હથિયારનાં બે લાયસન્સ ધરાવતા વ્યકિતએ એક હથિયારનું લાયસન્સ જમા કરાવવાનું રહેશે: નવા નિયમમાં કરાઈ જોગવાઈ
દેશભરમાં જયારે કોઈપણ પ્રસંગની ઉજવણી કરવામાં આવતી હોય છે તે દરમિયાન જે વ્યકિત પાસે હથિયારનાં લાયસન્સ હોય છે તે ફાયરીંગ કરી ઉજવણી કરતા અનેકવિધ વખત નજરે પડે છે. આવા કિસ્સાઓમાં અનેકવાર વિડીયો પણ વાયરલ થયા હોવાનું સામે આવ્યું છે. આવી ઘટના ઘટતાની સાથે જ અનેકવિધ લોકોને ઈજા પણ થવા પામી છે ત્યારે સરકાર દ્વારા નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે કોઈપણ પ્રસંગની ઉજવણીમાં અતિરેક દ્વારા કરેલા ફાયરીંગથી જે કોઈ વ્યકિતને બે વર્ષની જેલની સજા તથા એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવી શકે છે. અમુક કિસ્સામાં બે વર્ષની જેલની સજાની સાથો સાથ એક લાખ રૂપિયાનો દંડ પણ સાથે વસુલાશે. આમ્સ એકટ ૧૯૫૯માં નિર્ધારિત કરેલા નિયમોમાં કોઈપણ સામાજીક, ધાર્મિક કે અન્ય પ્રસંગોમાં ફાયરીંગ કરવાની છુટ આપવામાં આવતી નથી. કારણકે ફાયરીંગ થવાથી અનેકવિધ લોકોને ગંભીર ઈજા પહોંચવા પામી છે.
ફાયરીંગનાં કિસ્સાઓ દેશમાં વધતા સરકાર દ્વારા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે કોઈપણ પ્રસંગોમાં હથિયારી લાયસન્સ ધરાવતા લોકો હથિયારનો ઉપયોગ નહીં કરી શકે સાથો સાથ નવા નિયમો અનુસાર જે કોઈ વ્યકિત પાસે બે હથિયારનાં લાયસન્સો હશે તેમાંથી તેઓને એક લાયસન્સ સરકારને જમા કરાવવાનું રહેશે. સાથો સાથ જે લાયસન્સની અવધી પહેલા જે ૩ વર્ષની હતી તેને વધારી ૫ વર્ષની કરવામાં આવી છે. સરકાર દ્વારા જે કોઈ વ્યકિત પાસે બે હથિયારનાં લાયસન્સ હશે તેમાંથી જે કોઈ વ્યકિત લાયસન્સ સરકારને પરત કરશે તેમનું લાયસન્સ ૯૦ દિવસમાં રદ કરી દેવામાં આવશે તેમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. હાલ જે મીનીમમ ૭ વર્ષની જેલની સજાની જે જોગવાઈ હતી તેને વધારી આજીવન કેદ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે કે જેઓ હથિયારની બનાવટ અને હથિયારનું વેચાણ વિના લાયસન્સે કરતા હોય તથા તેને દેશબહાર ગેર રીતે લઈ જવામાં આવતું હોય.
સરકાર દ્વારા કરવામાં આવેલી જોગવાઈમાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સરકાર દ્વારા જે કોઈ હથિયારને પ્રોહીબીટેડ કરવામાં આવ્યા હોય અને તે હથિયારો જો કોઈ વ્યકિત પાસે હોય તો તેઓને ન્યુનતમ ૭ વર્ષ અને વધારામાં વધારે ૧૪ વર્ષની જેલની સજા કરવામાં આવશે. હાલનાં નિયમ અનુસાર આ કિસ્સામાં જેલની સજા ૫ વર્ષથી લઈ ૧૦ વર્ષની હતી. નવા નિયમોને જોતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, સરકાર દેશમાં જે ગેરરીતી અને જે લોકોને શારીરિક હાની પહોંચી રહી છે તેનાથી લોકોને બચાવવા માટે કડક કાયદાઓ અમલમાં લાવવામાં આવી રહ્યા છે જેનું પાલન વહેલાસર શરૂ કરી દેવામાં આવશે. પ્રસંગોમાં લોકો હર્ષોલ્લાસભેર પ્રસંગ માણવા માટે તૈયારીઓ કરતા હોય છે ત્યારે ફાયરીંગ એ એક લોકોનો શોખ બની ગયો હતો પરંતુ જે રીતે લોકોની ઈજામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે તેનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે નવા કાયદામાં સરકાર દ્વારા જે જોગવાઈઓ કરવામાં આવી છે તેનાથી જે દિન-પ્રતિદિન વધતા જતા કેસોનાં ભરાવામાં પણ નિકાલ આવશે. હાલ સરકાર અનેકવિધ ક્ષેત્રે તમામ યોગ્ય પગલાઓ લઈ રહી છે તેમાં આમ્સ એકટમાં ફેરબદલ કરવાનો નિર્ણય સરકારનો ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે. અધિકૃત સુત્રોનાં જણાવ્યા અનુસાર જે નવા નિયમો બનાવવામાં આવ્યા છે તેનો અમલ ત્વરીત કરવામાં આવશે જેને લઈ તમામ અધિકૃત અધિકારીઓને પણ સુચિત કરી દેવામાં આવ્યા છે.
નવા નિયમો અનુસાર જે વ્યક્તિઓ હથિયારનો ઉપયોગ કરતા નજરે પડે છે તેના પર હવે રોક આવી જશે અને સ્વબચાવના હેતુ માટે જ હથિયારનો ઉપયોગ થાશે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. પહેલાના સમયમાં જે લોકો સ્વબચાવના બદલે પ્રસંગોપાત હથિયારનો ઉપયોગ કરવા માંગતા હોય તે સર્વે સામાજિક અથવા ધાર્મિક પ્રસંગોમાં હથિયારોનો ઉપયોગ કોઇપણ પરવાનગી વગર કરતા હતા. રોજબરોજ આ પ્રકારના કિસ્સાઓ સામે આવતાની સાથે જ સરકાર ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી હતી જેના પરિણામ સ્વરૂપે આર્મ્સ એન્ડ એમ્યુનેશન એક્ટમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં હથિયાર બનાવનાર તેમજ એમ્યુનેશન બનાવનાર ઉપર સરકારે સકંજો કસ્યો છે અને જે કોઇ ઉત્પાદક સરકારના નીતિ નિયમો વિરુદ્ધ જઇ હથિયારનું ઉત્પાદન કે તેનુ વેચાણ કરતા નજરે પડશે તો તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમની અમલવારી ત્વરીત કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.