ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર રહેનાર મહિલાઓનું સન્માન, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ, વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને કીટ વિતરણ કરાશે: કલેકટરના અધ્યક્ષ સ્થાને સમિક્ષા બેઠક મળી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટ ખાતે આગામી તા. 05 માર્ચના રોજ રાજકોટ ઝોન કક્ષાએ “મહિલા સંમેલન”નો કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાનજી ભૂટા બારોટ રંગમંચ ખાતે સવારે 09: 30 કલાકે યોજાનાર છે, જેના સુચારૂ આયોજન અર્થે કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવની દવેએ પ્રેઝન્ટેશન દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, “ડીઝીટલ: ઈનોવેશન એન્ડ ટેકનોલોજી ફોર જેન્ડર ઈક્વાલીટી” થીમ સાથે સમગ્ર વિશ્વમા “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુલ માધ્યમથી જોડાશે. મહિલા સંમેલનમાં ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર મહિલાઓનું સન્માન, ગંગાસ્વરુપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને ચેક/મંજુરી હુકમ વિતરણ, વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને કીટ/મંજુરી હુકમ વિતરણ, ત્રણ ઉદ્યમી મહિલાઓનું સન્માન, અન્ય યોજના હેઠળ કીટ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાનાર છે.
તેઓએ ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમમાં મહીલાલક્ષી કલ્યાણકારી યોજનાઓ જેવી કે, 181 અભયમ મહિલા હેલ્પલાઈન, સખી” વન સ્ટોપ સેન્ટર, બેટી બચાઓ બેટી પઢાઓ, ડિસ્ટ્રિક્ટ પ્રોટેક્શન ચાઇલ્ડ યુનિટ, લીડ બેંક, આંગણવાડી કેન્દ્રમાં આપતા ફૂડ પોષણના સ્ટોલ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ડિજિટલ લિટરેસી, ડિજિટલ સેફટી અને સિક્યુરિટી, સાયબર સેફટી સહિતની જાણકારી આપતા સ્ટોલ પ્રદર્શિત કરી મહીલાઓને માહિતીગાર કરવામાં આવનાર છે.
જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ કાર્યક્રમ માટેની જરૂરી વ્યવસ્થા જેવી કે, આમંત્રણ પત્રિકા, સાંસ્કૃતિક કાર્યક્રમ, બેઠક વ્યવસ્થા, લાઈટિંગ – સાઉન્ડ, ડેકોરેશન, પાણી – ફૂડ પેકેટની વ્યવસ્થા, પરિવહન વ્યવસ્થા, પ્રચાર – પ્રસારની વ્યવસ્થા સહિતની જરૂરી તમામ વ્યવસ્થાની સમીક્ષા કરી જે તે સંબંધિત વિભાગનાં અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપી વિગતે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેક્ટર કે. બી. ઠક્કર, મામલતદારઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેશ રાઠોડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરા, જિલ્લા રમતગમત અધિકારી વી. પી. જાડેજા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર આર. એ. જાવિયા, આઈ.સી.ડી.એસ પ્રોગ્રામ મેનેજર સાવિત્રી નાથજી, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી સીમાબેન શિંગાળા, જિલ્લા બાળ સુરક્ષા અધિકાર મિત્સુબેન વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વિરેન્દ્રસિંહ બસિયા સહિત સંલગ્ન તમામ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.