રાજયમાં સતત વકરી રહેલા કોરોનાના કેસોને કાબુમાં લેવા રાજય સરકાર સતર્ક બની છે આજથી હવે કોરોના વેકિસનેશન સેન્ટરો રાત્રી 9 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે. દરમિયાન માસ્ક ન પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળીયો કરનાર પર તુટી પડવા પણ ગૃહ વિભાગને આવરૂ આપવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે રાજ્યોના મુખ્ય મંત્રીઓની યોજેલી વીડિયો કોન્ફરન્સમાં આપેલા દિશા નિર્દેશનો અંગેની વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા લંબાણપૂર્વક હાથ ધરવામાં આવી હતી. આ કોર કમિટીની બેઠકમાં વધુ મહત્વપૂર્ણ નિર્ણયો લઇને રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટેના ઉપાયો સઘન બનાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી. આ મહત્વના નિર્ણયો અનુસાર રાજ્યમાં કોરોના ટેસ્ટીંગની સંખ્યા વધારવા તેમજ કોન્ટેક ટ્રેસીંગ ઉપર વિશેષ ધ્યાન આપવા અને કંન્ટેનમેન્ટ ઝોન જરૂર જણાય ત્યાં વધારવાની સૂચના આપવામાં આવી છે.
મુખ્ય મંત્રીએ રાજ્યમાં કોરોના વેકસીનેશનની કામગીરીનો વ્યાપ વધારવા વધુ સેન્ટરો ખોલવા માટે અને કોરોના વેકસીનેશન સેન્ટરનો સમય રાત્રે 9.00 વાગ્યા સુધીનો રાખવા માટે પણ આ બેઠકમાં સૂચનાઓ આપી હતી.
તેમણે કહ્યું કે, હાલ સરેરાશ રોજના દોઢ લાખ લોકોનું વેકેસીનેશન થાય છે તે વધારીને ત્રણ લાખ સુધી કરવામાં આવશે.વિજયભાઈ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં ફરજીયાત માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સના નિયમોનું કડકાઇથી પાલન થાય અને નિયમોના ભંગ સામે ગૃહ વિભાગ કડક કાર્યવાહી કરે તેવી પણ સૂચનાઓ આપી છે. રાજ્યમાં ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇને આ મહાનગરોમાં કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારના ઉપાયો માટે સ્થાનિક તંત્રના માર્ગદર્શન અંગે ચાર વરિષ્ઠ સચિવઓને તાકીદના ધોરણે આ શહેરોની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાને અમદાવાદ, શિક્ષણ સચિવ વિનોદ રાવ ને વડોદરા તેમજ ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાને રાજકોટ અને જીઆઇડીસીના મેનેજિંગ ડિરેકટર એન. થેન્નારસનને સુરતની જવાબદારી સોંપવામાં આવી છે. કોર કમિટીની આ લંબાણપૂર્વક ચાલેલી બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્ય મંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્ય મંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્મા અને વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.