Abtak Media Google News
  • મહંતસ્વામી મહારાજના રોકાણ દરમિયાન આજે સાંજે છેલ્લી વિદાય સભા યોજાશે

ભક્તિ, સમર્પણ અને સેવા સાથે ઉજવાતો અષાઢી બીજનો ઉત્સવ એટલે રથયાત્રા ઉત્સવ. આ ઉત્સવનો લાભ લેવા વહેલી સવારથી જ હરિભક્તો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પ.પૂ.મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં પૂજાદર્શન અને રથયાત્રા ઉત્સવની ઉજવણી માટે વહેલી સવારથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

રથયાત્રા પર્વે મંદિર પર ભગવાન સમક્ષ વિવિધ મીઠાઈઓનો ભવ્ય અન્નકૂટ રચવામાં આવ્યો હતો.  સભાગૃહના મુખ્યમંચને પણ ભગવાન શ્રીજગન્નાથ, સુભદ્રાજી, અને બળદેવજી મહારાજના સુશોભિત ઇલે્ટ્રોનિક્સ રથનો નયનરમ્ય નજારો જોવા મળતો હતો. પ્રાત:પૂજામાં રથયાત્રા ઉત્સવના કિર્તનની પ્રસ્તુતિ સંતો અને યુવકો દ્વારા કરવામાં આવી હતી. પૂજા બાદપ.પૂ.મહંતસ્વામી મહારાજે આશીર્વચન આપતા જણાવ્યું કે, ‘ભગવાનના હાથમાં આપણી લગામ આપવી. આપણું જીવન રથયાત્રા છે, જેને કઈ દિશામાં લઈ જવું એ આપણા હાથમાં છે. આપણા મોટા ભાગ્ય છે કે પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થઈ છે. તેઓ આપણા રથના સારથી બન્યા છે અને રથને મોક્ષના માર્ગે ચલાવી રહ્યા છે. જીવનરૂપી યાત્રામાં ગમે તેવા સુખ દુ:ખ આવે પણ આપણે રથી એવા ભગવાનને ક્યારેય છોડવા નહિ.’

ત્યારબાદ ભારતીય પરંપરાગત વિધિ પ્રમાણે ભગવાનશ્રી જગન્નાથજી અને શ્રી અક્ષરપુરુષોત્તમમહારાજનું પૂજન કરવામાં આવ્યું, વિવિધ મીઠાઈઓનો થાળ તેમજ પરંપરાગત એવો ચણા, મગ અને જાંબુનો પ્રસાદ પણ ધરાવાયો હતો અને રથયાત્રા ઉત્સવની આરતી કરવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રમુખનગર વિસ્તારમાં નિર્માણાધિન હરિમંદિરના મુખ્ય માર્ગના ચોકનું નામાભિધાન ‘બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર ચોક’ રાખવામાં આવ્યું, જે નિમિતે આજના કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી અને રાજકોટ મહાનગરપાલિકાના અગ્રણીઓ પ.પૂ.મહંતસ્વામી મહારાજ સમક્ષ ચોકના નામાભિધાન માટે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાજકોટ શહેરના મેયર નયનાબેન પેઢડિયા અને ધારાસભ્ય દર્શિતાબેન શાહે પણ હાજરી આપી હતી.

સ્વામીશ્રીના આશીર્વાદ બાદ રાજકોટ સ્વામિનારાયણ મંદિર છેલ્લા 25 વર્ષોથી ભક્તોના ભાવ સંકલ્પને પૂર્ણ કરતું અને ભક્તોની ઊર્મિઓને સાચવતા આ મંદિરનો રજત જ્યંતી મહોત્સવની પૂર્ણાહુતિ આ પ્રસંગે થઈ. ત્યારે મંદિરના ઋણની અભિવ્યક્ત કરતું શાનદાર નૃત્ય ‘મંદિરમ…મંદિરમ…’ યુવકોએ રજૂ કર્યું હતું.અંતે હજારો દિવડાઓની આરતી સાથે સૌએ ભગવાન અને સ્વામીશ્રીને વધાવ્યા હતા.

આજરોજ તા. 08-07-2024 સોમવારને દિવસે અધ્યાત્મના સોપાન સમા ‘સ્વામીરૂપે શ્રીજીમળ્યા’ થીમ હેઠળ સત્પુરુષ દિનની સાંજે 5 થી 8 દરમિયાન ઉજવણી થશે જે પ.પૂ.મહંતસ્વામી મહારાજના રાજકોટ રોકાણની અંતિમ વિદાય સભા બની રહેશે.

સંતોએ પાલખીયાત્રા સ્વામીના રથનો દોરી સંચાર કર્યો

સભાના મુખ્ય કાર્યક્રમમાં ભગવાન જગન્નાથજીની મૂર્તિ શુશોભિત પાલખીમાં તેમજ અક્ષરપુરુષોત્તમ મહારાજની સાથે સ્વામી કલાત્મક રથમાં વિરાજમાન થયા. અપૂર્વ રથયાત્રા ઉત્સવની શરૂઆત થઈ.પૂજ્ય સંતો પાલખિયાત્રા તેમજ સ્વામી ના રથને સુંદર રીતે દોરી સંચાર કરી ચલાવી રહ્યા હતા. સમગ્ર મંદિરની સ્વામીશ્રીએ બે પ્રદક્ષિણા કરી. અત્યન્ત યાદગાર આ પળોને સૌ ભાવિક ભક્તો પોતાના હૈયામાં કંડારી રહ્યા હતા. રથયાત્રા વિરમી ત્યારે બુલંદ જયનાંદો તેમજ આતિશબાજીથી તેની પૂર્ણાહુતિ થઈ.

સાયંસભામાં હજારો ભકતો ઉમટયા રથયાત્રાને અનુરૂપ ધૂન કીર્તનની રમઝટ

સાંજે મંદિર પરિસરમાં યોજાયેલ રથયાત્રા પર્વની વિશિષ્ટ રવિસભામાં સાંજે 4 વાગ્યાથી જ હજારો ભક્તોની ભીડ જોવા મળી હતી. મંદિરમાં પ્રવેશતા જ ભક્તોને પ્રસાદ અને મહોત્સવની આરતી માટેની સામગ્રી આપવામાં આવી હતી. મંદિરનો પ્રત્યેક ખૂણે ખૂણો હજારો ભક્તોથી સજ્જ બન્યો હતો. રથયાત્રાના રથ માટેનો પથ પણ લાલ જાજમથી વધુ આકર્ષક બન્યો હતો. સાયંસભાની શરૂઆત રથયાત્રાના પ્રસંગને અનુરૂપ ધૂન કીર્તનથી થઈ. ભગવાન અને સંતને આપણા જીવનરથના સારથી બનાવી જીવનની લગામ એમના હાથમાં સોંપી દઈએ તો આપણે આપણા જીવનમાં આવતા શારીરિક, કૌટુંબિક, વ્યાવહારિક કે આધ્યાત્મિક પ્રશ્નોમાંથી ઉગરી શકીએ એવી પ્રેરક કથાવાર્તા પૂજ્ય સંતોએ વિવિધ પ્રવચનો દ્વારા કરી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.