વિધાર્થીઓએ કોઈ કારણોસર રજા રાખી હશે તો પુરાવા આપવા જરૂરી શાળાઓ પણ કડક વલણ નહિ રાખે તો બોર્ડ દ્વારા પગલાં લેવામાં આવશે
સીબીએસઈ બોર્ડ દ્વારા પરિપત્ર કરી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે ધોરણ 10 અને 12ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની શાળાઓમાં ઓછામાં ઓછી 75 ટકા હાજરી હોવી ફરજિયાત છે. જો હાજરી ઓછી હશે તો બોર્ડની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. જે વિદ્યાર્થીઓની હાજરી પૂરી નહીં હોય અથવા તો 75 ટકાથી ઓછી હશે તો એવા વિદ્યાર્થીઓએ ઓછી હાજરીનું કારણ બતાવવું પડશે કે, એમની હાજરી શા માટે ઓછી છે? જો એવું જોવામાં આવશે કે શાળાઓ બહાર પાડવામાં આવેલી સૂચનાઓનું પાલન કરતી નથી અને બોર્ડના નિયમોની વિરુદ્ધ હોય તેવી પ્રવૃત્તિઓમાં જોડાય છે, તો બોર્ડ દ્વારા કડક પગલાં લેવામાં આવશે.
વધુમાં આ પરિપત્રમાં જણાવ્યા મુજબ, શાળાઓ માત્ર તેમના વિદ્યાર્થીઓને વિષય જ્ઞાન આપવા માટે જ નથી. શાળાકીય અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ, ઇતર પ્રવૃત્તિઓ, ચારિત્ર્ય ઘડતર, આદર, ટીમ વર્ક વગેરેનો પણ સમાવેશ થાય છે તેથી શાળામાં નિયમિત હાજરી મહત્ત્વપૂર્ણ છે. કારણ કે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી વિદ્યાર્થીની શૈક્ષણિક સફળતા, વ્યક્તિગત વિકાસ અને એકંદરે સુખાકારીમાં ફાળો આપે છે. જો વિદ્યાર્થીઓ શાળામાં નહીં આવે તો તેમનો સર્વાંગી વિકાસ રૂંધાશે. બોર્ડની પરીક્ષામાં હાજર રહેવા માટે ઓછામાં ઓછી 75% હાજરી ફરજિયાત નક્કી કરી છે. વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો દ્વારા સામનો કરવામાં આવતી આવશ્યકતાઓ અને કટોકટીને ધ્યાનમાં રાખીને હાજરીમાં 25% છૂટછાટ આપવામાં આવે છે.