પ્રથમ દિવસે હરાજીમાં કપાસના ૧૧૧૦ ભાવ મળ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી યાર્ડ ખાતે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં રાહત સાથે આનંદની લાગણી વ્યાપી છે.
સમગ્ર જિલ્લામાં ખેડુતો દ્વારા કપાસ સહિતના પાકોનું મોટાપાયે વાવેતર કરવામાં આવે છે અને જિલ્લો કપાસના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન છે ત્યારે લીંબડી માર્કેટીંગ યાર્ડમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ થાય તે માટે ધારાસભ્ય કિરિટસિંહ રાણાએ રજૂઆત કરી હતી. આ રજૂઆતને લીધે માર્કેટીંગ યાર્ડના ચેરમેન ધીરૂભાઈ સીંધવની હાજરીમાં કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખેડુતો પોતાનો કપાસ લઈને મોટી સંખ્યામાં માર્કેટીંગ યાર્ડ ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં અને કપાસની ગુણવત્તા મુજબ ખેડુતોને ભાવ મળ્યો છે.
પ્રથમ દિવસે હરાજીમાં ઉંચામાં ઉચા એક મણ કપાસના રૂા.૧૧૧૦ ભાવ સીસીઆઈ દ્વારા આપવામાં આવ્યો હતો. યાર્ડના સેક્રેટરી દિલીપસિંહ રાણાના જણાવ્યા મુજબ ચુડા તેમજ લીંબડી તાલુકાના ખેડુત ભાઈઓએ સીસીઆઈમાં કપાસ વેચવા માટે સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ પોતાના આધાર કાર્ડ, બેન્ક પાસબુક, ૭/૧૨, ૮-અ તથા તલાટીનો કપાસ વાવેતરનો દાખલો બે નકલમાં લઈ માર્કેટીંગ યાર્ડ ખાતે આવવાનું રહેશે.
સીસીઆઈ ક્વોલીટી મુજબ હાલ કપાસના પ્રતિમણ ભાવ રૂા. ૧૧૦૮ થી રૂા.૧૧૫૫ છે. જ્યારે સીસીઆઈની ખરીદી થતાં વેપારી ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. સીસીઆઈ કેન્દ્રના પ્રકાશભાઈ પટેલ, મિલન જીનમાંથી બીપીનભાઈ, મંગલદિપિ જીનમાંથી મયુરભાઈ પટેલ, સી.કે.શાહ, ચંદુભાઈ વગેરે વેપારીઓની હાજરીમાં કપાસ ખરીદવાની શરૂઆત કરવામાં આવી હતી. અગાઉ લીંબડી તાલુકાના ખેડુતોને કપાસ વેચવા માટે બહાર જવું પડતું હતું અને તેમાં સમય તેમજ રૂપિયાનો વ્યય થતો હતો ત્યારે લીંબડી ખાતે જ ઘર આંગણે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ થતાં ખેડુતોમાં આનંદની લાગણી વ્યાપી છે.