ઉચ્ચ રેઝોલ્યુશન,મહત્તમ સ્ટોરેજ કેપેસિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કેમેરાથી ખૂણે ખૂણાને સજ્જ કરી દેવા તખ્તો તૈયાર
અબતક, ગાંધીનગર
ગુન્હાખોરીને ડામવા તેમજ પળેપળની ખબર રાખવા માટે કેન્દ્ર સરકાર ખૂબ મોટી કવાયત કરી રહી છે. દેશ આખાને સીસીટીવી કેમેરા હેઠળ આવરી લેવા કેન્દ્ર સરકાર તૈયારીઓ કરી રહી છે. જેના થકી શેરી-ગલીઓથી માંડીને રાજમાર્ગો સુધી તમામ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અને તેની સીધી કનેક્ટિવિટી કેન્દ્રીય કમાન્ડ સેન્ટર સાથે કરવામાં આવશે.
જો રાજ્ય સરકારની ઈચ્છા પ્રમાણે બધું થયું તો આગામી વર્ષે રસ્તાની સામે ઓછામાં ઓછો એક સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરાશે અને તેની ફીડ લોકલ પોલીસને સોંપાશે કે જેથી ગુનાઓ પર અંકુશ લગાવી શકાય અને વધતી ગુનાખોરીને અટકાવવા માટે ફીડના આધારે તપાસ કરી શકાય. આ માટે આગામી વર્ષેની શરુઆતમાં કાયદો બનાવવામાં આવી શકે છે.
વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે કેટલાક સિનિયર આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ દ્વારા આપણી આસપાસની ઘટનાઓ પર નજર રાખવા માટે ડ્રાફ્ટ તૈયાર કરાઈ રહ્યો છે. જેમાં સીસીટીવી કેમેરા દ્વારા સરકારી અને ખાનગી બિલ્ડિંગના વિસ્તાર પર નજર રાખી શકાય. આ ડ્રાફ્ટ લગભગ બજેટ સેશન દરમિયાન ગૃહમાં રજૂ કરવામાં આવી શકે છે.
આ બાબતને લઈને ચાલી રહેલી કામગીરી અંગે નજીકના સૂત્રો જણાવે છે કે, હવે કોમર્સિયલ જગ્યા પણ સીસીટીવીથી કવર થાય તે અંગેની કામગીરી પોલીસ નજર હેઠળ થશે, જ્યાં સ્ટાન્ડર્ડ સીસીટીવી લગાવવાના રહેશે. આ પ્રસ્તાવિત કાયદામાં રહેણાક સોસાયટી અને કોલોનીને પણ જોડવામાં આવી છે.
પોલીસની સાથે આ કાયદામાં શહેરી વિકાસ, માર્ગ અને મકાન જેવા વિભાગોને પણ જોડવામાં આવી શકે છે. સરકાર દ્વારા એ સૂનિશ્ચિત કરવા માટે કાયદાકીય સલાહ પણ માગી છે કે આ પ્રસ્તાવિત કાયદાને કોર્ટમાં પડકારવામાં ના આવે.
ગુન્હાખોરી ડામવા મહત્વપૂર્ણ પાસું બની રહેશે સીસીટીવી કાયદો !!
જે રીતે હાલ ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ વધી ગયો છે ત્યારે ગુનેગારો પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ બની ગયા છે ત્યારે પોલીસને પણ સ્માર્ટ બનાવવા માટે વધુમાં વધુ ડિજિટલ બનાવવા તરફ અગાઉથી જ ધ્યાન કેન્દ્રિત કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે દેશની તમામ શેરી-ગલીઓથી માંડીને સરકારી- ખાનગી કોમ્પ્લેક્ષ, રહેણાંક સોસાયટીઓ, એપાર્ટમેન્ટ સહિતના તમામ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવા અંગે નિર્ણય લેવાઈ શકે છે. જેની એક ફીડ લોકલ પોલીસને પણ આપવામાં આવશે જેથી ગુનેગારોની નાનામાં નાની હરકતો પણ સીસીટીવીમાં કેદ તો થશે જ પરંતુ અમુક સમયે ગુન્હો બને તે પૂર્વે જ પોલીસ પગલાં ભરી લે તો અનેક ગુન્હા બનતા પણ અટકાવી શકાય છે.