કોરોનાની મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે શાળા-કોલેજો પણ હજુ આગામી દિવસોમાં પણ બંધ રાખવામાં આવશે તેવું ગૃહ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન અન્ય જિલ્લામાં કે રાજ્યમાં સ્થળાંતરીત થઈ ગયેલા ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓ બાકીની પરીક્ષા જે તે રાજ્ય કે જિલ્લામાં આપી શકશે તેમ માનવ સંશાધન અને વિકાસ ખાતાના પ્રધાન રમેશ પોખરીયાલે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ વિદ્યાર્થીઓની પરીક્ષા આપવા માટે અગાઉના પરીક્ષા કેન્દ્ર સુધી ધક્કો ખાવો નહીં પડે, કોરોનાને કારણે અનેક વિદ્યાર્થીઓ તેમના વતન ચાલ્યા ગયા હતા એવા સંજોગોમાં સીબીએસઈ બોર્ડની પરીક્ષામાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓની સમસ્યાઓને ધ્યાનમાં લઈ સીબીએસઈએ આવા વિદ્યાર્થીઓને તેઓ હાલ જે રાજ્ય કે જિલ્લામાં છે ત્યાંથી જ બોર્ડની પરીક્ષા આપવા દેવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ સીબીએસઈએ ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડની બાકી રહી ગયેલી પરીક્ષાઓ માટે નવી તારીખ જાહેર કરી હતી. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને બાકીના ૨૯ પેપરની પરીક્ષા જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર ૧ થી ૧૫ જુલાઈ ૨૦૨૦ દરમિયાન લેવામાં આવશે.
આ તમામ પરીક્ષાઓમાં પૂરું સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય, કલાસમમાં માસ્ક અને સેનેટાઈઝરનો પણ ઉપયોગ કરીને એક બેન્ચમાં એક જ વિદ્યાર્થી બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને વધુ એક નિર્ણય સીબીએસઈ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ધ્યાનમાં રાખી લેવાયો છે કે, હવે સીબીએસઈના ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓ હાલમાં જ્યાં રહે છે ત્યાંના જ કેન્દ્ર પરથી પરીક્ષા આપી શકશે.