વિશ્વને કોરોનાની મહામારીમાંથી મુક્તિ માટે અલ્લાહને બંદગી કરતા મુસ્લિમ બિરાદરો
ચાંદ નજર આ ગયા.. અલ્લાહ હી અલ્લાહ છા ગયા.. રોજે રખનેવાલો કી હૈ યે જીત, મિલો તુમ ગલે સે કે આઇ હૈ ઇદ પરંતુ આ ઇદમાં થોડો ફેરફાર છે. ઇદ મનાવાય પણ ગળે લગાડીને નહી દિલથી દિલ મેળવીને. સોશિયલ ડિસ્ટન્સીંગના સંપુર્ણ પાલના સો મુસ્લિમ બિરાદરોએ આજે ઇદ માનવી હતી. ઇદગાહ અને મસ્જિદમાં નહીં પણ પોત પોતાની જગ્યાએ જ સૌ ઇદની નમાજ અદા કરી હતી.
ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી ઉત્સાહ સાથે થઈ. પ્રથમ વખત એવું બન્યું કે ઈદના તહેવાર નિમિતે મસ્જીદોમાં સામુહિક નમાઝ અદા નથી થઈ જોકે, મુસ્લીમ બિરાદરોએ ઘરમાં રહીને સાદગીથી ઈબાદત કરી હતી. કોરોનાની મહામારીમાંથી મૂકિત માટે અલ્લાહને બંદગી કરવામાં આવી હતી.
કોરોના સંકટને ધ્યાનમાં રાખીને તમામ ધાર્મિક સ્થળો બંદ છે. માટે મસ્જીદમાં નમાઝ પઢવાની પરવાનગી તંત્રની નથી. દરેકને ઘરમાં રહીને જ નમાઝઅદા કરવા જણાવાયું હતુ. આ સાથે મુસ્લીમ બિરાદરોએ સોશિયલ ડિસ્ટર્ન્સીંગને ધ્યાનમાં રાખીને ઈદના તહેવારે એકમેકને ગળષ ન મળવાના સુચનને ધ્યાનમાં રાખ્યું હતુ.
૮ વર્ષની નાની વયે આકારા તાપમાં ૩૦ રોઝા પૂર્ણ કરતી મહેક કુરેશી
કાળઝાળ ઉનાળામાં રમઝાન માસ પૂર્ણ થયો છે અને મુસ્લીમ બિરાદરો પવિત્ર રમઝાનમાં ૩૦ રોઝા રાખી ખુદાની બંદગી કરી છે ત્યારે આઠ વર્ષની નાની વયે બાળકી મહેકે ૩૦ રોઝા પૂર્ણ કર્યા છે. શહેરના મોચીનગર-૬ માં રહેતા સોહિલ ગફારભાઇ કુરેશીની આઠ વર્ષની પુત્રી મહેકે રમઝાનના તમામ ૩૦ રોઝા પૂર્ણ કરી અલ્લાહની ઇબાદત કરી હતી.
રમઝાન ઇદના દિવસે ઇદગાહ સુમસામ
મુસ્લિમ બિરાદરો પવિત્ર રમઝાન માસમાં રોઝા રાખી ચાંદના દર્શન કરી સવારે ઇદની ઉજવણી કરવામાં આવે છે. ઇદ નિમિતે મુસ્લિમ બિરાદરો કોર્પોરેશન ચોકમાં આવેલી ઇદગાહમાં ખાસ નમાજ પઢી ખુદાની બંદગી કરતા હોય છે.
