ચાંદી બજારથી રથયાત્રાનું પ્રસ્થાન: ઠેર ઠેર સ્વાગત કરાયું: જીનાલય પેલેસ ખાતે જૈનો માટે સાધર્મીક ભકિત યોજાઈ
જૈનોના 24માં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના 2622માં જન્મકલ્યાણક મહોત્સવની ઠેર ઠેર ભવ્યાતીભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જામનગરમાં ભગવાન મહાવીર સ્વામીનાં જન્મકલ્યાણક મહોત્સવની ધામેધૂમ ઉજવણી કરવામાં આવી હતી. સમસ્ત જામનગરનાં શ્ર્વેતાંબર, મૂર્તિપૂજક, દેરાવાસી, સ્થાનકવાસી બધા જ સંઘો દ્વારા ભેગા મળી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ચાંદી બજારથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ. ઠેર ઠેર રથયાત્રાનું જૈન-જૈનેતરોએ સ્વાગત કર્યું હતુ. અને મહાવીર સ્વામી ભગવાનનું મૂળ જીનાલય કે જે પેલેસમા છે. ત્યાં પૂર્ણ થઈ હતી. આ રથયાત્રામાં જૈનો જોડાયા હતા. જીનાલય પેલેસ ખાતે જૈનો માટે સાધર્મીક ભકિત રાખવામાં આવી હતી. આ શુભ અવસરે વિશાશ્રી શ્રીમાળીના પ્રમુખ ભરતભાઈ વસા, પેલેસ જૈન સંઘના મહેશભાઈ મહેતા, સહિતના જૈનો ઉપસ્થિત રહ્યા હતા. ભવ્ય રથયાત્રા ચાંદી બજારથી પ્રસ્થાન થઈ, પારસધામ, બેડીગેઈટ, ટાઉનહોલ, લાલ બંગલો, જી.જી. હોસ્પિટલ, ડીકેવી સર્કલ થઈ પેલેસ દેરાસર મહાવીર સ્વામી જીનાલય ખાતે પૂર્ણ થઈ હતી. શ્રી પેલેસ જૈન સંઘમાં ઉતારા પછી જન્મ કલ્યાણકનું સંવદન કરાવતી જીનવાસી રથયાત્રામાં જોડાયેલ તમામને નવકાશીનો લાભ આપવામાં આવ્યો હતો.
આ રથયાત્રામાં મુખ્ય આકર્ષણો 13 ફૂટનો માનવ નવપદના અલગ વર્ણધારી બાઈક સવારો, લાઈવ રંગોળી વગેરેનો સમાવેશ થાય છે. રથયાત્રામાં જૈન સાધુ સાધ્વીજીઓ જૈન સમાજના ભાઈઓ બહેનો બાળકો વગેરે જોડાયા હતા.