સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ ધો.10 અને 12ના પરિણામમાં હવે ડિવિઝન- ડિસ્ટિંક્શન તથા કુલ ગુણ જેવી બાબતોનો ઉલ્લેખ નહીં કરવાનો નિર્ણય લીધો છે. તેથી હવે વિદ્યાર્થીને કેટલા પર્સન્ટેજ આવ્યા છે, કયા વિષયોમાં ડિસ્ટિંક્શન છે તથા ઓવરઓલ ડિવિઝન શું છે તે તમામ બાબતો પરિણામમાં જોવા મળશે નહીં. જો, વિદ્યાર્થી પાંચ કરતા વધુ વિષય લે છે તો તેમના પ્રવેશ અથવા રોજગાર માટે સંસ્થા અથવા તો એમ્પ્લોયર પર નિર્ભર છે કે તેઓ કયા પાંચ વિષયને ગણીને પ્રવેશ અથવા રોજગાર આપે છે. આમ, સીબીએસઈએ પરીક્ષા પહેલાં જ પરિણામ અંગે મહત્ત્વની જાહેરાત કરી છે. સીબીએસઈ દ્વારા આગામી 15 ફેબ્રુઆરીથી લેવામાં આવનારી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા પહેલા પરિણામને લઈને મહત્ત્વની જાહેરાત કરી હોવાનું સામે આવ્યું છે.
ઓવરઓલ એગ્રિગ્રેટ પણ નહીં આપવાનું નક્કી કરાયું: વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા માટે વધુ સારી રીતે તૈયારી કરી શકશે
હવે વિદ્યાર્થીને કેટલા પર્સન્ટેજ આવ્યા છે, કયા વિષયોમાં ડિસ્ટિંક્શન છે તથા ઓવરઓલ ડિવિઝન શું છે તે તમામ બાબતો પરિણામમાં જોવા મળશે નહીં
સીબીએસઈ દ્વારા ધો.10 અને 12ના પરિણામમાં ડિવિઝન, ડિસ્ટિંક્શન નહીં આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ઓવરઓલ એગ્રિગ્રેટ પણ નહીં આપવાનું નક્કી કરાયું છે.સીબીએસઈ દ્વારા આ અંગે સત્તાવાર નોટિસ સ્કૂલોને મોકલી આપી છે. જેમાં જણાવાયું છે કે, બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓના માર્કની ગણતરી માટે શું ક્રાઈટેરિયા રહેશે તે અંગે અનેક લોકોએ પૃચ્છા કરી હતી. જેથી આ અંગે સુચિત કરવામાં આવે છે કે, બોર્ડની પરીક્ષામાં ઓવરઓલ ડિવિઝન, ડિસ્ટિંક્શન અથવા એગ્રીગેટ આપવામાં આવશે નહીં.
સીબીએસીની ધો.10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે અને એપ્રિલ સુધીમાં પરીક્ષા પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. હાલમાં વિદ્યાર્થીઓ ડેટા શિટની રાહ જોઈ રહ્યા છે. બોર્ડ દ્વારા પણ આગામી દિવસોમાં પરીક્ષા અંગેનો કાર્યક્રમ જાહેર કરવાનું આયોજન કરાયું છે. આમ, બોર્ડ દ્વારા આગામી પરીક્ષાના પરિણામમાં કોઈ શ્રેણી, વિશેષ લાયકાત અથવા કુલ ગુણ આપવામાં આવશે નહીં. કોઈ વિદ્યાર્થીએ જો પાંચ કરતા વધુ વિષયની પરીક્ષા આપી છે તો તેને પ્રવેશ આપનારી સંસ્થા પોતાની રીતે પાંચ વિષયોની પસંદગી કરી પ્રવેશ આપી શકે છે.
ઉચ્ચ શિક્ષણ અથવા રોજગાર માટે ટકાવારી જરૂરી હોય તો તે સંસ્થા અથવા તો રોજગાર આપનારી કંપની પોતાની રીતે ગણતરી કરી શકે છે.સીબીએસઈ દ્વારા પાછલા કેટલાક વર્ષોથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ટોપ કરનારા વિદ્યાર્થીઓની યાદી પણ જાહેર કરવામાં આવતી નથી. વિદ્યાર્થીઓ વચ્ચે થતી અસ્વસ્થ પ્રતિસ્પર્ધાથી બચવા માટે આ પદ્ધતિ બોર્ડ દ્વારા બંધ કરી દેવામાં આવી છે. જોકે, હવે કુલ ગુણ, શ્રેણી તથા વિશેષ લાયકાત જેવી બાબતોનો પણ માર્કશીટમાં ઉલ્લેખ જોવા નહીં મળે. ચાલુ વર્ષની માર્કશીટ પર નજર કરીએ તો તેમાં વિદ્યાર્થીઓને વિષય પ્રમાણે મળેલા ગુણ ઉપરાંત ગ્રેડ, પર્સન્ટાઈલ રેન્ક, ઓવરઓલ ગ્રેડ સહિતની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.