- રાત્રિનું તાપમાન પણ 41 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના: પંખા જાણે હિટર જેવી હવા ફેંકી રહ્યા હોય તેવો અહેસાસ
એક તરફ નૈઋત્ય ચોમાસું આગળ વધી રહ્યું છે. બીજી તરફ ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હોટ ડે સાથે વોર્મ નાઇટનો અનુભવ લોકો કરી રહ્યાં છે. અમદાવાદનું તાપમાન સામાન્ય ઘટી 44.5 ડિગ્રી પર સ્થિર રહ્યું હતું જ્યારે રાત્રિનું(લઘુતમ) તાપમાન સામાન્યથી ચાર ડિગ્રી વધી 31.2 ડિગ્રી સુધી પહોંચી જતા લોકોની ઉંઘ હરામ થઇ ગઇ હતી અને રાત્રે પંખા જાણે હિટર જેવી હવા ફેંકી રહ્યા હોય તેવો અહેસાસ લોકોએ કર્યો હતો. આજે રાજ્યના 13 મોટા શહેરના તાપમાન 41 ડિગ્રીની ઉપર નોંધાતા લોકોએ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવો અહેસાસ કર્યો હતો. સોમવારે 45 ડિગ્રી સાથે ગ્રીન સિટી ગાંધીનગર રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું. હવામાન વિભાગે હજુ રાજ્યમાં હીટવેવ સાથે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. સમગ્ર રાજ્યમાં ફરી વળેલું અંગ દઝાડતી ગરમીનું મોજુ આજે પણ યથાવત્ રહ્યું હતું. જોકે, ગઇકાલની સરખામણીએ આજે રાજ્યના મોટા ભાગના શહેરના તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો હતો, પરંતુ હજુ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેતા બપોરના સમયે કાળઝાળ ગરમી સહન કરવી પડી હતી. આ સાથે જ રાત્રિના તાપમાનમાં વધારો થતા વોર્મ નાઇટનો અહેસાસ લોકોએ કર્યો હતો. સતત પડી રહેલી કાળઝાળ ગરમીથી બચવા લોકોએ ઘરમાં જ પુરાઇ રહેવાનું પસંદ કર્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ ચાર દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતમાં કેટલાક જગ્યાએ હીટવેવની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીગનગર, આણંદ, સુરત, વલસાડ આ સાથે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ભાવનગર, જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. અમરેલી અને સાબરકાંઠામાં પાંચ દિવસ યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. ચાર દિવસ માટે રાજકોટ પાલિકા દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઓરેન્જ એલર્ટ : સુરેન્દ્રનગર, ભાવનગર, જુનાગઢ અને પોરબંદર
યલો એલર્ટ : અમરેલી અને સાબરકાંઠામાં આગામી પાંચ દિવસ
રેડ એલર્ટ : આગામી ચાર દિવસ માટે રાજકોટ એલર્ટ
વોર્મ નાઇટ : ભાવનગર, અમદાવાદ અને વડોદરા
શહેર મહત્તમ લઘુતમ
અમદાવાદ 44.5 31.2
ડીસા 43.2 28.5
ગાંધીનગર 45.0 31.0
વડોદરા 44.2 31.8
ભુજ 41.2 26.4
કંડલા 42.5 27.2
અમરેલી 44.0 28.2
ભાવનગર 44.2 29.0
રાજકોટ 43.0 25.2
સુરેન્દ્રનગર 44.3 29.5
મહુવા 42.4 30.1
કેશોદ 41.7 26.9