અષાઢી બીજના પાવન અવસરે ધર્મસ્થાનોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા: રથયાત્રાઓમાં ભાવિકો ઉમટયાં
કોટે મોર ટહુકયાં, વાદળ ચમકી વિજ, મારાવાલાને સોરઠ સાંભળ્યો, જોને આવી અષાઢી બીજ
સૌરાષ્ટ્રભરમાં આજે અષાઢીબીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અનેક શહેરોમાં તેમજ ગામોમા રથયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભગવાન જગન્નાથજીની તેમજ અન્ય દેવી દેવતાઓની રથયાત્રાઓમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. અષાઢીબીજના પાવન અવસરે આજે સૌરાષ્ટ્ર ભકિતના રંગે રંગાયું હતુ.
જસદણ અને આટકોટમાં આજે અષાઢી બીજ પર્વ ઉજવી હજારોભાવિકોએ નિજાનંદ વ્યકત કર્યો હતો. આ પર્વ નિમિતે શોભાયાત્રા યજ્ઞ, મહાપ્રસાદ, ધ્વજારોહણ અને ખાસ કરીને આટકોટમાં તો સ્વર્ગસ્થ અનિલભાઈ પરમારની સ્મૃતિમા તેમના ભઈ બકુલભાઈ પરમાર અને પરિવારજનોએ ગરીબ અને જરૂરીયાત મંદ દર્દીઓ માટે તજજ્ઞ ડોકટરોની ટીમ બોલાવી મેડીકલ કેમ્પ યોજેલ હતો. જસદણમાં વિખ્યાત જયતાબાપુની જગ્યામાં કાઠીક્ષત્રીય સમાજ અને આટકોટ લુહાર સુથાર પંચાલ સમાજ એ અષાઢી બીજની ધામધુમથી ઉજવણી કરી હતી. જેમાં સૌરાષ્ટ્રમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો ગર્વભેર જોડાયા હતા.
દામનગર શહેર સમસ્ત ખારાપાટ માલધારી સમાજ દ્વારા બિજોત્સવ યોજયો હતો દામનગર રામદેવજીની જગ્યામાં અષાઢી બીજના પાવન પર્વે ભજન, ભોજન પ્રસાદ સામૈયા મહાપ્રસાદનું આયોજન કરાયુંં હતુ તેમજ આજે રાત્રે લોકગાયક માનસિંહ ગોહિલ, ભજનીક ભીખાભાઈ વાઘેલા, લોકસાહિત્યકાર બાબુભાઈ ગોહિલની સંતવાણીનું આયોજન કરાયું છે
અષાઢી બીજની રથયાત્રામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી ખાતે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા વિશેષ મહત્વ ધરાવે છે. આ રથયાત્રા પાટડી ટાઉનના ખાતેથી નીકળી વિગેરે જગ્યાએથી પસાર થઈ પરત ખાતે આવી હતી, આ રથયાત્રામાં આજુબાજુના ગામો ઉપરાંત અમદાવાદ ખાતેથી પણ શ્રદ્ધાળુઓ આ રથયાત્રાના દર્શન કરવા આવ્યા હતા અને મોટી મેદની એકત્રિત થઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા પાટડી ખાતેની રથયાત્રા ધાર્મિક તહેવાર તરીકે ઉજવાય અને લોકો શાંતિથી આ તહેવાર ઉજવી શકે તે માટે ખાસ પ્રકારનો બંદોબસ્ત ગોઠવાયો હતો.
કચ્છી નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અષાઢી બીજ કચ્છી નૂતન વર્ષની સૌ કચ્છી માડુઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી છે. કચ્છીઓ દેશ અને દુનિયામાં જયાં વસ્યા છે. ત્યાં પોતાની ખુમારી અને કર્તવ્ય પરાયણતાથી કચ્છીપણું ઝળકાવ્યું છે. તેમ પણ તેમણે અષાઢી બીજની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે. વિજયભાઈ રૂપાણીએ આ નૂતનવર્ષ કચ્છ અને કચ્છી પરિવારોના સર્વગ્રાહી વિકાસ સાથે પ્રગતિ, સમરસતા-બંધુત્વનું વષ બને તેવી શુભકામના વ્યકત કરી છે.