10માનું બોર્ડ નીકળી જશે: આગામી શૈક્ષણિક વર્ષથી અમલવારી
સીબીએસઇ હવે 10+2ની બદલે 5+3+3+4ની નીતિ લાગુ કરશે.જેમાં 10માનું બોર્ડ નીકળી જશે. આ નવા નિયમની અમલવારી આગામી શૈક્ષણિક વર્ષથી થવાની છે.
કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગે બનાવેલી નવી શિક્ષણ નીતિ પ્રમાણે નવા શૈક્ષણિક વર્ષથી સેન્ટ્રલ બોર્ડની તમામ સ્કૂલોમાં 5+3+3+4ની નીતિ લાગુ કરવામાં આવશે તેમ સીબીએસઈના ચેરપર્સન નિધિ છિબ્બરે જાહેર કર્યું છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન દ્વારા વડોદરા ખાતે સીબીએસઈ સ્કૂલોની બે દિવસની નેશનલ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે. જેમાં હાજર રહેલા સીબીએસઈના ચેર પર્સન નિધિ છિબ્બરે કહ્યુ હતુ કે, નવી એજ્યુકેશન પોલિસીના સરકારે બનાવી તે પછી કોરનાના કારણે તેનો અમલ કરવામાં વિલંબ થઈ રહ્યો હતો.જોકે હવે સીબીએસઈ દ્વારા તબક્કાવાર તેનો અમલ કરવાનુ શરૂ કરાશે.
તેમણે કહ્યુ હતુ કે, હાલમાં 10+2 એજ્યુકેશન સિસ્ટમ સ્કૂલોમાં અમલમાં છે. તેની જગ્યાએ આગામી વર્ષથી સ્કૂલોમાં 5+3+3+4નુ માળખુ અમલમાં આવશે.આમ સ્કૂલોમાંથી ધો.10ની બોર્ડ પરીક્ષા નિકળી જાય તેવી શક્યતાઓ છે.
સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે સ્કિલ બેઝ્ડ એજ્યુકેશન પર વધારે ભાર મુકવામાં આવશે.જેના ભાગરૂપે ધો.6થી વિદ્યાર્થીઓને સંખ્યાબંધ વિષયોમાંથી કેટલાક વિષયો પસંદ કરવા માટે વિકલ્પ આપવામાં આવશે.આ તમામ વિષયો વિદ્યાર્થીઓમાં સ્કિલ વિકસે તેવા હશે.આ વિષયો ભણ્યા બાદ વિદ્યાર્થીને તેનુ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. દરમિયાન નેશનલ કોન્ફરન્સમાં સીબીએસઈમાં જે વિષયો દાખલ થવાના છે તેની બૂક્સ પણ લોન્ચ કરવામાં આવી હતી.