- હેપ્પી વિલેજમાં હરખની હેલી
વિશ્વભરમાં 15 મે – નો દિવસ ફેમિલી ડે એટલે કે પરિવાર દિવસ તરીકે મનાવવામાં આવે છે. આજે સંયુક્ત પરિવારની પરંપરા લુપ્ત થઈ રહી છે ત્યારે, બ્રહ્માકુમારીઝ ’વસુધૈવ કુટુંબકમ’ અર્થાત સમસ્ત વિશ્વ એક પરિવારની વિચારધારા સાથે સમાજને એક તાંતણે બાંધે છે. જેના ભાગ રૂપે બુધવારે સાંજે આગવું આયોજન કરાયું હતું. જેમાં એક છત નીચે રહેતા ચાર કે તેથી વધુ સભ્યો ધરાવતા પરિવારોને સામેલ કરાયા હતા.
આ કાર્યક્રમમાં 70 થી વધુ પરિવારોના આશરે 200 થી વધુ લોકોએ ઉમંગભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં બ્રહ્માકુમારી પુષ્પાબેને સ્વાગત કોમેન્ટરી કરાવી અને
બ્રહ્માકુમારી અંજુબેને સહુનું તહેદિલથી સ્વાગત કર્યું હતું. અંજુબેને તેમના ચિત પરિચિત અંદાઝમાં સંયુક્ત પરિવારનું મૂલ્ય સમજાવ્યું હતું. તેમણે ઉપસ્થિત સહુ કોઈને પ્રતિજ્ઞા કરાવી હતી કે – પરિવારમાં આપસમાં સમજ, સહનશીલતાના મૂલ્ય અચૂક ધારણ કરીશું.
બ્રહ્માકુમારી કિંજલ દીદી એ પ્રસંગને અનુરૂપ વક્તવ્યમાં મધુરતા, ઉદારતા, સરળતા, સહનશીલતા, આપસમાં સમજ, સાદગી, ત્યાગ, સેવા – આ બધા એવા સદગુણો અને મૂલ્યો છે જે આપણા સંબંધને મજબૂત બનાવે છે અને તેમાં ચાસણી જેવું કામ કરે છે.
બ્રહ્માકુમારી આરતીબેને ’સંબંધોમાં સુગંધ’ વિષય પર ઉપસ્થિત સહુ કોઈને રસપ્રદ રમત રમાડી હતી. જેમાં માતા પિતા ને વંદન, ભાઈ બહેનોનો સ્નેહ તેમજ પુત્ર-પુત્રવધુની જવાબદારીની બખૂબી સમજ અપાઈ હતી.
આ ઉપરાંત સહુએ બાળપણની યાદો તાજા કરી હળી મળીને નયનરમ્ય ચિત્રોમાં રંગપૂરણી કરી હતી. આટલું જ નહિ જ્ઞાન સાથે ગમ્મ્તના ભાગ રૂપે આધ્યાત્મિક રમતો સંગાથે સહુએ એક બીજાની વિશેષતાઓ લખીને અભિનંદન પાઠવ્યા કાર્યક્રમનો આગાઝ અંજુબેને કર્યો હતો અને સમાપન ભારતીદીદીએ કર્યું હતું. ભારતીદીદીએ વિશ્વ પરિવાર દિવસની સહુને શુભકામના પાઠવી આભારવિધિ કરી હતી. તેમણે રુહાની દ્રષ્ટિ દઈ પ્રસાદથી સહુનું મુખ મીઠું કરાવ્યું હતું.