ત્યારે કોરોના વાયરસને ધ્યાને રાખી શહેરના મુસ્લિમ બિરાદરોએ ઇદગાહમાં જવાનું સ્વૈચ્છીક રીતે ટાળી પોતાના ઘરે જ નમાજ પઢી હતી. ત્યારે ઇદગાહ ખાતે ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની સહિતના સ્ટાફ દ્વારા પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
જેલના કેદીઓએ વીડિયો કોલીંગથી પરિવારજનોને ઈદની શુભેચ્છા પાઠવી
પવિત્ર રમઝાન માસના અંતિમ દિવસે સૌરાષ્ટ્રભરમાં ઠેર-ઠેર લોકો ઈદની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે ત્યારે રાજકોટની મધ્યસ્થ જેલમાં પણ સોશિયલ ડિસ્ટન્સ અને નિયમો જાળવી હિન્દુ-મુસ્લિમ કેદીઓએ ઈદની ઉજવણી કરી હતી.
મધ્યસ્થ જેલમાં ઈદ નિમિતે પાછળના ગ્રાઉન્ડમાં બંદીવાનોએ નમાઝ પઢી ખુદાની બંદકી કરીને ઈદની ઉજવણી કરી હતી. જેલમાં ૨૦૦થી પણ વધુ હિન્દુ-મુસ્લિમ ભાઈ-બહેનોએ પવિત્ર રમઝાન માસમાં રોઝા રાખી આખરી દિવસે જેલ તંત્ર દ્વારા જ ખીર ખુરમો પીરસી ઈદની ઉજવણી કરી હતી. જ્યારે લોકડાઉનના પગલે પરિવારજનો જેલમાં કેદીઓની મુલાકાતે આવી શકતા ન હોય તે માટે જેલ તંત્ર દ્વારા વિડીયો કોલીંગ મારફતે પરિવારજનો સાથે વાત કરાવી ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
પવિત્ર રમઝાન માસમાં શહેરની મધ્યસ્થ જેલમાં મુસ્લિમ બિરાદરોના ૧૬૬ ભાઈઓ અને ૨૪ મહિલાઓએ અને ૨૦ જેટલા હિન્દુ ભાઈ-બહેનોએ પવિત્ર રમઝાન માસના રોઝા રહી આખરી દિવસે ઈદની ઉજવણી સાથે કરી હતી. મધ્યસ્થ જેલના પાછળના ભાગે આવેલ ગ્રાઉન્ડમાં મુસ્લિમ બિરાદરોના ભાઈ-બહેનો માટે જગ્યા ફાળવવામાં આવી હતી. જ્યાં સોશિયલ ડિસ્ટન્સનું અમલીકરણ કરી બંદીવાનોએ નમાઝ પઢી ખુદાની બંદગી કરીને ઈદની ઉજવણી કરી હતી. પવિત્ર રમઝાન માસ નિમિત્તે પણ રોઝા રહેતા ભાઈ-બહેનો માટે જેલ તંત્ર દ્વારા જ વહેલી સવારે નાસ્તો અને જમણવારની સુવિધા સાથે રાત્રે પણ જમવાની સુવિધા કરવામાં આવતી હતી અને ઈદની ઉજવણીના ભાગરૂપે જેલ તંત્ર દ્વારા જ ખીર ખુરમો બનાવી બંદગીગારોને પિરસવામાં આવ્યો હતો.
કોરોના વાયરસ ફેલાવાને રોકવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા લોકડાઉનના નિર્ણયથી પવિત્ર રમઝાન માસની ઉજવણી અને ઈદની ઉજવણીમાં કોઈપણ બહારના વ્યક્તિઓ, મોલવીઓ અને કોઈપણ સંસ્થાના કાર્યકર્તાઓને મધ્યસ્થ જેલમાં પ્રવેશબંધી હતી. ત્યારે ઈદની ઉજવણી નિમિત્તે જાણકાર કેદી દ્વારા જ પ્રવચન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ત્યારે ઘણીવાર બહારની સંસ્થાઓ દ્વારા પણ જેલમાં ખીર ખુરમો પીરસવામાં આવતો હોય છે પરંતુ લોકડાઉનના પગલે જેલ તંત્ર દ્વારા જ બંદગીગારો માટે ખીર ખુરમો બનાવી પીરસવામાં આવ્યો હતો.
