવંદના અર્પણ કરવામાં આવશે.
સાથે જ, હર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજમાં પોતાની પ્રતિભાથી ઝળહળીને સેવા અને માનવતાના કાર્યોમાં પોતાનું અનન્ય યોગદાન આપનાર મહાનુભાવોને ‘પરમ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે.
રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવના પ્રારંભ થઈ રહેલા ૫૦માં જન્મોત્સવની ઉજવણી વિવિધ પ્રકારના આત્મ કલ્યાણકારી અનુષ્ઠાનોના આયોજન સાથે એક વર્ષ સુધી નિરંતર કરવામાં આવનાર છે. માનવતા મહોત્સવનો સમગ્ર કાર્યક્રમ નેતાજી ઈન્દોર સ્ટેડિયમ, ઈડન ગાર્ડન્સ, સ્ટ્રાન્ડ રોડ, કોલકાતા ખાતે સવારના ૮.૦૦ કલાકથી રાખવામાં આવ્યો છે.
આ અનન્ય લાભ લઈને ધન્ય બનવા દરેક ભાવિકોને પધારવા પારસધામ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.