આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૩ મા સ્થાપના દિવસની ઉજવણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેસાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપના દિવસ નિમિત્તે આજરોજ સૌપ્રથમ કેમ્પસમાં આવેલ માં સરસ્વતીજીના મંદિરે કુલપતિ તથા ઉપકુલપતિ દ્વારા માતા સરસ્વતીનું પૂજન-અર્ચન કરવામાં આવેલું હતું તેમજ યુનિવર્સિટીના આદ્ય સ્થાપક કુલગુરુ ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મુખ્ય વહીવટી બીલ્ડીંગના પરિસરમાં સ્થિત માતા સરસ્વતીજીની પ્રતિમા પાસે યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ તથા સિન્ડિકેટ સભ્યોની ઉપસ્થિતિમાં સર્વે કર્મચારીગણ સાથે સામૂહિક પ્રાર્થના કરવામાં આવેલ હતી.
કાર્યક્રમની શરૂઆતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલ સચિવ ડો. જી.કે. જોશીએ કાર્યક્રમની પૂર્વભૂમિકા આપેલ હતી તેમજ સૌને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૩ મા સ્થાપના દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નવી વેબસાઈટનું કુલપતિ પ્રો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેસાણીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવેલ હતું.
ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેસાણીએ કર્મચારીઓને શુભેચ્છા- શુભકામનાઓ પાઠવી હતી અને સૌ સાથે મળીને આગામી નેકમાં ગુજરાતભરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સૌથી વધુ પોઈન્ટ સાથે “એ પ્લસ ગ્રેડ પ્રાપ્ત કરે તે માટે કાર્ય કરવા અપીલ કરેલ હતી.
યુનિવર્સિટીના સ્થાપના દિવસે કર્મચારીઓને સંબોધતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણીએ જણાવેલ હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તરમાં કુલપતિ તરીકે મને યુનિવર્સીટીનું સુકાન સંભાળવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે હું હર્ષની લાગણી વ્યક્ત કરું છું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અવિરત વિકાસ માં ફાળો આપનાર તમામ કુલપતિઓના પરિશ્રમ અને દીર્ઘદ્રષ્ટને કારણે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમગ્ર ગુજરાતની પ્રથમ “એ ગ્રેડ પ્રાપ્ત કરનાર યુનિવર્સિટી બની છે.
આગામી સપ્ટેમ્બર માસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નેકમાં રીએક્રેડીટેશન માટે જનાર છે ત્યારે યુનિવર્સિટી “એ પ્લસ થી વધુ ગ્રેડ પ્રાપ્ત કરે તે માટે આપણે સૌ સાથે મળીને યુનીવર્સીટીના વિકાસમાં કાર્ય કરતા રહીએ એવી સત્તા મંડળના સભ્યો તથા કર્મચારીઓ પાસે આશા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યો ડો. ગીરીશભાઈ ભીમાણી, ડો. વિજયભાઈ પટેલ, ડો. ધરમભાઇ કાંબલીયા, ડો. પ્રફુલાબેન રાવલ, યુનિવર્સિટીના ભવનોના અધ્યક્ષ, અધિકારી, શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.