“પ્રજાસત્તાક રાષ્‍ટ્રની પ્રજા માટે શાંતિ અને સલામતી, એકતા અને અમનનું વાતાવરણ બની રહે”
– કલેકટરશ્રી આર.જે.માકડીયા

૫૦૦ છાત્રોના સામુહિક યોગા સહિત વિવિધ શાળાના છાત્રોએ રજૂ કરેલા દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમો

IMG 6992

કલેકટરશ્રીના હસ્તે…..
• રાજય સરકાર દ્વારા મોરબી તાલુકાનાં વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ
• શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન

મોરબીના એલ.ઇ.કોલેજ ગ્રાઉન્ડ ખાતેનાં વિશાળ પટાંગણમાં ૭૦માં જિલ્‍લા કક્ષાનાં પ્રજાસતાક પર્વની ઉજવણી દબદબાભેર થઇ હતી કલેકટરશ્રી આર.જ.માકડીયાએ સવારે ૯/૦૦ કલાકે વિશાળ જન-સમુદાયની ઉપસ્‍થિતિમાં રાષ્‍ટ્રીય ધ્‍વજ ફરકાવ્‍યો હતો અને રાષ્‍ટ્રગાન સાથે રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી હતી.

કલેકટરશ્રી માકડીયાએ રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપ્યા બાદ પ્રજાજોગ સંદેશામાં જણાવ્યું હતુંકે, આજે આપણા ભારત દેશનો ૭૦મો પ્રજાસત્તાક દિવસ છે. ૧૯૫૦માં આપણા દેશે પોતાનું આગવું બંધારણ સ્‍વીકારીને પ્રજાનું સુશાસન પ્રાપ્‍ત કર્યુ. તેનું ગૌરવ ગાવાનો અને ગરિમા જાળવવાનો આ આપણા સૌ માટે પવિત્ર દિવસ છે. ડો. બાબાસાહેબ આંબેડકર જેવા સંવિધાન નિષ્‍ણાંત અને વિદ્વાનો દ્વારા પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું. સરદાર પટેલે દેશને એક તારે બાંધ્યો તો ડો.આંબેડકર સાહેબે બંધારણ ઘડી આપણને સ્વશાસન આપ્યું છે. જયારે પ્રજાસત્તાક રાષ્‍ટ્રની પ્રજા માટે શાંતિ અને સલામતી, એકતા અને અમનનું વાતાવરણ બની રહે એવું હું પ્રાર્થુ છું.

IMG 7041આપણા દેશની સ્‍વાતંત્ર્ય ચળવળમાં રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજી, લોહપુરૂષ સરદાર વલ્‍લભભાઇ પટેલ અને અન્‍ય રાષ્‍ટ્ર નાયકોના નેતૃત્‍વમાં લાખો લોકોએ જોડાઇને અંગ્રેજ સરકારને મકકમ લડત આપી આઝાદી મેળવી છે. લોહીનું એક પણ ટીપું વહાવ્યા વગર લડાયેલા ભારતના સ્‍વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદોને નતમસ્‍તકે યાદ કર્યા હતા અને બુલંદ સ્વરે જણાવ્‍યું હતું કે આજના પ્રજાસત્તાક પર્વે દેશપ્રેમની ખુમારીથી પ્રગટતા અનોખા તેજથી સમગ્ર દેશ શોભાયમાન બન્યો છે.

જયારે પરિવર્તનશીલ સમયની સાથે તાલ મિલાવીને વિકાસના નવા આયામો સર કરવામા મોરબી જિલ્લો અગ્રેસર રહયો છે. મોરબી જિલ્લાએ વિકાસની અનોખી છાપ ઉપસાવીને આગવી ઓળખ ઉભી કરી છે. મોરબી જિલ્લાએ વિકાસના નકશામાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. મોરબીએ ઔદ્યોગિક વિકાસની નવી ઉંચાઇ પ્રાપ્ત કરી છે. પરિણામે વૈશ્વિક ફલક પર તેની નોંધ લેવાય રહી છે. તે આપણા સૌના ગૌરવની બાબત છે. રાજયના ઔદ્યોગિક વિકાસમાં મોરબી જિલ્લાનું મહત્વનું યોગદાન રહયું છે. રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવાયેલી વિવિધ લોકકલ્યાણલક્ષી યોજનાઓની વિગતો આપતાં તેમણે ઉપસ્થિત નગરજનોને આ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. મોરબી જિલ્લાના નાગરિકોને તેમણે પ્રજાસત્તાક દિનની શુભેચ્‍છાઓ પાઠવી હતી.

