ક્રિષ્ના સ્કુલના પ્રીત ગોધાણીને ૯૬.૮ ટકા અને આયુષ પનારાને ૯૪.૮ ટકા
ધો.૧૨ સીબીએસઈ સાયન્સ અને કોમર્સનું પરિણામ ગઈકાલે જાહેર થઈ ચૂકયું હતું. ધો.૧૨ સીબીએસઈનું પરિણામ ૮૩.૪ ટકા રહ્યું છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો દિલ્હી પબ્લિક સ્કૂલ, જીનીયસ સ્કૂલ અને કેન્દ્રીય વિદ્યાલય તેમજ ધ ઈન્ટરનેશનલ સ્કૂલનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે.
જેમાં ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી પ્રીત ગોધાણીએ ૯૬.૮ ટકા મેળવી રાજકોટમાં પ્રથમ નંબરે આવ્યા છે. આ ઉપરાંત આયુષ પનારાએ ૯૪.૮ ટકા અને દેવેશ શાહને ૯૪.૨ ટકા હાંસલ થયા છે. આ ઉપરાંત દિલ્હી પબ્લિક સ્કૂલના મધુમતી કુંડુએ ૯૪.૪ ટકા સાથે સ્કૂલ ફર્સ્ટ રહી છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ડીપીએસ, જય ઈન્ટરનેશનલ સ્કૂલ, આરકેસી અને કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓની સીધ્ધી દબદબાભેર રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ગઈકાલે સીબીએસઈનું પરિણામ જાહેર થયું હતું. બપોરબાદ જયારે વિદ્યાર્થીઓ સ્કૂલે પરિણામ લેવા પહોંચ્યા ત્યારે ભારે ઉત્સાહ જેવો માહોલ જોવા મળ્યો હતો. સીબીએસઈની રાજકોટની સ્કૂલોનું પરિણામ ઉત્કૃષ્ટ આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ દબદબાભેર ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
જય છત્રોલાની કોમ્પ્યુટર એન્જિનિયર બનવાની ઈચ્છા
ક્રિષ્ના સ્કૂલના જય છત્રોલાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોઈપણ જાહેરાત વગર જ આ વખતે વહેલી પરિણામ જાહેર થયું જે થોડુ આશ્ર્ચર્યજનક લાગ્યું પરંતુ સારૂ પરિણામ આવતા ખુશી પણ એટલી જ છે. ધો.૧૨ની શરૂઆતથી જ પરીક્ષાની તમામ તૈયારીઓ કરી હતી. ક્રિષ્ના સ્કૂલના તમામ પ્રોફેસરોનો અમને હંમેશા સાથ મળ્યો છે. ભવિષ્યમાં કોમ્પ્યુટર એન્જિનીયર બનવાની ઈચ્છા છે.
હવે સંપૂર્ણ ધ્યાન નીટ પર: પલક ભાનાણી
ક્રિષ્ના સ્કૂલની વિદ્યાર્થિની પલક ભાનાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધાર્યા કરતા પણ સારૂ પરિણામ આવ્યું છે. કેમેસ્ટ્રીમાં ૯૫, બાયોલોજીમાં ૯૪ અને ફીજીકસમાં ૯૦ ગુણ પ્રાપ્ત થયા છે. બે વર્ષની મહેનત આખરે રંગ લાવી છે. ક્રિષ્ના સ્કૂલની હું આભારી છું કે જેને હરહંમેશ અમને સહકાર આપ્યો છે.હાલમાં તો સંપૂર્ણ ફોકસ હવે નીટની પરીક્ષા પર જ છે. ભવિષ્યમાં એમબીબીએસ કરીને ડોકટર બનવું છે.