- એક બુલેટ સહીત બે મોટરસાયકલની ચોરી : બસ સ્ટેન્ડમાં ગઠિયો મુસાફરનું પાકીટ ચોરી ગયો
રાજકોટ શહેરમાં ફરી એકવાર ગઠીયા ગેંગ સક્રિય થઇ હોય તેવા બનાવો પ્રકાશમાં આવ્યા છે. શહેરમાં બનેલા અલગ અલગ ત્રણ બનાવમાં એક બુલેટ મોટરસાયકલ સહીત કુલ બે વાહનોની ચોરી થયાની ઘટના સામે આવી છે. ઉપરાંત બસ સ્ટેન્ડ ફરીવાર ગઠીયાઓનો અડ્ડો બનવા તરફ આગળ ધપી રહ્યું હોય તેમ એક મુસાફરનું પાકીટ નજર ચૂકવી ચોરી લેવાયાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ફોચ્ર્યુન હોટેલની સામે આંબેડકરનગરમાં રહેતા ભાવેશભાઈ ગોવિંદભાઇ ચૌહાણે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગત તા. 14 એપ્રિલના રોજ તેઓ આર વર્લ્ડ સિનેમા પાસે પોતાનું જીજે-03-એમકે-3597 નંબરનું રોયલ એનફિલ્ડનું બુલેટ મોટરસાયકલ રાખીને ગયાં બાદ પરત આવતા મોટરસાયકલ મળી આવ્યું ન હતું.
ફરિયાદીએ આશરે ચાર દિવસ સુધી મોટરસાયકલની શોધખોળ જાતે કર્યા બાદ મોટરસાયકલની ભાળ નહીં મળી આવતા તા. 19 એપ્રિલના રોજ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં મોટરસાયકલ ચોરીની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસી ગઠીયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બીજા બનાવમાં શહેરના જૂનાગઢ મોરબી રોડ પર રહેતા ફરિયાદીએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદી નટવરભાઈ મનજીભાઇ મકવાણાએ જણાવ્યું છે કે, જૂના મોરબી રોડ પર રાધિકા સોસાયટી શેરી નંબર 2માં ફરિયાદીના ઘરની બહાર સિલ્વર પટ્ટાવાળું જીજે-13-એએફ-3831 નંબરનું સ્પલેન્ડર પ્લસ મોટરસાયકલ રાખેલ હતું. જે કોઈ અજાણ્યો ઈસમ ઘરની બહારથી ઉઠાવી ગયાનું ફરિયાદીએ જાહેર કર્યું છે.
ત્રીજા બનાવમાં રાજકોટ બસપોર્ટ ફરીવાર ગઠીયાઓ લનો અડ્ડો બની હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. શહેરના કાલાવડ રોડ પર રહેતા અને મૂળ જૂનાગઢના વતની રાજેશભાઈ હસમુખભાઈ ઉનાગર ગત તા. 12 એપ્રિલના રોજ ફરિયાદી એસટી બસ પોર્ટના પ્લેટફોર્મ નંબર 13 ઉપર કાલાવડ જવાની બસમાં ચડવા જતાં તે જ સમયે ભીડબો લાભ લઇ કોઈક અજાણ્યા ઇસમે ફરીયાદીના પેન્ટના પાછળના ખિસ્સામાં રાખેલુ પાકીટ કાઢી લીધું હતું.
ફરિયાદીના પાકીટમાં રૂ. 5 હજારની રોકડ, ઓરીજનલ ડોક્યુમેન્ટ જેમાં ડ્રાયવિંગ લાયસન્સ, પાનકાર્ડ, આધારકાર્ડ, એસબીઆઈ અને બેંક ઓફ બરોડાનું એટીએમ કાર્ડ સહીતની ચીજ વસ્તુઓ હતી જે ગઠિયો ચોરી જતાં ફરિયાદીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ચૂંટણી બંદોબસ્ત સહીતની કામગીરીમાં રોકાતા ગઠીયાઓને મોકળું મેદાન
લોકસભા ચૂંટણી સંદર્ભે પોલીસની કામગીરીમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે પોલીસની વ્યસ્તતાને લીધે ગઠીયાઓને મોકળું મેદાન મળ્યું હોય તેમ ચોરી સહીતની ઘટનાઓને ગઠીયાઓ અંજામ આપી રહ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે, અગાઉ બસપોર્ટમાં દરરોજ પાકીટ સહીતની ચોરીની ઘટના પ્રકાશમાં આવતી હતી. જે બાદ એ ડિવિઝન પોલીસે ચેકીંગ વધારી દેતા વચ્ચે ગઠીયાઓની કરતૂત પર લગામી આવી હતી પરંતુ બસપોર્ટમાં ફરીવાર હવે ગઠીયા ગેંગ સક્રિય થઇ છે.