કોરોના ગયો નથી, ઉથલાનો ભય, દિલ્હીથી ગુજરાત સુધી દવાખાનાઓમાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં તોતીંગ ઉછાળો: સાવચેતી અનિવાર્ય
ચીનના વુહાનમાંથી શરૂ થયેલી કોરોના મહામારી દુનિયાનો જલ્દીથી પીછો છોડે તેમ નથી. કોરોનાના વાયરાનો ત્રીજો તબક્કો શરૂ થવાના સંકેતો વચ્ચે હવે બેખૌફ લોકોની ‘બેવકુફી’ કોરોનાને ‘ખતરનાક’ કરી દેશે તે નિશ્ર્ચિત બન્યું છે ત્યારે દિલ્હીથી લઈ ગુજરાત સુધી પહોંચેલા કોરોનાના નવા વાયરાના અણસારથી ઉથલાની દહેશત વચ્ચે દવાખાનાઓમાં ખાટલા ખુટે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. દેશની રાજધાનીમાં કોરોનાનો ત્રીજો વાયરો શરૂ થઈ ગયો હોય તેમ રોજના ૬૦૦૦ નવા કેસનો ઉમેરો સતત ૨ થી ૩ અઠવાડિયાથી થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિતના સૌરાષ્ટ્રના જિલ્લા મથકોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી ગઈ છે ત્યારે હવે આ મહામારી સામે સાવચેતી એકમાત્ર અનિવાર્ય અને અસરકારક શસ્ત્ર બની રહી છે ત્યારે જરા સરખી બેવકુફી આ મહામારીને વધુ ખતરનાક બનાવી દેશે.
બુધવારે નવીદિલ્હીમાં વધુ ૮૦૦૦ દર્દીઓના ઉમેરા સાથે એક દિવસનો સૌથી વધુ ઉછાળો બન્યો હતો. કોરોનાના નવા વાયરાને લઈને સમગ્ર દેશમાં ચિંતા ઉભી થઈ છે. એપ્રીલ મહિનાથી શરૂ થયેલી આ મહામારી જૂન અને જુલાઈમાં ચરમસીમાએ પહોંચી હતી અને ત્યારબાદ ઓગષ્ટ મહિનામાં કાબુમાં આવ્યા બાદ સપ્ટેમ્બરમાં ફરીથી વૃદ્ધિ આવી હતી અને ઓકટોબરમાં બીજા તબક્કાની નવી ટોચ સર્જી દીધા બાદ કાબુમાં આવેલા કોવિડ-૧૯ વાયરસે નવેમ્બરમાં ફરીથી ઉછાળો લીધો છે. ભારતમાં અત્યારની સ્થિતિએ ૮૬ લાખ લોકો સંક્રમિત થયા છે. વિશ્ર્વમાં અમેરિકા પછી બીજા ક્રમે રહેલા ભારતમાં મૃત્યુઆંક ૧૨૭૫૭૧ થયો હતો. સપ્ટેમ્બર મહિનામાં આવેલા બીજા વાયરામાં ફરીથી મૃત્યુઆંક વધ્યો હતો. દિલ્હીની વાત કરીએ તો અત્યારે નવા સંક્રમિત કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે. મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યોમાં પણ કોરોનાનો બીજો વાયરો શરૂ થઈ ગયો છે ત્યારે સંક્રમિત વિસ્તારોમાં આઈસીયુ પથારીઓ ખૂટી પડી છે. દિલ્હીની રામ મનોહર લોહીયા હોસ્પિટલના વ્યવસ્થાપકોએ જણાવ્યું હતું કે, અમે આ નવા વાયરાને લઈને તમામ પ્રકારના આઈસીયુમાં વધારો કરી દીધો છે.
કોરોનાના ફેલાવાના પગલે દિલ્હી રાજ્ય સરકારે પણ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. હાઈકોર્ટે ગુરૂવારે દિલ્હી સરકારને કોવિડ-૧૯ના દર્દીઓ માટે દવાખાનાઓમાં ૮૦ ટકા આઈસીયુ અને ખાનગીમાં ૩૩ ટકા આઈસીયુ અનામત રાખવાની મંજૂરી આપી દીધી છે.
ગુજરાત સહિત દેશભરમાં અત્યારે તહેવારોની મૌસમમાં સંભવિત રીતે વાયુ પ્રદુષણની પરિસ્થિતિને લઈ કોરોનાના સંક્રમણના કેસો વધે તેવી દહેશત પ્રવર્તી રહી છે. સમૂહમાં હરતા-ફરતા લોકો હવે સાવચેતીને નજર અંદાજ કરી મુર્ખામી કરનારા રાજ્ય સહિત દેશની પરિસ્થિતિ બગાડી નાખે તેવી દહેશત ઉભી થઈ છે. ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચ દ્વારા સાવચેતી ઉચ્ચારવામાં આવી છે કે, કોરોનાના આ નવા વાયરામાં સાવચેતી એ જ ઈલાજ બની રહેશે. કોવિડ-૧૯ના મારણ માટેની દવાઓનો જથ્થો સરકારી રાહે ઉપલબ્ધ કરાવી લેવામાં આવ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં કાબુમાં આવેલો કોરોના ફરીથી ઉથલો મારે તેવી શકયતાને પગલે સાવચેતીના અસરકારક ઉપાયો અનિવાર્ય છે. નવીદિલ્હીના સદર બજાર, ચાંદની ચોક જેવા સ્થળોએ પરિસ્થિતિ વધુ ખરાબ છે.
