એનએસઇમાં જીઓઓ તરીકે સુબ્રમણ્યમનો વાર્ષિક પગાર રૂ. ૪.૨૧ કરોડ હતો
અબતક, નવી દિલ્લી
નેશનલ સ્ટોક એક્સચેન્જના ભૂતપૂર્વ ગ્રૂપ ઓપરેટિંગ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર ચિત્રા રામકૃષ્ણના સલાહકાર આનંદ સુબ્રમણ્યમની સીબીઆઈ દ્વારા ગઈકાલે રાત્રે ચેન્નાઈથી ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈ આનંદ સુબ્રમણ્યમની સતત પૂછપરછ કરી રહી હતી. તેમની પાસેથી જપ્ત કરાયેલા તમામ દસ્તાવેજોની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઈએ તેમના ચેન્નાઈ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. એવું માનવામાં આવે છે કે આનંદ સુબ્રમણ્યમ બાબા હોવાનો ઢોંગ કરતા હતા. બાબા બનીને તેઓ એનએસઇ ચીફ ચિત્રા રામકૃષ્ણને પ્રભાવિત કરતા હતા.
એનએસઇના પૂર્વ સીઇઓ ચિત્રા રામકૃષ્ણા જે રહસ્મય યોગી પાસેથી સલાહ લેતા હતાં તે આનંદ સુબ્રમણ્યમ જ હોવાની શક્યતા: સૂત્રો
માર્કેટ રેગ્યુલેટર સેબીના જણાવ્યા અનુસાર, આનંદની પત્ની સુનીતા 1 એપ્રિલ, 2013 અને માર્ચ 31, 2014 વચ્ચે સ્ટોક એક્સચેન્જની ચેન્નાઈ ઓફિસમાં સલાહકાર તરીકે નોકરી કરતી હતી. તે સમયે તેમનો પગાર 60 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. તે જ દિવસે આનંદને મુખ્ય વ્યૂહાત્મક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમનો પગાર રૂ. 1.68 કરોડ હતો. આનંદ તે સમયે એક કંપનીમાં 15 લાખ રૂપિયાની નોકરી કરતા હતો.
આનંદને એનએસઇ ખાતે 1 એપ્રિલ 2013ના રોજ મુખ્ય વ્યૂહાત્મક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે ચિત્રા રામકૃષ્ણ મેનેજિંગ ડિરેક્ટર બન્યા ત્યારે તેમને ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર બનાવવામાં આવ્યા હતા. ચિત્રા 1 એપ્રિલ 2015 થી 21 ઓક્ટોબર 2016 સુધી નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હતા.
મળતી માહિતી મુજબ, આનંદ સુબ્રમણ્યમ સામે કાર્યવાહી શરૂ કરતા પહેલા સીબીઆઈના અધિકારીઓએ માર્કેટ રેગ્યુલેટર સેબીના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને મામલાની વિગતો સમજી હતી. સીબીઆઈના અધિકારીઓએ પહેલા સેબી પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો કે, ચિત્રા રામકૃષ્ણ કેવી રીતે બજાર અને રેગ્યુલેટર વિશેની મહત્વપૂર્ણ માહિતી ત્રીજા વ્યક્તિ સાથે શેર કરી રહ્યા છે. તે ત્રીજી વ્યક્તિ વિશે, ચિત્રા કહે છે કે, તે હિમાલયમાં રહેતો બાબા છે. તે યોગી પાસેથી તેને પ્રેરણા મળે છે.
સીબીઆઈએ અગાઉ નેશનલ સ્ટોક એક્સચેન્જના પૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચિત્રા રામકૃષ્ણની પૂછપરછ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, એનએસઇ ખાતે “સહ-સ્થાન” સુવિધાના કથિત દુરુપયોગની ચાલી રહેલી તપાસ સાથે સંબંધિત નવા તથ્યો પ્રકાશમાં આવ્યા બાદ આ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ એજન્સીએ રામકૃષ્ણ અને અન્ય ભૂતપૂર્વ સીઈઓ રવિ નારાયણ અને ભૂતપૂર્વ ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) આનંદ સુબ્રમણ્યન વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યો હતો.