અનડીટેકટ ખૂન, લૂંટ અને ચોરીના ભેદ ઉકેલવા બાતમીદાર આધારીત પોલીસ ડિજિટલ બની
સીસીટીવી કેમેરાને મોબાઇલ લોકેશનથી પોલીસનું કામ સરળ, સચોટ અને પારદર્શક બન્યું
ખૂન, લૂંટ અને ચોરી જેવા ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ બાતમીદારોની મદદ લેતા હતા અને મહંદ અંશે સફળતા પણ મળતી હતી
ત્યારે મિલકત વિરોધના ગુનાના ડીટેકશનનું પ્રમાણ ૩૫ ટકા હોય તે પોલીસ મથકની કામગીરી સર્વશ્રેષ્ટ ગણવામાં આવતી હતી. છેલ્લા કેટલાક સમયથી સીસીટીવી ફુટેજ અને મોબાઇલ લોકેશનની મદદથી પોલીસને ખૂન, લૂંટ અને ચોરી જેવા ગુનાનો ભેદ ઉકેલવાની ઝડપની સથે સાથે સરળ, સચોટ અને પારદર્શક કામગીરી બનતા પોલીસની ડીજીટલ કામગીરીએ ચાર ચાંદ લગાવી દીધા છે. અને ડીટેકશનનો ગ્રાફમાં સારો એવો વધારો થયો છે.
અગાઉના સમયમાં આધૂનિક ટેકનોલોજી જેવી કે સીસીટીવી કેમેરા અને મોબાઇલ લોકેશન ન હોવાના કારણે પોલીસ માટે ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા માટે એક માત્ર વિકલ્પ બાતમીદારો હતા. જે પોલીસને ખબરીનું નેટવર્ક મજબુત તે પોલીસ કોન્સ્ટેબલ કે અધિકારીની કામગીરી સારી રહેતી હતી. પોલીસ પોતાના બાતમીદારોને સાચવવા માટે ઘણી વખત સ્વખર્ચ કરતી હતી તેમજ પોતાના ખબરીની માહિતી ગુપ્ત રાખવા સતત પ્રયત્નસીલ પોલીસ સ્ટાફ રહેતો હતો. બાતમીદારો પણ ચોક્કસ પોલીસ અધિકારીઓને જ માહિતી આપી મહત્વના કેસનો ભેદ ઉકેલવા નિમિત બનતા તો પોલીસ અધિકારીઓ પણ પોતાના બાતમીદારને ઉની આચ ન આવે તે માટે હમેશા સજાગ રહેતા હતા.
છેલ્લા કેટલાક સમયથી બાતમીદારો પ્રત્યે પોલીસ સ્ટાફ ઉદાસીન બનતા પોલીસના ખબરીઓ બેકાર બન્યા છે તો કેટલાક કેસમાં બાતમીદાર અને ગુનેગારો વચ્ચે સિધુ ઘર્ષણ થતું હોવાથી પોલીસને બાતમી આપવાનું માંડી વાળે છે. વ્યક્તિગત દુશ્મનાવટના કારણે કેટલીક વખત બાતમીદારો પોલીસને ખોટી માહિતી આપી પોલીસને ગેરમાર્ગે દોરતા હોય છે અને ખબરીઓ પોતાના અંગત સ્વાર્થના કારણે પોલીસના ખંભાનો ઉપયોગ કરી પોતાનું કામ પાર પાડે છે.
ટેકનોલોજીના યુગમાં સીસીટીવી કેમેરા અને મોબાઇલ લોકેશન જેવી આધૂનિક સુવિધાના કારણે પોલીસને બાતમીદારોની જરૂર ઓછી થઇ ગઇ છે. નાઇટ વિઝન આધૂનિક સીસીટીવી કેમેરામાં રાત્રી દરમિયાનની ઘટના પણ સ્પષ્ટ જોઇ શકાતી હોવાથી ગુનેગારને ઝડપી લેવા પોલીસ માટે સરળ બન્યુ છે તે રીતે સચોટ અને પારદર્શક બન્યું છે. ગુનેગાર પોલીસ પાસે કંઇ ખોટુ બોલે તો તેની સામે સીસીટીવી ફુટેજ રજુ કરી તેની બોલતી બંધ કરવામાં આવે છે તેમજ કેટલાક બનાવમાં ફરિયાદીઓ પણ ખોટી ફરિયાદ નોંધાવી પોલીસને ગેર માર્ગે દોરવામાં આવે ત્યારે દુધનું દુધ અને પાણીનું પાણી કરી બતાવી નિર્દોષ વ્યક્તિને ખોટા કેસમાં ફસાતી બચાવી કામગીરી પારદર્શન બનાવે છે.
સીસીટીવી ફટેજની જેમ મોબાઇલ લોકેશનથી પણ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસની કામગીરી સરળ બની છે. ગુના સમયે મોબાઇલનો ઉપયોગ કર્યો હોય ત્યારે તે સ્થળના મોબાઇલ લોકેશન ટાવર, ટાઇમીંગ અને કોની સાથે વાત કરી તેના આધારે નંબર એનાલીસીસ કરી ગુનાનો ભેદ ઉકેલવામાં આવે છે આ રીતે મોબાઇલ મેપીંગ અને કોલ ડીટેઇલની મદદથી પણ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવો પોલીસ માટે સરળ બન્યો છે.
