બાઇક પર આવેલા બે શખ્સોએ ખંજવાળનો પાવડર છાંટી એક્ટિવાની ડેકીમાંથી રોકડ ભરેલા થેલા લઇ ફરાર
લૂંટારાએ હેલ્મેટ પહેર્યું હોવાથી ઓળખ મેળવવી મુશ્કેલ બન્યું: આંગડીયા પેઢી પરથી જ લૂંટારા પીછો કરતા હોવાની શંકા
શહેરમાં પોલીસ સ્ટાફ હેલ્મેટ ઝુંબેશ ચલાવી દંડ વસુલ કરવામાં વ્યસ્ત બનતા ચોર, ગઠીયા અને લૂંટારા ફરી સક્રીય બન્યા હોય તેમ મવડી મેઇન રોડ પર દિન દહાડે યુવકના શરીરે ખંજવાડ થાય તેવો પાવડર છાંટી એક્ટિવાની ડેકીમાં રહેલા રૂા.૧૨ લાખની રોકડ સાથેના થેલાની બે શખ્સોએ દિલધડક લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સ્વામી નારાયણ ગુરૂકુલ પાસે ભક્તિધામ સોસાયટી શેરી નંબર ૫માં રહેતા અને રાવકી ખાતે મારવેલા મેટલ નામના કારખાનામાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા મહેશભાઇ દુલર્ભજીભાઇ વસાણી નામના ૩૩ વર્ષના કુંભાર યુવાન એક્ટિવા પર મવડી મેઇન રોડ પર ફાયર બ્રિગેડ પાસે પસાર થતા હતા ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ શરીરે ખંજવાડ આવે તેવો પાવડર છાંટી રૂા.૧૨ લાખની લૂંટ ચલાવ્યાની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મહેશભાઇ વસાણી રાવકી ગામે આવેલા મારવેલા મેટલ્સ નામના કારખાનામાં છેલ્લા બે વર્ષથી હિસાબનીશ તરીકે નોકરી કરે છે. ગઇકાલે કારખાનેદાર સંજયભાઇએ ફોન કરી મવડી મેઇન રોડ પર આવેલા રામ ઓર શ્યામ ગોલાવાલા પાસે આવેલી પીએમ એન્ટર પ્રાઇઝ આંગડીયા પેઢીમાંથી રૂા.૧૨ લાખની રોકડ લેવા જવાનું કહેતા સાંજના સાતેક વાગે મહેશભાઇ વસાણી જી.જે.૩એફઇ. ૯૮૧૩ નંબરના એક્ટિવા પર પીએમ એન્ટર પ્રાઇઝ આંગડીયા પેઢીની ઓફિસે જઇ રૂા.૧૨ લાખની રોકડ મેળવી થેલો એક્ટિવાની ડેકીમાં રાખી પરત રાવકી ગામે જવા નીકળ્યા હતા.મહેશભાઇ વસાણી આંગડીયા પેઢીની ઓફિસથી માત્ર ૨૫ થી ૩૦ મીટર દુર પહોચ્યા તે દરમિયાન પાછળથી આવતા બાઇક પર રહેલા અજાણ્યા શખ્સે ગરદનના પાછળના ખંજવાડ આવે તેવો પાવડર છાંટતા મહેશભાઇ વસાણી એક્ટિવા સાઇડમાં ઉભું રાખી અશહય પીડાના કારણે પોતાને કંઇ ખબર જ રહી ન હતી અને શરીરે ખંજવાડી રહ્યા હતા તે દરમિયાન બાઇક પર રહેલા બે શખ્સો પૈકી એક શખ્સે એક્ટિવાની ડેકીમાંથી રૂા.૧૨ લાખની રોકડ સાથેનો થેલો લૂંટી હેલ્મેટ પહેરેલા બાઇક ચાલકની પાછળ બેસી ભાગી ગયો હતો.
https://www.facebook.com/abtakmedia/videos/487524118746777/
મવડી મેઇન રોડ પર ધોળા દિવસે અને સરા જાહેર રૂા.૧૨ લાખની થયેલી લૂંટની ઘટનાથી પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, પી.આઇ. એન.એન.ચુડાસમા, ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. એચ.એમ.ગઢવી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી કંઇ રીતે લૂંટનો બનાવ બન્યો તે અંગેની વિગતો મેળવી લૂંટારાઓને ઝડપી લેવા નાકાબંધી કરાવી હતી. પોલીસની એક ટીમે મવડી મેઇન રોડ પરના સીસીટીવી ફુટેજ મેળવી લૂંટારૂનું પગેરૂ દબાવ્યું હતુ. પરંતુ બે લૂંટારા પૈકી બાઇક ચાલકે હેલ્મેટ પહેરી હોવાથી લૂંટારાની ઓળખ મેળવવી પોલીસ માટે મુશ્કેલ બની છે.