સીબીઆઈના ડીઆઈજી એમ.કે. સિંહાએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી કોલસા અને ખાણ મંત્રી પર ગંભીર આક્ષેપ કર્યા.
સીબીઆઈમાં ચાલી રહેલુ ધમસાણ બંધ થવાનું નામ લેતો નથી. તેમાં એક પછી એક નવા ફણગા ફૂટી રહ્યા છે. સીબીઆઈના ડીઆઈજી મનિષકુમાર સિંહા સુપ્રિમ કોર્ટમાં પહોચ્યા હતા. અને તેમનો ટ્રાન્સફર ઓર્ડર રદ કરવા માંગણી કરી હતી. સિંહાએ આક્ષેપ કર્યો હતો કે નીરવ મોદી અને મેહુલ ચોકસીના પંજાબ નેશનલ બેંક કૌભાંડની તપાસ રોકવા મારી નાગપુર બદલી કરવામાં આવી હતી. રાકેશ અસ્થાના સામેના આક્ષેપોની તપાસ કરવા આલોક વર્માએ રચેલી ટીમમાં સિંહાને પણ સામેલ કરવામાં આવ્યા હતા.
જોકે ત્યારબાદ તેમને બદલી થતા તેમણે સુપ્રિમમાં પીટીશન દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે સીબીઆઈના ડિરેકટર આલોક વર્મા ને સ્પેશિયલ ડિરેકટર રાકેશ અસ્થાના વચ્ચે ચાલી રહેલી સતાની કાનૂની સાઠમારી વચ્ચે વડાપ્રધાનના મુખ્ય સલાહકાર અજિત ડોભાલે, ગુજરાત ભાજપના સાંસદ અને કેન્દ્રમાં કોલસા અને ખાણ રાજય પ્રધાન હરિભાઈ ચૌધરી, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર કે.વી.ચૌધરી કેન્દ્રીય કાયદાસચિવ સુરેશ ચંદ્રા, કેબીનેટ સેક્રેટરી પી.કે.સિંહા સહિતના મહાનુભાવો સામે અત્યંત ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા.