ચારા કૌભાંડના ચાઇબાસા ટ્રેઝરી સાથે જોડાયેલા મામલે સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે લાલુપ્રસાદ યાદવ સહિત 12 લોકોને દોષી જાહેર કર્યા છે. ચારા કૌભાંડનો આ ત્રીજો મામલો છે જેમાં લાલુ દોષી જાહેર થયા છે. ઉલ્લેખનીય છે કે લાલુપ્રસાદ યાદવને દેવઘર ટ્રેઝરી મામલે 23 ડિસેમ્બરે દોષી ઠરાવવામાં આવ્યા હતા અને ત્યારથી તેઓ જેલમાં બંધ છે.
– ચાઇબાસા ટ્રેઝરીથી 1992-93માં 67 નકલી ફાળવણી પત્રો પર 33.67 કરોડની ગેરકાયદે ઉચાપત થઇ હતી. 1996માં કેસ નોંધાયો. કુલ 76 આરોપી હતા. સુનાવણી દરમિયાન 14 આરોપીઓનું નિધન થઇ ગયું.
– બે આરોપી સુશીલ કુમાર ઝા અને પ્રમોદકુમાર જયસ્વાલે ગુનો કબૂલ કરી લીધો. ત્રણ આરોપીઓ દીપેશ ચાંડક, આરકે દાસ અને શૈલેશ પ્રસાદ સિંહને સરકારી સાક્ષી બનાવી દેવામાં આવ્યા.
– સીબીઆઇના સ્પેશિયલ જજ એસએસ પ્રસાદે 10 જાન્યુઆરીએ પોતાના આદેશમાં કહ્યું હતું કે લાલુપ્રસાદ અને ડૉ. જગન્નાથ મિશ્રા સહિત તમામ 56 આરોપીઓ 24 જાન્યુઆરીના રોજ કોર્ટમાં હાજર રહે.
– લાલુ યાદવ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા, વિદ્યાસાગર નિષાદ, જગદીશ શર્મા, ધ્રુવ ભગત અને આર કે રાણા ઉપરાંત ત્રણ પૂર્વ આઇએએસ ઓફિસર ફૂલચંદ્ર સિંહ, મહેશ પ્રસાદ, સજલ ચક્રવર્તી અને એક ટ્રેઝરી અધિકારી આરોપી છે. આ ઉપરાંત, 56 આરોપીઓમાં 40 સપ્લાયર પણ છે.