IMG 7020પરેડ નિરીક્ષકશ્રી જી.આર.ગઢવીની આગેવાનીમાં કલેકટરશ્રી માકડીયાએ મોરબી પોલીસ, હોમગાર્ડઝ, મોરબી જિલ્લા તથા એન.સી.સી. ગુજરાત બોયઝ અને ગર્લ્‍સ બટાલિયનની માર્ચ પાસ્‍ટનું નિરીક્ષણ કર્યું હતું. કલેકટરશ્રીએ આ પ્રસંગે રજૂ થયેલા રાજય સરકારની વિવિધ યોજનાઓના ટેબ્લો પણ નિહાળ્યા હતા.

IMG 7262
મોરબી જિલ્લામાં જુદા-જુદા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કુલ ૨૨ વિશિષ્ટ વ્યક્તિઓનું પણ કલેકટરશ્રી માકડીયાએ પ્રશસ્તિપત્ર આપી સન્માન કર્યું હતું. કલેકટરશ્રી આર.જે.માકડીયાએ રાજયસરકાર તરફથી મોરબી તાલુકાનાં વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક પ્રાંત અધિકારીશ્રી-મોરબીને અર્પણ કર્યો હતો.

IMG 7137
૨૬મી જાન્‍યુઆરી પ્રજાસતાક પર્વ દિન ઉજવણી પ્રસંગે મોરબી ન્યુ એરા સ્કુલ,સેન્ટમેરીસ્કુલ,નિર્મલ વિદ્યાલય,જ્ઞાન જયોત વિદ્યાલય છાત્રોએ સામુહિક યોગ રજુ કર્યા હતા તથા જિલ્લાની વિવિધ શાળાનાં બાળકોએ ધમાકેદાર રંગારંગ કાર્યક્રમો રજુ કર્યા હતા જેમાં શૈાર્ય ડાન્‍સ, ગૃપ ડાન્‍સ,ડમબેલ્સ અને લેજીમ વગેરે કૃતિઓને ઉપસ્‍થિત જનમેદનીએ હર્ષોલ્‍લાસ સાથે વધાવી લીધી હતી.

રાષ્‍ટ્રપ્રેમ ઉજાગર કરતા ધ્‍વજવંદનના આ કાર્યક્રમનું સંચાલન શ્રી ધનજીભાઇ એસ.ચાવડાએ કર્યું હતું. જયારે સંકલીત બાળ વિકાસ યોજના તરફથી નંદધર ટેબ્લોને પ્રથમ ક્રમ જાહેર કરતા પ્રોત્સાહિક ઇનામ કલેકટરશ્રીના હસ્તે એનાયત કરવામાં આવેલ.ત્યારબાદ દરેક વિભાગના ટેબ્લો મોરબી શહેરના રાજમાર્ગો પર નિર્દેશિત કરવામાં આવ્યા હતાં.

 

આ પ્રસંગે ભા.જ.પ.પ્રમુખશ્રી રાઘવજીભાઇ ગડારા, પૂર્વ ધારાસભ્યશ્રી કાન્તિભાઇ અમૃતિયા, અગ્રણીશ્રી જયોતિસંહ જાડેજા, શ્રી કેતન વિલપરા, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, શ્રી મંજુલાબેન દેત્રોજા, પોલિસ અધિક્ષકશ્રી કરણરાજ વાઘેલા, અધિક નિવાસ કલેકટરશ્રી કેતન જોશી, પ્રાંત અધિકારીશ્રી એસ.જે.ખાચર, ડી.વાય.એસ.પી સુશ્રી બન્નો જોશી ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ડી.ડી.જાડેજા, મામલતદારશ્રી ડી.જે.જાડેજા, તથા જિલ્લાના અધિકારીશ્રીગણ, શાળાના છાત્રો, શિક્ષકગણ તથા મોરબીના દેશપ્રેમી નાગરિકો, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.