- ગ્રાહક જાગૃતિ અંગેની વિવિધ યોજનાઓ વિશે અપાઈ માહિતી
- ગ્રાહકો, સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ, વ્યવસાયીઓ અને સરકારી અધિકારીઓ રહ્યા હાજર
ગાંધીધામ: ભારતીય માનક બ્યુરો અને ગ્રાહક અધિકાર સંગઠનના સહયોગથી વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ગાંધીધામ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 150 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન ગ્રાહકોના અધિકારો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિશાલ ગોદારા દ્વારા ગ્રાહક અધિકારો પર વિસ્તૃત પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. તેમજ ગ્રાહકોને તેમના અધિકારોનો ઉપયોગ કેવી રીતે કરવો અને સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે કરવું તે અંગેની માર્ગદર્શિકા આપવામાં આવી હતી. આ દરમિયાન મુખ્ય મહેમાન આશિષ વેગડ, શૈલેષ અગ્રવાલ, વેદ પ્રકાશ સહિતના મહેમાનો, ગ્રાહકો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, વ્યવસાયીઓ અને સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા.
આજરોજ ભારતીય માનક બ્યુરો (ગાંધીધામ શાખા કાર્યાલય) અને ગ્રાહક અધિકાર સંગઠન (CRO)ના સહયોગથી વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી અરમાયા હોટલ, ગાંધીધામ ખાતે યોજાઈ હતી. આ કાર્યક્રમમાં 150 થી વધુ લોકોએ ભાગ લીધો હતો, જેમાં ગ્રાહકો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, વ્યવસાયીઓ અને સરકારી અધિકારીઓ શામેલ હતા.
કાર્યક્રમના મુખ્ય મહેમાન આશિષ વેગડ (મહામંત્રી, ગ્રાહક અધિકાર સંગઠન, રાષ્ટ્રીય સંગઠન) અને શૈલેષ અગ્રવાલ (પ્રમુખ, ગ્રાહક અધિકાર સંગઠન) હાજર રહ્યા હતા. ગાંધીધામ શાખા કાર્યાલયના ડિરેક્ટર વેદ પ્રકાશ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. તેમણે ગ્રાહકોના અધિકારોને લઈને ભારતીય માનક બ્યુરો દ્વારા થઈ રહેલા પ્રયાસો અને ગ્રાહક જાગૃતિ અંગેની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી.
કાર્યક્રમ દરમિયાન ગ્રાહકોના અધિકારો પર ચર્ચા કરવામાં આવી, જેમાં વિશાલ ગોદારા (વૈજ્ઞાનિક-બી,GDBO) દ્વારા ગ્રાહક અધિકારો પર વિસ્તૃત પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું. તેમણે ગ્રાહકોને મળતા કાનૂની અધિકારો, ગ્રાહક સુરક્ષા અંગેની યોજનાઓ અને ગ્રાહકોને થતી સામાન્ય સમસ્યાઓની જાણકારી આપી. સાથે સાથે, ગ્રાહકોને તેમના અધિકારોનો ઉપયોગ કેવી રીતે કરવો અને સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે મેળવવું તે અંગેની માર્ગદર્શિકા પણ આપવામાં આવી.
કાર્યક્રમમાં આશિષ વેગડે ગ્રાહક અધિકારોના ઇતિહાસ, તેમનું મહત્વ અને વર્તમાન સમયમાં ગ્રાહકોને થતી સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે, “ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવું એ માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ તે સમાજના દરેક વ્યક્તિની ફરજ છે. ગ્રાહકોને તેમના અધિકારોની જાણકારી હોવી જોઈએ અને તેમની સમસ્યાઓનું નિરાકરણ માટે સક્રિય રીતે પગલાં લેવાં જોઈએ.”
શૈલેષ અગ્રવાલે ગ્રાહક સુરક્ષા અંગેના કાયદાકીય પાસાઓ પર ચર્ચા કરી અને ગ્રાહકોને મળતી સુવિધાઓ અને તેમના અધિકારોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેની માહિતી આપી. તેમણે ગ્રાહકોને સજાગ અને સક્રિય રહેવાની અપીલ કરી.
કાર્યક્રમનું સમાપન પ્રહલાદ પટેલ (SPO, ગાંધીધામ શાખા કાર્યાલય) દ્વારા કરવામાં આવ્યું. તેમણે કાર્યક્રમની સફળતા અંગે પ્રશંસા કરી અને ભવિષ્યમાં આવા કાર્યક્રમો દ્વારા ગ્રાહક જાગૃતિ ફેલાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો.
આ કાર્યક્રમ દ્વારા ગ્રાહકોના અધિકારો અને તેમની સુરક્ષા વિશે જાગૃતિ ફેલાવવાનો મુખ્ય હેતુ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો. ભારતીય માનક બ્યુરો અને ગ્રાહક અધિકાર સંસ્થા આવા કાર્યક્રમો દ્વારા ગ્રાહકોને સજાગ અને સશક્ત બનાવવાના પ્રયાસો ચાલુ રાખશે.
અહેવાલ: ભારતી માખીજાણી