પાટડી, બગદાણા, જૂનાગઢ ભવનાથ, પરબધામ, તોરણીયા, સતાધાર સહિતના ધર્મ સ્થાનોમાં પાદુકા પૂજન, મહાઆરતી, મહાપ્રસાદ, સંતવાણી સહિતના કાર્યક્રમો
ભારતીય સંસ્કૃતિમાં ગુરૂપદનું અનેરું મહત્વ છે જે લઘુ નથી તે ગુરુ. જેમના જીવન માંથી કઇ પ્રેરણા મળે તે ગુરુ. આ ગુરુને પૂજનીય ગણી તેમને યાદ કરી તેમના ચરણોમાં વંદન કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. આજના અવસરે વ્યક્તિ જેમને પણ ગુરુ માનતો હોય એમને યાદ કરી એની પૂજા અર્ચના કરી એમણે આપેલ ગુરુ જ્ઞાનને વંદન કરી ગુરુના સાનિધ્યમાં ભાવ ભક્તિ પૂર્વક ભજન કીર્તન સત્સંગ કરી ગુરુજીના આર્શિવાદ આજના દિવસે લેવાનું મહાત્મય છે.
ગુરુપૂજન બાદ મોડી રાત્રી ભજન ભક્તિના આયોજનો થશે. રાજકોટ સહિત સોંરાષ્ટ્ર ભરમાં દેવાલયો અને મઠ સહિતના સ્થાનોમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. જૂનાગઢના ભવનાથ તળેટીમાં પુનિત આશ્રમ, ગોરખ નાથ આશ્રમ, મુનિ આશ્રમ, ઉપલા દાતાર ખાતે સહિત વિવિધ ધર્મ સ્થાનોએ ગુરુભક્તિનું પૂર આવશે.
આખી ધરતીને કાગળ કરૂ
બધી વનરાઈ ની લેખની
સાત સુમંદર ની શાહી કરૂ
ગુરુ તણા ગુણા ન લખી શકાય
સૌરાષ્ટ્રભરમાં ખૂબ ઉત્સાહ અને ભક્તિથી ગુરુ પૂર્ણિમાનો પાવક તહેવાર ઉજવાશે વરસાદી માહોલમાં જીવન જીવવાની દિશા ચિંધનાર ગુરુદેવોનું લાખો શિષ્યો પૂજન,વંદન કરશે અને આ માટે ભક્તિભાવ પૂર્વક ગામે ગામ કાર્યક્રમો યોજાયા છે. સૌરાષ્ટ્રમાં સેંકડો પવિત્ર જગ્યા પર ગુરુ પરંપરા દાયકાઓ સદીઓથી ચાલી આવે છે જેને ભાવિકો શ્રધ્ધા પૂર્વક મનાવતા રહ્યા છે.
રાજકોટમાં કુવાડવા રોડ પર સદગુરુશ્રી રણછોડદાસજી બાપુના આશ્રમ મંગળા આરતીથી કાર્યક્રમનો આરંભ થશે,સવારે અને બર્પોરે રાત્રિના 11.30 સુધી સદગુરુદેવના દર્શનની ઝાંખી અને ચરણ પાદુકાના દર્શન અને મહા પ્રસાદનું આયોજન કરાયેલું છે. ભક્તિ નગર સર્કલ પાસે ગીતા જ્ઞાન મંદિરમાં પીઠાધીશ જગદગુરુનું પાદુકા પૂજન તથા ધૂન સહિત કાર્યક્રમો યોજાશે.
કર્તા કરે ન કર શકે, ગુરુ કરે સબ હોય
સાત દ્વિપ નૌ ખંડ મે ગુરુ સે બડા ન કોઈ
કાલાવડ રોડ પર પ્રેમભિક્ષુજી મહારાજશ્રી હરિનામ સંકિર્તન મંદિરમાં પ્રભાતફેરી, સદગુરુ પાદુકા પુજન, અભિષેક, ઉત્સવ આરતી થશે. જંક્શન ગુરુપૂજન પ્લોટમાં શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત ગીતા વિદ્યાલય ખાતે કથ્થક નૃત્ય, સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે. ચોટીલા પાસે આપા ગીગાના ઓટલે ગુરુદેવ જીવરાજબાપુ ગુરુ શામજીબાપુનું પૂજન અર્ચન કરાશે.
