વકરતા કોરોનાને કારણે હાલ શાળા-કોલેજોને ફરી તાળાં લાગી ચૂક્યા છે. ત્યારે હવે વિધાર્થીઓની સલામતીને ધ્યાને રાખી કેન્દ્ર સરકાર અને કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(સીબીએસઈ)ની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. અને હવે આગામી 1લી જૂને બોર્ડ દ્વારા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ નવી તારીખો જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આજે સીબીએસઈની પરીક્ષાઓને લઈને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ (નિશાંક) અને અન્ય અધિકારીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક યોજી હતી. જેમાં ગહન ચર્ચા વિચારણા બાદ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. પરીક્ષાઓ શરૂ થતાં પહેલા ઓછામાં ઓછા 15 દિવસની નોટિસ આપવામાં આવશે.
કોરોના કેસ વધતાં પરીક્ષા રદ કરવા ઉઠી હતી પ્રચંડ માંગ
જણાવી દઈએ કે છેલ્લા થોડા સમયથી માગ ઉઠી હતી કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(સીબીએસઈ)ની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મુલતવવામાં આવે અથવા તો રદ કરી દેવામાં આવે અથવા ઓનલાઈન માધ્યમથી યોજવામાં આવે. ગઈકાલે દિલ્હીમાં કોવિડ -19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરીક્ષાઓ રદ કરવાની માંગ કરી હતી. અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ કેન્દ્ર સરકારને પરીક્ષા રદ કરવાની અપીલ કરતા કહ્યું હતું કે પરીક્ષા કેન્દ્રો કોરોના વાયરસનો ચેપ ફેલાવવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. આ દરમિયાન પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે પણ કેન્દ્રને પત્ર લખીને 10 મી, 12 મી બોર્ડની પરીક્ષા મુલતવી રાખવા અપીલ કરી હતી. આ અગાઉ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ પરીક્ષા મુલતવી રાખવાની માંગ કરી હતી.
ગુજરાતમાં નિર્ણય ક્યારે ?
જણાવી દઈએ કે કોવિડ -19 રોગચાળાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર ઉપરાંત મધ્યપ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડ (MPBSE)એ પણ પરીક્ષા મુલતવી છે. પરંતુ હજુ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ અંગે કોઈ નિર્ણય જારી કરાયો નથી. અન્ય રાજયોની જેમ ગુજરાતમાં પણ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બોર્ડની પરીક્ષાઓ રદ કરે તેની વિધ્યાર્થીઓ અને વાલીઓ રાહ જોઈ રહ્યા છે. પરંતુ સરકાર આ અંગે ક્યારે નિર્ણય કરશે તે આગામી સમય જ બતાવશે.