ધન્ય ભોજલની કંઠી જેણે, જ્યોત જલામાં જગાવી

‘ટુકડો ત્યાં હરિ ઢુકડો’ અને ‘જલા’ના ગગન ભેદી નાદ સાથે કાલે વિરપુર સહિત સૌરાષ્ટ્રનું આભા મંડળ ગાજી ઉઠશે

વિરપુર જલારામ મંદિરમાં રોશનીનો ઝગમગાટ, શેરી-ગલીઓ ચોરે અને ચૌટે તોરણો સાથે રંગબેરંગી રંગોળીઓનું આકર્ષણ

‘વ્હાલો ગયા વિરપુરમાં અને માગ્યા જલાના નાર કર જાલી કંથે કામીની દીધી, આવી રૂડી કાઠિયાવાડ’ કારતક સુદ-7 એટલે જલારામ જયંતિ સૌરાષ્ટ્રના સંત શિરોમણી પૂ.જલારામ બાપાની આવતીકાલે 222મી જન્મ જયંતિ, જન્મ જયંતિની ઠેર-ઠેર શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક દબદબાભેર ઉજવણી કરવામાં આવશે.

પ્રસિધ્ધ યાત્રાધામ વિરપુર ખાતે પૂ.જલાબાપાની જન્મજયંતિની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જલારામ જયંતિની દબદબાભેર ઉજવણી થાય અને ભક્તજનો-યાત્રાળુઓને પણ કોઇપણ જાતની મુશ્કેલી ન પડે અને ભાવથી ઉજવણીનો લાતી લઇ શકે તે માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત સહિત દેશ અને વિદેશમાં પણ જલારામ જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જેમાં આવતીકાલે ઠેર-ઠેર ઉજવવામાં આવનાર જલારામ જયંતિ પ્રસંગે શહેરના રાજમાર્ગો પર વિશાળ ફ્લોટ સાથેની શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ, ધૂન-ભજન વગેરે જેવા કાર્યક્રમો સાથેની વણઝારની તૈયારીઓ પૂર્ણત્વને આરે પહોંચી છે.

યાત્રાધામ વિરપુર ખાતે જલારામ જયંતિની ઉજવણી પૂર્વે જ જલારામ મંદિર વિવિધ રંગી લાઇટોની રોશનીથી ઝળહળી રહ્યું છે. જ્યારે આવતીકાલે વિશાળ શોભાયાત્રા નિકળશે. વિરપુરવાસીઓ સ્વયંભુ ઘરે-ઘરે તોરણો, શેરી-ગલીઓમાં અને ઘર આંગણે રંગોળીઓ પુરી વિવિધ શુસોભન કરી વિરપુરને શણગારવામાં આવી રહ્યું છે. ખૂદ જલારામ બાપા કાલે ભક્તોને દર્શન દેવા પધારવાના હોય તેવો માહોલ જલારામ જયંતિની પૂર્વે જ જોવા મળી રહ્યો છે.

વિરપુર ખાતે પૂ.બાપાની 222મી જલારામ જયંતિ પ્રસંગે આવનારા સેવકો ભક્તજનોની સેવામાં અઢીસો થી વધુ સ્વયંસેવકોની ફોજ ખડે પગે રાખવામાં આવી છે. જેથી બાપાના દર્શન, આરતી, શોભાયાત્રા કે મહાપ્રસાદમાં કોઇપણ જાતની કોઇને મુશ્કેલી ન પડે અને ભાવથી પૂ.બાપાની જન્મજયંતિના ઉત્સવનો આનંદ માણી શકે તે અંગેની તમામ પૂર્વ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

જામનગર

જ્યારે જામનગર ખાતે યોજાનાર જલારામ જયંતિ ઉત્સવ પ્રસંગે ડી.જે. સહિતના વાહનોના વિશાળ કાફલા સાથે પૂ.જલારામ બાપાની મોટા કદની પ્રતિમા સાથે શહેરના રાજમાર્ગો પર વિશાળ શોભાયાત્રાનું આયોજન જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ  જામનગર જલારામનો રોટલો કે જે 7 ફૂટ બાઇ 7 ફૂટ એટલે કે 49 ચો. ફૂટનો મહારોટલો પણ મુકવામાં આવશે અને મહાપ્રસાદ સમયે આ રોટલામાંથી ભક્તોને પ્રસાદ પીરસવામાં આવશે.

