પદગ્રહણ સમારોહ ઓનલાઈન યોજાયો
વર્તમાન પર પૂરી એકાગ્રતાથી ધ્યાન કેન્દ્રીત કરો તો લક્ષ્ય અવશ્ય મળે
સૈનિક સ્કૂલ બાલાચડીના પ૯મા સ્થાપના દિવસની તા. ૮-જુલાઈ-ર૦ર૦ ના ઓનલાઈન ઉજવણી કરવામાં આવી. આ સ્કૂલની સ્થાપના ૮-જુલાઈ-૧૯૬૧ મા જામનગરમાં કરવામાં આવી હતી અને ૭-માર્ચ-૧૯૬પ થી હાલના સન (બાલાચડી) માં કાર્યરત છે. સ્કૂલ સ્થાપના દિવસ નિમિત્તે શૈક્ષણિક વર્ષ-ર૦ર૦-ર૧ માટેના પદગ્રહણ સમારોહ ઓનલાઈન મોડ દ્વારા યોજાયો હતો. આ તકે મુખ્ય મહેમાન તરીકે સૈનિક સ્કૂલ બાલાચડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમીના કમાન્ડન્ટ લેફટનન્ટ જનરલ અસિત મિથી, એ.વી.એસ.એમ., એસ.એમ., વી.એસ.એમ., એ આ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમી, ખડકવાસલા, પૂણેથી ભાગ લીધો હતો. સૈનિક સ્કૂલ બાલાચડીના પ્રિન્સિપલ ગ્રુપ કેપ્ટન રવીન્દર સિંહે મુખ્ય અતિનિું શાબ્દિક સ્વાગત કર્યુ હતું અને ત્યારબાદ પસંદગી પામેલા સ્કૂલ કેપ્ટન સહિત શૈક્ષણિક, રમત-ગમત, સાંસ્કૃતિક, ક્વાર્ટર માસ્ટર અને સદન કેપ્ટનોએ પદગ્રહણ કર્યુ હતું. આ કેપ્ટનોની પસંદગી નિયમિતતા, શિસ્ત, નૈતિક મૂલ્યો, હકારાત્મક વલણ, રમત-ગમત પ્રવૃત્તિ, નેતૃત્વના ગુણ વિગેરેના આધારે કરવામાં આવી હતી. જેથી તેઓ સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ માટે રોલ મોડલ બની શકે છે અને સ્કૂલની શૈક્ષણિક, શારીરિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની કામગીરી સરળ બને.
મુખ્ય મહેમાને પોતાના વક્તવ્યમાં નવા નિમણૂક પામેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતાં. તેમણે વિદ્યાર્થીઓને નેતૃત્વના ગુણ વિકસાવવા અને આ સ્પર્ધાત્મક વિશ્વમાં લોકોની અપેક્ષા સંતોષી સફળતા હાંસલ કરવા જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપતા જણાવ્યું હતું કે, તમે જ્યાં પણ હોઉ ત્યાં સ્કૂલના આદર્શ વાક્ય ’યોગ: કર્મશું કૌશલમ્’ ને યાદ રાખો.
તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે, ભવિષ્યથી ક્યારેય પરેશાન થવાની જરૂર નથી, વર્તમાન પર પૂરી એકાગ્રતાથી ધ્યાન કેન્દ્રીત કરો તો જરૂર લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. તેમણે સૈનિક સ્કૂલ બાલાચડીમાં અભ્યાસ કરતા હતાં તે દરમિયાનના સ્મરણો વગોડ્યા હતાં અને દેશના ભાવી લીડરો તૈયાર કરતા સ્કૂલના તમામ સ્ટાફને અભિનંદન આપ્યા હતાં. સાથો સાથ તેમણે ૧૪૪ મા એનડીએ કોર્ષ માટે પસંદગી પામેલા સ્કૂલના કેડેટ્સ સાથે વાતચીત કરી હતી તથા કેડેટ્સ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતાં.
આ અવસરે રચનાત્મક વિષય પર આધારિત સ્કૂલ સામાયિક ’સંદેશક’ ર૦૧૯-ર૦ ના મુખપૃષ્ઠનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સ્કૂલ ડોક્યુમેન્ટ્રી પ્રસ્તુત કરવામાં આવી હતી. આ કાર્યક્રમની ઉજવણી એક સપ્તાહ સુધીની હતી તેમાં સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી એવા એડમિરલ ધીરેન વિગ, વી.એસ.એમ. બ્રિગેડીયર આર.એસ. રાઠોડ અને કર્નલ પી.પી. વ્યાસે ઓનલાઈન મોડ દ્વારા પ્રેરક પ્રવચનો આપ્યા હતાં.