કોર્પોરેશન સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરે તે પૂર્વે ધમિષ્ઠાબા જાડેજાએ કેવિએટ દાખલ કરી પોતાનો બચાવ રજૂ કર્યો
શહેરના વોર્ડ નંબર ૧૮ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ધમિષ્ઠાબા મયુરસિંહ જાડેજાને સતત ત્રણ જનરલ બોર્ડમાં ગેર હાજર રહેતા જનરલ બોર્ડ દ્વારા તેઓને ગેર લાયક ઠેરવવાના નિર્ણય સામે હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ સુધી પ્રકરણ પહોચ્યું હતું. ત્યારે રાજયની વડી અદાલતે યોગ્ય હકુમત ધરાવતી કોર્ટમાં દાવો દાખલ કરવાના કરેલા આદેશ બાદ કોર્પોરેશન દ્વારા કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવે તે પૂર્વે ધમિષ્ઠાબા જાડેજા દ્વારા કેવિએટ દાખલ કરી છે.
ધમિષ્ઠાબા જાડેજાને ગેર લાયક ઠેરવવાના મુદે મહાપાલિકા સામે હાઇકોર્ટમાં મનાઇ હુકમ મેળવવા દાદ માગવામાં આવી હતી. હાઇકોર્ટની સિંગલ બેન્ચના જજે ધમિષ્ઠાબા જાડેજાની મનાઇ હુકમની માગ કરતી અરજી રદ કરી નાખી હતી. જેની સામે હાઇકોર્ટની ડિવિઝન બેન્ચમાં દાદ માગવામાં આવી હતી.
હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે ગેર લાયક ઠેરવવાનો ખટલો સ્થાનિક હકુમત ધરાવતી અદાલતમાં દાવો દાખલ કરી ન્યાય મેળવવાનો હુકમ કર્યો હતો. કોર્પોરેશન દ્વારા જનરલ બોર્ડમાં ગેર લાયક ઠેરવવાના મામલે બીપીએમસી એકટ કલમ ૧૨ મુજબ કોર્ટમાં કાર્યવાહી કરવા અંગેનો ઠરાવ કરવામાં આવ્યો હતો. સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરે તે પૂવે ધમિષ્ઠાબા જાડેજાએ પોતાને ન્યાય મળી રહે તે માટે કેવિએટ દાખલ છે. ધમિષ્ઠાબા જાડેજા વતી એડવોકેટ તરીકે વિમલ ભટ્ટ અને મનિષભાઇ પાટડીયા રોકાયા છે.