શહેરમાં આવતીકાલે જલારામ જયંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ થઇ ચુકી છે. જો કે જામનગર અને ખાસ કરીને હાપા ખાતે આવેલ જલારામ મંદિરની સેવાકીય પ્રવૃતિઓ તો ઉડીને આંખે વળગે તેવી રહી છે અને દર વર્ષે જલારામ જયંતિ પ્રસંગે હાપા જલારામ મંદિર ખાતે ભજન-ભોજન, મહાઆરતીનો ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમમાં હજારો શ્રધ્ધાળુઓનો મેળો જામે છે.

અમરેલી

સૌરાષ્ટ્રના સંત શિરોમણી પૂ.જલારામ બાપાની જન્મજયંતિ ઉજવણી પૂર્વે અમરેલીના આંગણે જલાબાપાનું નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ત્રિ-દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશાળ સંખ્યામાં વાહનો સહિત શોભાયાત્રાનું યોજવામાં આવી હતી.

અમરેલીના લાઠી રોડ બાયપાસ ખાતે નવનિર્મિત પૂ.જલારામનું મંદિરની ત્રિ-દિવસીય ઉજવણી થઇ રહી છે. ત્યારે વિશાળ પ્રમાણમાં ભક્તજનો અને લોહાણા સમાજના શ્રધ્ધાળુઓ દ્વારા મહાઆરતી, મહાપ્રસાદ, રઘુવંશી રાસોત્સવ પૂ.બાપાના જીવન ચરિત્રની કથા, વગેરે જેવા કાર્યક્રમોની વણઝાર સાથે પૂ.બાપાની 222મી જન્મ જયંતિની ઉત્સાહપૂર્વક ઉજવણી થઇ રહી છે અને આવતીકાલે માનવ મહેરામણ ઉમટી પડશે.

જુનાગઢ

ભક્ત કવિ નરસૈયાની ભૂમિ જુનાગઢ ખાતે પણ આવતીકાલે પૂ.જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે. જુનાગઢના જલારામ ધામ ખાતે કાલે અન્નકૂટના દર્શન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે સાથે સાથે પૂ.બાપાની 222મી જન્મ જયંતિ પ્રસંગે જલારામ મંદિરના વિશાળ પટાંગણમાં રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઝાંઝરડા ચોકડી ખાતે આવેલ જલારામ ધામ ખાતે જો કે આ વર્ષે રાત્રિના તમામ કાર્યક્રમો મોકૂફ રાખ્યા હોવાનું જાણવા મળ્યા છે. પરંતુ શહેરના વિવિધ વિસ્તારોમાં આવતીકાલે જલારામનો નાદ ગુંજી ઉઠશે.

સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરો તેમજ ગામડાઓ ઉપરાંત રાજ્ય બહાર જેવા કે દિલ્હી, હૈદરાબાદ, સિકંદરાબાદ, બિલાસપુર, નાગપુર, કલકત્તા વગેરે રાજ્યોમાં પણ જલારામ જયંતિ ઉજવણી સમિતિ દ્વારા પૂ.બાપાની 222મી જન્મ જયંતિની દબદબાભેર ઉજવણી કરવામાં આવશે.

ભાટીયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા ખાતે સમગ્ર રઘુવંશીઓ જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યાં હતા. તેવા સંત શિરોમણી પૂ.જલારામ બાપાની 222મી જન્મજયંતિ આવતીકાલે હોય તેની દબદબાભેર ઉજવણીની પૂર્વ તૈયારીઓ થઇ ચુકી છે. આવતીકાલે બાપાનો જન્મ દિવસ શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવાઇ તે માટે સવારથી વિવિધ કાર્યક્રમોની વણઝાર સાથેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાઆરતી, પૂ.બાપાનું પૂજન-અર્ચન સહિતના પ્રસંગોમાં ભક્તજનોએ લાભ લેવા રઘુવંશી સમાજ લોહાણા મહાજન ભાટીયા તેમજ જલારામ મિત્ર મંડળ ગ્રુપ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.