પોલીસ માટે કમાણી કરી આપતા દારૂ અને જુગાર જેવા ગુનાના બાતમીદારો પોલીસ માટે સક્રીય હોય છે. દારૂ-જુગારના કેસ કરવાથી પોલીસ રોકડી કરતી હોય છે અને બાતમીદારોને પણ પોલીસ ખુશ કરતા હોય છે તેમજ બાતમીદારને દારૂ કે જુગારના ધંધાર્થી સાથે વાંધો હોય તો ત્યારે બદલો લેવાની ભાવના સાથે પોલીસ પાસે દરોડો પડાવતા હોય છે.
ભાસ્કર અપહરણકાંડ બાતમીદારોની મદદથી ઉકેલાયો
દેશભરમાં ચકચાર જગાડનાર ભાસ્કર અપહરણકાંડનો ભેદ ઉકેલવામાં પૂર્વ પોલીસ કમિશનર સુધિરકુમાર સિન્હાને મળેલી બાતમી મહત્વની બની રહી હતી. ખબરી દ્વારા મળેલી માહિતીના આધારે જ પોલીસે અંકલેશ્ર્વર પાસેના વાલીયા ગામે ઓપરેશન કરી રાજશી હાથીયા મેરનું એન્કાઉન્ટર કરી પરેશ શાહને મુકત કરાવ્યો હતો અને ત્યાંથી ઝડપી લીધેલા કેટલાક શખ્સોની પૂછપરછના આધારે દિલ્હી ખાતેથી ભાસ્કર પારેખને મુક્ત કરાવ્યો હતો.
સીસીટીવી ફુટેજની મદદથી સ્ટોન કીલર અને આંગડીયા લૂંટનો ભેદ ઉકેલાયો
શહેરના એક સાથે ત્રણ વ્યક્તિઓના માથામાં પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા સ્ટોન કીલરને ઝડપી લેવામાં પોલીસને અશોક ગાર્ડન પાસેના સીસીટીવી ફુટેજના આધારે ભેદ ઉકેલાયો હતો. સમગ્ર શહેરમાં ફફડાટ મચાવનાર અને પોલીસ માટે પડકારરૂપ બનેલા સ્ટોન કીલરને જામનગર ખાતેથી ઝડપી લેવામાં સીસીટીવી ફુટેજની મહત્વની ભૂમિકા રહી હતી તે રીતે જ તાજેતરમાં બોટાદથી જસદણ હીરા વેચવા આવેલા હીરાના ચાર દલાલોને જસદણ નજીક આંતરી લાખોની કિંમતના હીરાની લૂંટનો રૂરલ એલસીબીએ ઘેલા સોમનાથ મંદિરના સીસીટીવી ફુટેજની મદદથી ઉકેલ્યો હતો.
સુવિધા સાથે દુવિધા વધી: સાયબર ક્રાઇમના ગુના પડકારરૂપ
સીસીટીવી કેમેરા અને મોબાઇલ લોકેશન સહિતની આધૂનિક ટેકનોલોજીનો પોલીસ દ્વારા ભરપુર ઉપયોગ કરી ગુનાખોરી પર અંકુશ મેળવ્યો છે તેમજ ગંભીર ગુનાનાના ડીટેકશન ઝડપી થયું છે. તેની સાથો સાથ ગુનેગારો પણ એક સ્ટેપ આગળ હોય તેમ સાયબર ક્રાઇમના ગુનાનું પ્રમાણ વધ્યું છે. ટેકનોલોજી અને કમ્પ્યુટરના ભેજાબાજ ગુનેગારો ઠગાઇ, ઓળખ સાથે ચેડા, ઓનલાઇન ફોડ, એટીએમ ફોડ, બનાવટી પ્રોફાઇલ, સાયબર જાસુસી અને ઓટીપી ફોડ તેમજ પાસવર્ડ બદલી નાખ્યા જેવા ગુના પોલીસ માટે પડકારરૂપ બન્યા છે. સાયબર ક્રાઇમના ગુનાનું પ્રમાણ વધ્યું છે.
મોબાઇલ લોકેશનના આધારે પિયુશ પૂજારા અપહરણ અને હત્યાનો ભેદ ઉકેલાયો
પોલીસની કામગીરીમાં બાતમીદાર બાદ સીસીટીવી ફુટેજ અને હવે મોબાઇલ લોકેશનનું મહત્વ પણ વધ્યું છે. શહેરના સામાકાંઠા વિસ્તારના ઇમીટેશન જવેલરીના વેપારીના પુત્ર પિયુશ પૂજારાનું જામનગરની ગેંગે ખંડણી પડાવવા અપહરણ કરી હીંગોળગઢના જંગલમાં કરેલી હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસ માટે મોબાઇલ લોકેશન મહત્વના રહ્યા હતા. પિયુશ પૂજારાના મોબાઇલમાં વાત કરનાર યુવતીની ભાળ પોલીસે મેળવ્યા બાદ આશિષ કપીલ નંદા સહિતના શખ્સોને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી તે રીતે તાજેતરમાં જ ઓઇલ ઢોળી છેતરપિંડી કરતી ગેંગ અને લગ્ન પ્રસંગમાં મહેમાનના સ્વાંગમાં ઘુસી લગ્ન પ્રસંગે આવેલી ગીફ્ટ અને વર-ક્ધયાના સોનાના ઘરેણા ચોરતી ગેંગને રાજસ્થાનથી ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે.