૧ થી ૧૯ વર્ષના બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવાશે: અર્બન હેલ્થ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વર્કશોપ
સોમવારે રાજકોટ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમીનાશક દિવસ અભિયાન યોજાનાર છે. જેમાં ૧ વર્ષથી ૧૯ વર્ષનાં નીચેના તમામ બાળકોને રાષ્ટ્રીય કૃમીનાશક દિવસે કૃમીનાશક ગોળી ખવડાવવામાં આવશે.
આ કામગીરી રાજકોટ જિલ્લાનાં તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ૧૩, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ૫૪ તેમજ અર્બન હેલ્થ સેન્ટરો ૯, સબસેન્ટરો ૩૪૪ અને તેમના સેજાના ગામો ૫૯૮માં રાષ્ટ્રીય કૃમિનાશક દિનની ઉજવણી કરવામાં આવશે. જેમાં પત્રીકાઓનું વિતરણ અને પોસ્ટરો, બેનરો ડીસ્પ્લે કરવામાં આવશે. તેમજ દરેક તાલુકામાં અર્બન હેલ્થ સેન્ટરોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં, સબ સેન્ટર કક્ષાએ રેલીનું આયોજન રોલ પ્લે, કાઉન્સેલીંગ સેશન, શોર્ટ ફિલ્મો બતાવવી, કેમ્પ વર્કશોપ યોજવામાં આવશે તેમજ સપ્તધારાના તાલીમાર્થીઓ દ્વારા વિવિધ એકટીવીટી કરાવામાં આવશે.
રાજકોટ જિલ્લાનું આ અંગેનું આયોજન સંપૂર્ણ કરી લેવામાં આવેલ છે. રાજકોટ જિલ્લાનાં ૧ વર્ષથી ૧૯ વર્ષનાં બાળકોને કુમીની ગોળી ખવડાવવામાં આ માટેના બુથ બનાવવામાં આવેલ છે. આરોગ્યનીટીમો બનાવવામાં આવેલ છે. પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર તથા સ્વયંસેવકો કામગીરી કરશે. અસરકારક સુપરવિઝન માટે સુપરવાઈઝરો નીમવામાં આવેલ છે. અંતરીયાળ વિસ્તાર, વાડી વિસ્તારમાં કામગીરી કરવા માટે મોબાઈલ ટીમો બનાવવામાં આવી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતુ કે, રાષ્ટ્રીય કૃમિનાશક દિનની ઉજવણીના ભાગ પે રાજકોટ જિલ્લાનાં તાલુકાના ૧ થી ૧૯ વર્ષની વય જુથના આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, શાળામાં જતા કે શાળામા ન જતા બાળકોને એક જ દિવસે ઉમર પ્રમાણે કૃમિનાશક ટેબલેટ આપવામાં આવશે. કૃમિનાશક ગોળી કૃમિથી થતા ચેપ સામે રક્ષણ આપે છે.કૃમિના ચેપથી બાળકોનાં સ્વાસ્થ્ય પર લોહીની ઉણપ, કુપોષણ, ભુખ ન લાગવી, બેચેની પેટમાં દુ:ખાવો ઉલ્ટી તથા ઝાડા, વજન ઓછુ થવું જેવી અનેક હાનીકારક અસરો જોવા મળે છે. ભારત સરકાર દ્વારા બાળકોને વિટામીન એ ના રાઉન્ડની સાથે કૃમિનાશક ટેબલેટ વર્ષમાં બે વખત આપવામાં આવે છે.