૨૭ કિલો સોનુ પકડાયાના કેસમાં પરિવારજનોની સંડોવણી નહીં ખોલવા ૩૦ લાખ માંગ્યા
કચ્છના મુંદ્રા પોર્ટ વિસ્તારમાં આવેલા કસ્ટમ્સ હાઉસમાં CBIએ દરોડો પાડી ડેપ્યુટી કમિશનર માટે ૨૦ લાખની લાંચ લેતા વચેટીયાને પકડી પાડ્યો છે. જો કે, કસ્ટમ્સના ડેપ્યુટી કમિશનર સંદિપ જોત સિંઘ નાસી છૂટ્યા હતા. મુંદ્રા પોર્ટ ઉપરથી ૨૭ કિલો સોનુ પકડાયું હતું તે કેસમાં પકડાયેલા આરોપીના પરિવારના અન્ય સભ્યોની સંડોવણી નહીં ખોલવા ૩૦ લાખ માગવામાં આવ્યા હતા. CBIના દરોડા પછી અધિકારી દ્વારા લાંચ સ્વિકારાઈ રહી હોવાનો બીજી ઘટનાનો વીડીયો વાયરલ થયો છે. ગાંધીનગર સ્થિત CBI ઓફીસમાં ફરિયાદ કરવામાં આવી હતી કે, મુંદ્રા પોર્ટ પરથી ર૭ કિલો સોનું પકડાયું હતું.
ગોલ્ડ પ્રકરણમાં પરિવારના લોકોના નામ પણ ફરિયાદમાં છે. પરિવારજનોની સંડોવણી નહીં ખોલવા માટે મુંદ્રા કસ્ટમ્સના ડેપ્યુટી કમિશનર દ્વારા ૩૦ લાખ રૂપિયાની લાંચની માંગણી કરાઈ હતી. જેમાંથી દસ લાખ જુલાઈ મહિનામાં જ જબરજસ્તીપૂર્વક લેવામાં આવ્યા હોવાનું બજરંગલાલ નામના ફરિયાદીએ જણાવ્યું હતું. બાકી રહેલા ૨૦ લાખની માગણી વોટ્સ-એપ કોલ કરીને કરવામાં આવતી હતી. ગાંધીનગર CBIની ટીમે મુંદરા કસ્ટમ હાઉસ ખાતે ટ્રેપ ગોઠવી હતી.
CBIની ટ્રેપમાં હીતેન ઠક્કર નામનો વચેટીયો ૨૦ લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. જ્યારે, CBIની રેડ થયાની જાણ થતાં મુંદ્રા કસ્ટમ્સના ડેપ્યુટી કમિશનર એસ.જે. સીંઘ નાસી છૂટ્યા હતા. CBIની ટીમે ખાનગી કંપનીના કર્મચારી વચેટીયા હીતેન ઠક્કરને ઝડપી લઈ નાસી છૂટેલા એસ.જે. સીંઘને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદમાં એવો આક્ષેપ પણ કરાયો છે કે, ફરિયાદીના ભાગીદાર પાસેથી પણ નોન-વેજ પ્રોટીનનું ક્ધસાઈનમેન્ટ ક્લિયર કરવા માટે પણ પાંચ લાખની લાંચ માગવામાં આવી હતી. મુંદ્રા કસ્ટમ હાઉસમાં અનેક અધિકારી, કર્મચારી દ્વારા મોટા પ્રમાણમાં લાંચ લેવામાં આવતી હોવાના આક્ષેપ થતાં રહ્યાં છે. આ સંજોગોમાં CBIની કાર્યવાહીની ભારે ચર્ચા છે.