લોકડાઉન દરમિયાન માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થુંકનાર ૪૨૨ આસામીઓને ઈ-મેમો પોસ્ટ મારફત મોકલાયા
કોરોના વાયરસને વકરતો અટકાવવા માટે રાજયભરમાં મોઢા પર માસ્ક પહેરવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. રાજકોટમાં આ નિયમ ગત એપ્રિલ માસથી જ અમલમાં છે. દરમિયાન હવે જો માસ્ક નહીં પહેર્યું હોય તો લોકોને ટ્રાફિકનાં નિયમ ભંગ કરવા બદલ જે રીતે ઈ-મેમો ઘરે મોકલવામાં આવે છે તેજ રીતે માસ્ક નહીં પહેર્યું હોય તેના દંડનો મેમો ઘરે મોકલવામાં આવશે.લોકડાઉન દરમિયાન જાહેરમાં થુંકનાર અને માસ્ક નહીં પહેરનાર ૪૨૨ આસામીઓને આજથી પોસ્ટ મારફત ઈ-મેમા મોકલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા મહાપાલિકાનાં અધિકારી વત્સલ પટેલે જણાવ્યું હતું કે, હવેથી માસ્ક નહીં પહેરનાર લોકોને રાજકોટ આઈ-વે પ્રોજેકટ અંતર્ગત ઈ-મેમો મોકલવામાં આવશે. અત્યાર સુધી કર્મચારી દ્વારા સ્થળ પર જ માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસુલ કરવામાં આવતો હતો પરંતુ તેમાં ઘણી માથાકુટ સર્જાતી હતી જોકે માર્ચ માસથી જ આ સિસ્ટમ અમલમાં છે જેમાં જાહેરમાં થુંકનાર અને મોઢા પર માસ્ક ન પહેરનાર ૪૨૨ જેટલા વ્યકિતઓને સીસીટીવી કેમેરાની મદદથી લોકડાઉન દરમિયાન પણ પકડી લેવામાં આવ્યા હતા. પોસ્ટ ઓફિસની કામગીરી શરૂ થતા હવે ઈ-મેમા મોકલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
શહેરીજનોએ સાવધાની દાખવવી પડશે જો ચોકમાં કોઈ ઉભું નથી તેમ સમજી ચહેરા પરથી માસ્ક હટાવી દેવામાં આવશે તો ઘરે ઈ-મેમો પહોંચી જશે. અત્રે ઉલ્લેખનીય છેકે, અગાઉ માસ્ક ન પહેરવા બદલ રૂા.૧૦૦૦ દંડ વસુલ કરવામાં આવતો હતો પરંતુ હવે રાજય સરકારનાં નવા નિયમ મુજબ માત્ર રૂા.૨૦૦ જ દંડ વસુલ કરવામાં આવે છે.