ઉત્સવ પ્રિય ગુજરાતમાં અત્યારે કોરોનાનો નવો વાયરો શરૂ થયો હોય તેમ એક દિવસમાં ૧૧૨૦ નવા સંક્રમિત દર્દીઓ અને ૬ના મૃત્યુ નિપજયા છે. ૫૪૬૦૦ની ચકાસણીમાં ૮૪૦થી વધુને કોરોના સંક્રમણ થયાનું નોંધાયું છે. અમદાવાદમાં ૨૪ કલાકમાં ૧૦૩૮ દર્દીઓની રિકવરીના રાહતના સમાચાર છે. અમદાવાદમાં ૨, સુરત અને વડોદરામાં ૧-૧ મૃત્યુ નોંધાયા હતા. ૧૯૯ કેસમાં એક દિવસમાં અમદાવાદ બાદ સુરતના ૧૮૩, રાજકોટના ૧૨૬, વડોદરામાં ૧૨૫, મહેસાણામાં ૭૨, ગાંધીનગરમાં ૬૬, બનાસકાંઠામાં ૪૩ દર્દી નોંધાયા હતા. જો કે ગુજરાતમાં દર્દીઓની રીકવરીની ટકાવારી ૯૧.૨૯ ટકા જેટલી રહેવા પામી છે. ગુજરાતમાં પોઝિટિવ દર્દીની સંખ્યા ૧૮૪૯૬૪, ૧૧૨૦ મૃત્યુમાં વધારો સાથે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા ૧૬૮૮૫૮એ પહોંચી છે. અત્યારે કોરોનાના સંક્રમણના આ દૌરમાં દવા કરતા સાવચેતી અનિવાર્ય બની છે. લોકોની જરા સરખી પણ બેદરકારી મોટા અનર્થ સર્જી શકે છે.
વેક્સિનેશન પહોંચાડવાની ચિંતા હળવી થઈ
વિશ્ર્વને હચમચાવનાર કોરોનાનો ઈલાજ મળી ચૂક્યો છે અને સ્પુટનીક-વી રસી તૈયાર છે ત્યારે આ રસીને નિશ્ર્ચિત તાપમાનમાં રાખવાની આવશ્યકતાને લઈને પરિવહન માટે વાર્તાનુકુલીત વ્યવસ્થાનો મોટો પડકાર ઉભો થયો હતો. તેની સામે અમેરિકાની મીશીગેઈન ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા કોરોનાની આ રસીમાં સુધારો કરીને ૨ થી ૮ ડિગ્રી સુધી રાખી શકાય તેવી ટેકનોલોજીનો વિકાસ કરતા વેક્સિનેશન પહોંચાડવાની ચિંતા દૂર થઈ છે. પહેલા તબક્કામાં આ રસી લેબોરેટરીમાં તૈયાર થાય ત્યાંથી ઈંજેકશનની સીરીન સુધી પહોંચે ત્યાં સુધી ફ્રિઝમાં રાખવાની જરૂરીયાત હતી. હવે નવી ટેકનોલોજીના કારણે આ રસીનું તાપમાન જાળવી રાખવું જરૂરી નહીં બને. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, એમીનો એસીડ, સીન્થેટીક એસીડ અને કેટલાક નવા તત્વોના કારણે એ રસીને હવે સતત ફ્રીઝમાં રાખવાની જરૂર નહીં પડે.
સુગંધ, સ્વાદનો બદલાવ કોરોના સામૂહિક રીતે ફેલાવવા માટે જવાબદાર
કોરોના સંક્રમણનો નવો વાયરો આવી રહ્યો છે ત્યારે કોરોનાના લક્ષણોમાં સ્વાદ અને સુગંધનો બદલાવ કોરોનાના સંકેતો આપનારા સાબીત થયા છે. કોરોનાના દર્દીને સોશિયલ ડિસ્ટન્સની જાળવણી અને સમૂહમાં વધારા સાવચેત રહેવાની જરૂર છે. સુગંધ અને સ્વાદના માધ્યમથી કોરોના સામૂહિક રીતે ફેલાવવા માટે ભયજનક બને છે. વૈજ્ઞાનિકોએ કરેલા નવા સંશોધનમાં એવું તારણ નિકળ્યું છે કે, તાત્કાલીક ધોરણે સુંઘવા અને ચાખવાની શક્તિમાં આવેલા ફેરફાર કોવિડ-૧૯ના ફેલાવાના સંકેતો ગણી શકાય. નિષ્ણાંતોનું માનવું છે કે, સ્થાનિક ધોરણે સંક્રમિત થતા લોકોમાં પ્રથમ સુંઘવા અને સ્વાદમાં આ મુશ્કેલી આવે છે. વૈજ્ઞાનિકોએ લીધેલા સર્વેમાં વૈશ્ર્વિક ધોરણે કરવામાં આવેલા ઓનલાઈન અભ્યાસમાં ૩૫ જેટલી ભાષાઓમાં આ સર્વે કરવામાં આવ્યો હતો. પ્રાથમિક ધોરણે જે લોકોએ સુંઘવાની અને ચાખવાની શક્તિમાં ફેરફાર થાય તે લોકોએ જલ્દીથી ચેકિંગ કરવાની તકેદારી રાખવી જોઈએ. બીજા એક સર્વેમાં આવી બાબતોની શરૂ થયેલી તકલીફો પણ કોરોના ફેલાવવાની ઘંટી તરીકે ગણી શકાય. વૈજ્ઞાનિકો માને છે કે, લોકડાઉનના કારણે કોરોના કાબુમાં આવ્યો અને કોરોનાની સંક્રમણની પરિસ્થિતિ પારખવા માટે સુગંધ અને સ્વાદની સામૂહિક ક્ષમતા ચકાસવી જોઈએ.