ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર કોરોનાનું ગ્રહણ: એસઓપીનું ચુસ્તપણે અમલ કરાવશે તંત્ર
ચાલુ વર્ષે કોરોના મહામારીમાં અનેકવિધ તહેવારો ઉપર ગ્રહણ લગાવ્યું છે. ખાસ સૌરાષ્ટ્રની સાપેક્ષમાં વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રવાસીઓ માટે જન્માષ્ટમી અને નવરાત્રીનો તહેવાર મુખ્ય તહેવારો પૈકી એક છે. જન્માષ્ટમી દરમિયાન પાંચ દિવસની રજામાં રંગીલા રાજકોટવાસીઓ તેમજ સૌરાષ્ટ્રના લોકો ફરવાનું પસંદ કરતા હોય છે. પાંચ દિવસ સુધી મેળાના માહોલમાં લોકો હળવાશનો સમય પરિવાર સાથે માણતા હોય છે ત્યારે નવરાત્રીના તહેવારમાં સમગ્ર દિવસભરનો થાક રાત્રીના સમયે ડી.જે. અને ઢોલના તાલે ગરબાના ગ્રાઉન્ડમાં મન મુકીને નાચી ઉતારતા હોય છે પરંતુ આ વર્ષે મહામારીના પગલે કોઈપણ તહેવારો હર્ષોઉલ્લાસ સાથે ઉજવાયા નથી ત્યારે વધુ એક તહેવારને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ક્રિશ્ર્ચર્ન સમાજ માટે ક્રિસમસનો તહેવાર સૌથી મોટા તહેવારો પૈકી એક છે પરંતુ આ વર્ષે સુપ્રીમની ગાઈડલાઈન મુજબ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર-એસઓપી મુજબ તહેવારોની ઉજવણી ડિસ્ટન્સ જાળવીને કરવી પડશે. ટોળાશાહીમાં તહેવારની ઉજવણીમાં માનતી પ્રજા માટે એકલવાયા થઈ, ઘરમાં પુરાઈને તહેવારોની ઉજવણી કરવી એ ખુબ મોટો પડકાર છે. ચર્ચમાં પણ નિર્ધારીત સંખ્યાબળથી અડધા લોકો જ પ્રાર્થના માટે જઈ શકશે. બીજીબાજુ ૩૧ ડિસેમ્બરના રોજ રાજયમાં ઠેર-ઠેર અલગ-અલગ પ્રકારની પાર્ટીઓ યોજી લોકો નવા વર્ષના વધામણા કરતા હોય છે પરંતુ આ વર્ષે આ ઉજવણીને પણ કોરોનાનું ગ્રહણ લાગી જશે. ઉલ્લેખનીય બાબત છે કે રાજયનાં મુખ્ય શહેરો જેવા કે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કફર્યુંનું ગ્રહણ અગાઉથી લાગી ચુકયું છે જે અનુસંધાને રાત્રીના ૯ વાગ્યા સુધીમાં સૌએ ઘરમાં પુરાઈ જવું ફરજીયાત છે. ત્યારે થર્ટી ફર્સ્ટની પાર્ટીઓમાં રંગ રાત્રીના ૧૨ વાગ્યે જામતો હોય છે જેથી આ વર્ષે નવા વર્ષની ઉજવણી પણ ડિસ્ટન્સ જાળવી પોતપોતાના ઘરેથી કરવી પડશે.