ભાવનગર હાઈવે પર ગોવિંદ આશ્રમ ધામ ખાતે 400 વર્ષ પહેલા વિઠ્ઠલ નામના વણિકે બંધાયેલ વાવ જે વિઠ્ઠલવાવ કહેવાય છે તથા 450 વર્ષ જૂનુ મેલડી માતાજી મંદિરે સત્સંગ ભજનના કાર્યક્રમો યોજાશે. નવા થોરાળામાં નિરાંત સમુદાય દ્વારા ગુરુપૂજન,મોડી રાત્રિ સુધી ભજન સત્સંગ, મહા પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. એરપોર્ટરોડ પુનિત દર્શન ખતે સદુગુરુ પૂનિત મહારાજનું પૂજન ધુન ભજન ઉપરાંત અન્ય અનેક સ્થળોએ કાર્યક્રમો યોજાયેલ છે.
આત્મા માટે તમારે જાતે પ્રયત્ન કરવો પડશે.
ગુરુએ રસ્તો બતાવ્યો છે, તમારે ચાલવું પડશે.
ગુરુએ ઉપદેશ આપ્યો છે, અનુસરવું તમારે પડશે.
મુક્તિ ગુરુની વાહ વાહ દ્વારા પ્રાપ્ત થતી નથી.
ગુરુ વચન પ્રમાણે ચાલવાથી મોક્ષ મળે છે
છોટી કાશી જામનગરમાં પ્રણામી સંપ્રદાયના મુખ્ય મથક નવતનપુરી ધામમાં, લીમડા લેનમાં આણદાબાવા સેવા સંસ્થાના મહંત દ્વારા, રાજકોટમાં રણછોડદાસજી આશ્રમ, ગીતા વિદ્યાલય, ગીતા મંદિર અને સંકિર્તન ધામ, ગોવિંદ આશ્રમ, ચોટીલા પાસે આપા ગીગાના ઓટલે ધર્મોત્સવો ગિરનાર શિખર પર ગુરુ દત્તાત્રેય, જામનગરમાં આણદાબાવા આશ્રમ પોરબંદરમાં ભારત વિકાસ પરિષદ પરબધામ સહિત ઠેરઠેર ગુરુપૂજનના કાર્યક્રમો યોજાશે.
સૌરાષ્ટ્રમાં અન્યત્ર ભાડામાં ચૈતન્ય વડવાળી ઓડદરમાં વિરાભગતના સાનિધ્યમાં, પ્રાચી તિર્થ ખાતે કોળી સમાજ ભવનમાં ગુરુપૂર્ણિમાંના વિવિધ કાર્યક્રમો યોજાશે.ટંકારાના લજાઈ ગામે જોગ આશ્રમ ગુરુપૂજન સહિત કાર્યક્રમો, ધોરાજીના ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે, લોધિકાના તરવડામાં શ્રી રામ મંદિર ખાતે ગુરુ પુજન સહિત કાર્યક્રમો યોજાશે. બગસરામાં આપા ગીગા ગાદી મંદિરમાં મંગળા આરતી, પાદુકા પુજન સહિત કાર્યક્રમો અને જસાપર ગામમાં સેવા સંકુલમાં જૈન રામાયણ પ્રવચન ધારાનો ગુરુપૂર્ણિમાએ પ્રારંભ થશે અને ધુમાડાબંધ ગામ જમણનો કાર્યક્રમ યોજાયો છે. ઉનાના તપોવન આશ્રમ બ્રહ્મલીન માની ભિક્ષુ સ્વામીજીની નિયામ પૂજન સહિત કાર્યક્રમો માણાવદરમાં સંતશ્રી હાલગીરી બાપુના સાનિધ્યમાં ગુરુપૂજન સહિત કાર્યક્રમ વડિયામાં ઢોળવા આશ્રમ ખાતે ગાયત્રીયજ્ઞ, સ્વામિ નારાયણ દિવ્ય ધામ, બિલેશ્વર મહાદેવ મંદિર વગેરે સ્થળ ખાતે ઉત્સવ ઉજવાશે.