અમદાવાદમાં કાલે જન ઔષધી સંકલ્પ યાત્રા- જનયાત્રા
અબતક, રાજકોટ
જન ઔષધિ કેન્દ્રો દર્દી નારાયણો માટે આશિર્વાદરૂપ બની રહ્યા છે જેનો લાભ વધે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સતત પગલા લેવામાં આવી રહ્યા છે આગામી 7મી માર્ચની ઉજવણી જન ઔષધિ દિવસ તરીકે કરવામાં આવી રહી છે. ત્યારે કાલથી 7મી સુધી જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગરીબોને સસ્તી અને ગુણવત્તાયુકત દવા મળી રહે તે માટે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ યોજના શરુ કરવામાં આવી છે. આ યોજના દ્વારા નાગરીકોને પ0 ટકા થી 90 ટકા સુધી દવાઓ સસ્તી મળી રહી છે. તા. 7મી માર્ચ જન ઔષધિ દિવસ તરીકે મનાવવામાં આવે છે, જે હેઠળ આ વર્ષે તા.1 માર્ચ થી 7 માર્ચ સુધી જન ઔષધિ સપ્તાહ તરીકે દેશભરમાં ઉજવવાનું નકકી કર્યુ છે.
જનઔષધિ સપ્તાહના પ્રથમ દિવસે 1 માર્ચ ને મંગળવારના રોજ જન ઔષધિ સંકલ્પ યાત્રા-જનયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જે કાંકરીયા તળાવ, ગેટ નં. 1 પાસેથી સવારે 9 વાગ્યે શરુ થઇ 1 કી.મ. પદયાત્રા કરીને પ્રધાનમંત્રી ભારતી જનઔષધિ કેન્દ્ર મણીનગર ખાતે આવી પહોંચશે. આ જન ઔષધિ સંકલ્પ યાત્રા જનયાત્રાનો મુખ્ય હેતુ નાગરીકોમાં જનઔષધિ દવાઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે.
જેનાથી વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લઇ સસ્તી અને ગુણવત્તાયુકત દવાઓ મેળવે, પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર મણીનગર ખાતે ટેલી-મેડીસીન સેવાનો લાભ પણ લઇ શકે છે.પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર – મણીનગર દ્વારા જન ઔષધિ સંકલ્પ યાત્રા-જનયાત્રામાં સામેલ થવા અને જનઔષધિ દવાનો પ્રત્યે જાગૃતિ ફેલાવવા નાગરીકોને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.