કોવિડ-૧૯નું સંક્રમણ ન વધે તેને ધ્યાને રાખી આગામી તહેવારોમાં પણ ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એસઓપીનો ચુસ્ત અમલ કરાવશે તેવું ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ બુધવારે જણાવ્યું હતું. જાડેજાએ જણાવ્યું હતું કે, તહેવારોના સમયમાં કોરોના સંક્રમણને ધ્યાને રાખી ધાર્મિક સભાઓ, રેલીઓ, પ્રાર્થનાસભાઓ, ખાનગી અથવા જાહેર સ્થળોએ યોજવાની મંજુરી આપવામાં આવશે નહીં. ઉપરાંત નવા વર્ષની ઉજવણી માટે પણ આ નિયમો સરખા જ રહેશે. શહેરી તેમજ જિલ્લા વહિવટી તંત્ર આ પ્રકારના આયોજન માટે મંજુરી આપશે નહીં. સ્પેશિયલ કેસમાં મંજુરી મળી શકે છે પરંતુ તેમાં પણ જરૂરી તમામ સાવચેતીઓ તેમજ ગાઈડલાઈનનું પાલન થાય તે પ્રકારે મંજુરી આપવામાં આવશે.
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં ક્રિસમસ તેમજ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે લોકોના ટોળા એકત્ર ન થાય તેના માટે તંત્રને સુચના આપી દેવામાં આવી છે. થર્ટી ફર્સ્ટના રોજ યોજાતી પાર્ટીઓને કોઈ કાળે મંજુરી નહીં આપવા અંગે પણ તંત્રને સુચના આપી દેવામાં આવી છે. આ દિવસે રાજયનું પોલીસ તંત્ર સચેટ રહેશે. સમગ્ર રાજયમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્તપણે રાત્રી કફર્યું તેમજ કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવાશે જેના માટે હાલ પોલીસ તંત્રએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. રાજય સરકાર કોરોના સંક્રમણને ઘટાડવા તેમજ તહેવારોના સમયમાં કોરોના માજા ન મુકે તે અંગે જરૂરી પગલા લેવા કટીબઘ્ધ છે ત્યારે જરૂરી તમામ વ્યવસ્થાઓ હાલ રાજય સરકાર કરી રહી છે. ઉલ્લેખનીય બાબત છે કે રાજયમાં હાલ સુધીમાં ૨,૩૮,૨૦૫ કોરોનાનાં કેસ નોંધાઈ ચુકયા છે.
નવા વર્ષની ઉજવણીની સૌરાષ્ટ્રના પરીપેક્ષમાં જો વાત કરવામાં આવે તો મદીરા પાન સાથે નવા વર્ષની ઉજવણી કરવી તેવી માન્યતા ચાલતી આવી છે. જેમ-જેમ થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે તેમ-તેમ પોલીસ તંત્ર વધુ સજાગ બની વિવિધ સ્થળોએ રેડ કરી દારૂનો મોટો જથ્થો પકડી રહી છે જેના કારણે દારૂની કિંમતોમાં પણ ધરખમ ઉછાળો જોવા મળી રહ્યો છે. દર વર્ષે ઘણાખરા લોકો મિત્રો સાથે મદીરા પાનની પાર્ટી માણી નવા વર્ષની ઉજવણી કરતા હોય છે ત્યારે આ વર્ષે ટોળાશાહીમાં ઉજવણી તો ઠીક પરંતુ મદીરા પાન પણ કરી શકાશે નહીં. રાજયમાં દારૂબંધી છે ત્યારે લોકો છાનામુના મદીરા પાન કરવા ટેવાયેલા છે ત્યારે થર્ટીફર્સ્ટ સંદર્ભે લોકોએ ખૂણે-ખાચરે કોઈની નજર ન પડે તે રીતે મદીરા પાન કરવુ પડશે. રાત્રીના ૯ પહેલા ઘરે પહોંચી, મિત્રોને આમંત્રણ આપ્યા વિના મદીરા પાન કરી લેનારા રંગીલાઓને પોલીસના સકંજામાંથી બચવા મોકો મળશે પરંતુ જે વ્યકિતઓ જાહેરમાં આ પ્રકારે કૃત્ય કરતા જણાશે તેમને નવા વર્ષની ઉજવણી જેલના સળીયા પાછળ કરવી પડશે તે બાબત પણ હાલ સ્પષ્ટ થઈ છે જેથી આ વર્ષે થર્ટી ફર્સ્ટની ઉજવણી ડિસ્ટન્સ સાથે કરવી જરૂરી બની છે.