રાજકોટમાં આજી ડેમ ખાતે નર્મદા મૈયાના વધામણા: પ્લાસ્ટિક પર પ્રતિબંધ કાર્યક્રમ અને વૃક્ષારોપણ:સાધૂ, સંતો મહંતો, સમાજ શ્રેષ્ઠીઓ અને નગરજનો હોંશભેર થયા નમામી દેવી નર્મદે કાર્યક્રમમાં શામેલ
ગુજરાતની જીવાદોરી સમા નર્મદા ડેમ પૂર્ણ ક્ષમતાથી એટલે કે ૧૩૮.૬૮ મીટર સુધી ભરાઈ જતાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા નર્મદા મૈયાના વધામણા કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ૧૦૦૦ સ્થળોએ નમામી દેવી નર્મદે મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ જિલ્લાઓ અને મહાનગરોમાં રાજ્ય સરકારના મંત્રી અને બોર્ડ નિગમના ચેરમેન આ ઐતિહાસિક મહોત્સવમાં સામેલ થયા હતા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે આજી ડેમ ખાતે નમામી દેવી નર્મદે ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાધુ-સંતો, મહંતો, સમાજ શ્રેષ્ઠીઓ અને શહેરીજનો સાથે ૧૦,૦૦૦ થી પણ વધુ લોકો ઉમટી પડયા હતા. રાજ્ય કક્ષાની નમામી દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કેવળીયા ખાતે કરવામાં આવી હતી જ્યાં વડાપ્રધાન મોદીના હસ્તે માં નર્મદાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ ઉપસ્થિતિ રહ્યાં હતા.
અનેક અડચણો પાર કર્યા બાદ ૫૬ વર્ષના લાંબા અંતરાલ પછી નર્મદા ડેમનું કામ પૂર્ણ યું છે. રાજકીય કિન્નાખોરીના કારણે કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે નર્મદા ડેમ પર દરવાજા મુકવાની મંજૂરી આપવામાં આવતી ન હતી. ૨૦૧૪માં કેન્દ્રમાં મોદી સરકાર રચાયાના ૧૭ દિવસમાં જ નર્મદા પર ૩૦ દરવાજા મુકવાની મંજૂરી આપવામાં આવી હતી. ૨૦૧૭માં દરવાજા મુકવાનું કામ પૂર્ણ થયા બાદ આ વર્ષે પ્રથમ વખત મેઘરાજાની કૃપાથી નર્મદા ડેમ પૂર્ણ ક્ષમતા એટલે કે ૧૩૮.૬૮ મીટર સુધી ભરાઈ ગયો છે. જોગાનું જોગ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ૬૯મો જન્મ દિવસ છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં ૧૦૦૦ થી વધુ સ્થળો પર નમામી દેવી નર્મદા ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી જસદણના જીવાપર ખાતે કરાઈ છે. જ્યાં કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ ઉપસ્થિતિ રહ્યાં હતા. અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ મંત્રી નમામી દેવી નર્મદે મહોત્સવમાં ઉપસ્થિતિ રહ્યાં હતા.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ ખાતે નર્મદા મહોત્સવની ઉજવણી કરાઈ હતી. જ્યાં સૌપ્રથમ સવારે ૮:૩૦ કલાકે પ્લાસ્ટીક પ્રતિબંધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સવારે ૧૦:૦૦ કલાકે નર્મદા વધામણા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ઉપસ્થિતિ લોકોને મેઘ લાડુ ખવડાવી મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બહોળી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉજવણી સંતો, મહંતો, સમાજ શ્રેષ્ઠીઓ અને શહેરીજનો સાથે ૧૦,૦૦૦ થી વધુ લોકો ઉપસ્થિતિ રહ્યાં હતા. નર્મદા નીરના વધામણા, નર્મદા મૈયાની મહાઆરતી, રાસ-ગરબા, લોકગીત, લોકસાહિત્ય, બેન્ડની સુરાવલી અને સંખનાદ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટની જળ સમસ્યાને કાયમી તિલાંજલી આપવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મચ્છુ-૧ ડેમ થી આજી ડેમ સુધી પાઈપ લાઈન બિછાવી આજીમાં નર્મદા નીર ઠાલવવાની વ્યવસ્થા ગોઠવી છે. છેલ્લા ૨ વર્ષ દરમિયાન નર્મદાના નીરથી પાંચ વખત આજી ડેમને ભરી દેવામાં આવ્યો છે. નર્મદા ડેમ ૧૩૮.૬૮ મીટર સુધી ભરાઈ જતાં ગુજરાતમાં ૨ વર્ષ માટે પાણીની સમસ્યા, સિંચાઈની સમસ્યા અને વિજળીની સમસ્યા સંપૂર્ણપર્ણે હલ થઈ ગઈ છે. રાજ્યની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ ઓવરફલો થઈ જતા ગુજરાતવાસીઓમાં જાણે હરખની હેલી વ્યાપી હોય તેવો ઐતિહાસિક માહોલ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં હોંશભેર એક સાથે ૧૦૦૦ જેટલો સ્થળો પર નમામી દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને લોકો પણ આ મહોત્સવમાં ઉત્સાહભેર સામેલ થયા હતા.