આંગડીયા પેઢીના મેનેજરના એપાર્ટમેન્ટમાં ઘુસી બે શખ્સોએ છરી બતાવી ચલાવેલી દિલ ધડક લૂંટથી પોલીસમાં દોડધામ: જાણભેદુની સંડોવણીની શંકા બંને લૂંટારા ભીચરી નાકા થઇ કપીલા હનુમાન મંદિરથી સફેદ કલરની કારમાં બેસી રામનાથપરા પાસેના પુલ પરથી ભાગી ગયા
શહેરમાં ચોર-લૂંટારાએ પડાવ નાખ્યો હોય તેમ તાજેતરમાં જ થયેલી દસ જેટલી માતબાર રકમની ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યારે ખત્રીવાડમાં આવેલા કેશવકુંજ એપાર્ટમેન્ટમાં ઘુસી બે અજાણ્યા શખ્સોએ આંગડીયા પેઢીના મેનેજર છરી બતાવી રૂા.19.56 લાખની રોકડની દિલધડક લૂંટ ચલાવી ભાગી જતા સનસનાટી મચી ગઇ છે. બંને લૂંટારાઓને ઝડપી લેવા પોલીસે સીસીટીવી ફુટેજની મદદ લઇ લૂંટારૂનું પગેરૂ દબાવ્યું છે. બંને લૂંટારા લૂંટ ચલાવ્યા બાદ ભીચરી નાકા થઇ કપીલા હનુમાન મંદિર પાસે પાર્ક કરેલી સફેદ કલરની કારમાં બેસી રામનાથપરા પાસેના પુલ પરથી સામાકાંઠે ભાગી છુટયાના ફુટેજ મળી રહ્યા છે. બંને લૂંટારાઓએ અગાઉ લૂંટ અંગે રેકી કરી હોવાનું અને કોઇ જાણભેદુની સંડોવણી હોવાની શંકા સાથે પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
રાજકોટમાં સોનીબજારમાં ભીચરીના નાકા પાસે એપાર્ટમેન્ટમાં રહેતા આંગડીયા પેઢીના કર્મચારીને છરી બતાવી ધમકાવી બે શખ્સોએ તેની પાસેથી રૂપિયા 19 લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી નાસી જતા પોલીસે કારમાં નાસી જનાર શખ્સોનેે પકડવા નાકાબંધી કરી સીસીટીવી ફૂટેજને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સોની બજારમાં ભીચરીના નાકા પાસે કેશવકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા અને સોનીબજારમાં જ પી. મગનલાલ અને સન્સ નામની આંગડીયા પેઢીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા રજનીભાઈ ગોવીંદભાઈ પંડચા (ઉ.વ.61) રાત્રીના આઠ વાગ્યે પેઢી બંધ કરી ઘરે ગયા હતા તે દરમ્યાન ફ્લેટના પગથીયા ચડતી વેળાએ અગાઉથી જ વોચમાં ઉભેલા બે અજાણ્યા શખસો પૈકીના એકે પિસ્તોલ અને બીજા શખસે છરી કાઢી ધમકી આપી તેની પાસે રહેલ રૂપિયા 19.56 લાખની રોકડ ભરેલ થેલો ઝૂંટવી નાસી જતા રજનીભાઈ એ દેકારો કરતા આસપાસના લોકો એકઠા થયા હતા અને પીછો કર્યો હતો.
બનાવની જાણ થતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમીક તપાસમાં મેનેજર રજનીભાઈ પંડયા ઉર્ફે મારાજ છેલ્લા 30 વર્ષથી આંગડીયા પેઢીમાં નોકરી કરતા હોવાનું અને રાબેતા મુજબ રાત્રીના 8 કલાકે પેઢીમાં આવેલ રોકડ રકમ તથા પેઢીનો અને તેનો મોબાઈલ ફોન બેગમાં રાખી ઘરે ગયા હતા તે દરમ્યાન એપાર્ટમેંટના ચોથા માળે રહેતા હોય પગથીયા ચડીને જતા હોય ત્યારે પહેલા માળે અગાઉથી જ ઉભેલા બે શખસોએ લેંટ ચલાવી તેમજ થોડે આગળ કાર લઈ ઉભેલા શખસની કારમાં બેસી ત્રિપુટી નાસી છુટી હોવાનુ બહાર આવતા પોલીસે નાકા બંધી કરી સીસીટીવી ફુટેજના આધારે લુંટારુ ગેંગને ઝડપી લેવા મથામણ કરી છે. જયારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, લુટારૂઓ આઇ-ર0 કારમાં આવ્યા હતા. અને તેઓ કાર લઇ ભીચરી નાકા થઇ કપીલા હનુમાન મંદિરથી રામનાથ પરા પુલ પાસે ભાગતા હોવાનું સીસી ટીવીમાં જોવા મળતા પોલીસે દ્વારા તે દીશામાં તપાસ હાથ ધરી છે. લુંટમાં જાણભેદુની સંડોવણી છે કે કેમ તે દીશામાં પણ પોલીસે પુછતાછ હાથ ધરી છે.
લુંટારૂ ભાગતી વેળાએ પગથિયાં પરથી પટકાયો’તો
સોની બજારમાં કેશવકુંજ એપાર્ટેમેંટમાં ચોથા માળે રહેતા આંગડીયા પેઢીના મેનેજર રજનીભાઈ ફ્લેટમાં જતા હતા તે દરમિયાન છરી બતાવી અગાઉથી પહેલા માળે ઉભેલા બે શખસોએ રોકડ રકમ ભરેલા થેલાની લુંટ ચલાવી નાસી છુટયા હતા. જેમા એક લુટારુ પગથીયા ઉતરતી વેળાએ નીચે પટકાયો હતો.મેનેજર તેને પકડે તે પહેલા ઉભો થઈ નાસી ગયો હતો.
લૂંટની ઘટનાની જાત માહિતી મેળવવા પોલીસ કમિશનર ભાર્ગવ આવ્યા મેદાને
ખત્રીવાડમાં ગઇકાલે સમી સાંજે આંગડીયા પેઢીના મેનેજર રજનીકાંતભાઇ ગોવિંદલાલ પંડયાને છરી બતાવી બે શખ્સોએ ચલાવેલી રૂા.19.56 લાખની લૂંટની ઘટનાની જાત માહિતી મેળવવા પોલીસ કમિસનર રાજુ ભાર્ગવ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લૂંટનો તાકીદે ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસ સ્ટાફને જરૂરી માર્ગ દર્શન આપ્યું હતું.