કોરોના વાયરસની મહામારીને અટકાવવા માટે સરકાર દ્વારા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતા. જેના પગલે મધ્યસ્થ જેલમાં પણ કેદીઓને મળવા આવતા પરિવારજનો અને સંબંધીઓ પર રોક લગાવવામાં આવી હતી પરંતુ રાજ્યમાં સૌપ્રથમ વખત રાજકોટ મધ્યસ્થ જેલ દ્વારા ૧૪મી એપ્રીલથી વિડીયો કોલીંગ દ્વારા કેદીઓ અને પરિવારજનોની વાતચીત કરવાનું શરૂ થયું હતું. ત્યારથી અત્યાર સુધી પાકા કામના ૨૪૩ અને કાચા કામના ૩૧૫ કેદીઓ મળી કુલ ૫૫૮ કેદીઓએ વિડીયો કોલીંગ મારફતે પરિવારજનો સાથે વાતચીત કરી હતી. પવિત્ર રમઝાન માસના અંતિમ દિવસે ઈદ મુબારક કરવા માટે આવતા પરિવારજનોને પણ જેલમાં પ્રવેશબંધી હોવાથી તંત્ર દ્વારા પરિવારજનો અને કેદીઓ વચ્ચે વિડીયો કોલીંગ દ્વારા વાતચીત કરાવી અને ઈદ મુબારક પાઠવી ઉજવણી કરી હતી. અગાઉ કેદીઓ માટે અઠવાડિયામાં બેવાર લેન્ડલાઈન મારફત ૫ મીનીટ સુધી પરિવારજનો સાથે વાતચીત કરવા મળતી હતી. જે હવે અઠવાડિયામાં એક વખત અને એ પણ ૧૫ મીનીટ માટે પરિવારજનો સાથે વીડિયો કોલીંગ મારફત વાતચીત કરવાનો લાભ કેદીઓને મળી રહ્યો છે.
કોરોનાની મહામારીમાંથી હિન્દુસ્તાન મુકત થાય તેવી ઇદ પર દુઆ: હબીબભાઇ કટારીયા
લધુમતિ આગેવાન હબીબભાઇ કટારીયાએ અબતકને આપેલી મુલાકાતમાં શહેરના લોકોને ઇદની ખુબ ખુબ મુબારક બાદી પાઠવીને ઇદના પવિત્ર દિવસે અલ્લાહ ભગવાન પાસે દુવા માંગી હતી કે કોરોનાની મહામારીમાંથી હિન્દુસ્તાન મુકત થાય. આપણું જીવન ફરીથી સંપૂર્ણ હસતું ખીલતું થાય. આપણી પર આવેલી મુસીબતમાંમાંથી આપણે બહાર આવીએ, આજે અમે લોકોએ નમાજ જાહેર જગ્યાએ નહીં પરંતુ પોતાના ઘરે જ સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે અદા કરી છે. અમારા લોકોએ કાયદાનું પાલન સંપૂર્ણ રીતે કર્યુ છે તેની ખુશી છે.
લધુમતિ સમાજે ઇદની ઉજવણી ઘરમાં કરી પોલીસને સહકાર આપ્યો છે: મનોહરસિંહ જાડેજા
રાજકોટ શહેર પોલીસના ડીસીપી ઝોન-ર મનોહરસિંહ જાડેજાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે આજરોજ ઇદના સંદર્ભે પોલીસ દ્વારા પેટ્રોલીંગથ કરવામાં આવ્યું હતું. લધુમતિ સમાજના આગેવાનોએ તેમના સમાજને અપીલ કરી હતી કે તેઓ પોતાના ઘરે જ નમાજ પઢે અને બહાર ન નીકળે. ઇદની ઉજવણી પણ પોતાના ઘરે જ કરે, જેથી લધુમતિ સમાજના લોકો રોડ પર જાહેર સ્થળોએ એકત્રિત થઇને પોલીસને સહકાર આપ્યો છે. મારા તરફ લધુમતિ સમાજના તમામ લોકોને ઇદની શુભેચ્છા પાઠવું છું.