ગાયક કલાકાર ઓસમાણ મીરના કંઠે માણ્યો લોકોએ સુર સરગમ કાર્યક્રમ
આધુનિક રાજકોટના સ્વપ્નદ્રષ્ટા અને પૂર્વ મેયર અરવિંદભાઈ મણીયારની 90મી જન્મજયંતિ નિમિતે સુર સરગમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અરવિંદભાઈ મણીયાર જનકલ્યાણ ટ્રસ્ટ આયોજિત સુર સરગમ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર ઓસમાણ મીરે સુરરૂપી કામણ પાથર્યું હતું. આ તકે સમાજના અનેક શ્રેષ્ઠીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.
અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની સ્થાપના સેવાના ઉત્તમોત્તમ ઉદેશથી થઇ છે. ટ્રસ્ટ દ્વારા અનેકવિધ ક્ષેત્રે સેવાકીય કાર્યો થઇ રહ્યા છે. અરવિંદભાઇ મણિઆર જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો.વલ્લભભાઇ કથીરિયા, ટ્રસ્ટી હંસીકાબેન મણીઆર, જયોતિન્દ્રભાઇ મહેતા, કલ્પકભાઇ મણિઆર, શિવુભાઇ દવે સતત જનકલ્યાણના કાર્યો માટે અગ્રેસર રહેતા હોય છે. ત્યારે ટ્રસ્ટની સ્થાપના જેમના નામ પર કરવામાં આવી છે તેવા અરવિંદભાઈ મણીયારની 90મી જન્મજયંતિની ઉજવણી એક સુરૂરપી કાર્યક્રમ યીજીને કરવામાં આવી હતી.
શહેરના હેમુગઢવી હોલ ખાતે 8મી ઓક્ટોબરની રાત્રે ઓસમાણ મીરના કંઠે સુર સરગમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, જ્યોતીન્દ્રભાઈ મહેતા, રાજકોટ નાગરિક સહકારી બેંકના પૂર્વ ચેરમેન કલ્પકભાઈ મણીયાર, પૂર્વ સાંસદ ડો. વલ્લભભાઈ કથીરિયા, હંસિકાબેન મણિયાર, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ઉપરાંત સૌરાષ્ટ્રભરના રાજકીય-સામાજિક આગેવાનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ સ્થાપનાકાળથી જ સામાજિક સેવાકાર્યોની સાથે વિકલાંગ બાળકોમાં પડેલી સુષુપ્ત શકિતને ખીલવવા ’સ્નેહ સ્પર્શ’ ટેલેન્ટ શો તેમજ ટ્રસ્ટની મેડિકલ ડીસ્પેનસરી પછાત વિસ્તારોમાં ફરીને છેવાડાના માનવીને રૂપિયા 10માં ગરીબ દર્દીઓનું નિદાન કરીને મેડીકલ સહાય પુરી પાડવામાં આવે છે. જેનો અસંખ્ય લોકો લાભ લઇ રહ્યા છે. ઉપરાંત બોલબાલા ટ્રસ્ટને અન્નક્ષેત્ર માટે સહયોગ આપીને ગરીબોને ભોજન તથા ટ્રસ્ટ દ્વારા હુન્નર શાળા શરૂ કરવામાં આવી છે.
તેમજ ટ્રસ્ટ દ્વારા યાગ્નિક રોડ ખાતે રોટરી ડોલ્સ મ્યુઝિયમ જેમાં તમામ દેશની સંસ્કૃતિ સાથે વેશ પરિધાન ધારણ કરેલ આકર્ષક ઢીંગલીઓ રાખવામાં આવેલ છે. ઉપરાંત લોકોનું સ્વાસ્થ્ય સારૂ જળવાય તે માટે ટ્રસ્ટ દ્વારા ગીર ગોલ્ડ દુધનું નહીં નફો નહીં નુકશાનના ધોરણે વેચાણ શરૂ કરવામાં આવેલ છે. ટ્રસ્ટના વિવિધ સેવાકીય કાર્યો સહુના સાથ અને સહકારથી સારી રીતે થઇ રહ્યા છે.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના અધિકારી-પદાધિકારીઓનું બહુમાન
કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવનું બહુમાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીના ચેરમેન રશ્મિનભાઈ ડોડીયાનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા આપનાર અનેક મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજકોટને વિકસિત કરવાનું સ્વપ્ન અરવિંદભાઈ મણિયારે જોયું’તું : ડો. વલ્લભભાઇ કથીરિયા
સમગ્ર કાર્યક્રમ અંગે અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજિંગ ડાયરેકટર ડો. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું હતું કે, આધુનિક રાજકોટના સ્વપ્નદ્રષ્ટા અરવિંદભાઈ મણીયારનો રાજકોટને વિકસિત કરવામાં સિંહફાળો હતો.
રાજકોટને તમામ મોરચે વિકસિત કરવાનું પ્રથમ સ્વપ્ન અરવિંદભાઈ મણિયારે જોયું હતું. તેમની વિદાયી ખૂબ નાની ઉંમરે થઈ ગઈ પરંતુ રાજકોટ અરવિંદભાઈ મણીયારને ક્યારેય ભૂલશે નહીં. તેમની 90મી જન્મજયંતિ નિમિતે સુપ્રસિદ્ધ કલાકાર ઓસમાણ મીરના કંઠે સુર સરગમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ તેમજ અગ્રણીઓ હાજર રહ્યા હતા.