• તમારા વિરુદ્ધ ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો ગુનો દાખલ થયો છે’ : ઓનલાઇન છેતરપિંડીનો નવો કીમિયો

સાયબર ગઠીયાઓ લોકોને છેતરવા નિત નવા કિમીયા અજમાવતા હોય છે. ત્યારે સાયબર ગઠીયાઓએ લોકોને ડરાવી-ધમકાવી પૈસા પડાવવા નવો કીમિયો અજમાવ્યાનું સામે આવ્યું છે. જેના હેઠળ ઈ-મેઈલ મારફત પોલીસના સિક્કા સાથેની નોટીસ મોકલી ’તમારા વિરુદ્ધ ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો ગુન્હો દાખલ થયો છે અથવા તો કરવામાં આવશે’ તેવી ધમકી આપવામાં આવે છે અને જો તમારે આ ગુનામાંથી બચવું હોય તો દંડ સ્વરૂપે નાણાંની માંગણી કરવામાં આવે છે.

’અબતક’ને મળેલા એક પત્રમાં ઇન્ડિયન સાયબર ક્રાઇમ, ઇન્ટેલીજન્સ બ્યુરો સહિતના સિક્કા અને ઇન્ટેલીજન્સ બ્યુરોના વડા તપન ડેકાની સહી સાથે સાયબર ગઠીયાઓએ લખ્યું હતું કે, ચાઈલ્ડ પોર્નોગ્રાફીને અટકાવવા સરકારની સીધી સૂચના હેઠળ ઇન્ટેલીજન્સ બ્યુરોના વડા તપન ડેકાના નેતૃત્વમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું પ્રોડક્શન અને શેરિંગ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે આ મામલે તમને નોટીસ ફટકારવામાં આવે છે.

’તમારા ઇમેઇલ આઇડી મારફત ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું શેરિંગ થતું હોય તેવું અમારી તપાસના ખુલવા પામ્યું છે, જેથી અમે તમારો કેસ ટ્રીબ્યુનલ સમક્ષ મૂકીએ તે પૂર્વે તમને આ બાબતની જાણ કરવામાં આવે છે’. વધુમાં બનાવટી નોટીસ મારફત એવી ધમકી આપવામાં હતી કે, જો 24 કલાકમાં તમે આ બાબતે અમને જવાબ નહિ આપો તો મામલામાં તમારા વિરુદ્ધ ધરપકડનું વોરંટ ઇસ્યુ કરવામાં આવશે અને તમારા નજીકના પોલીસ મથકને તમારી ધરપકડ કરવા આદેશ આપવામાં આવશે.

12541545 c

આ બાદ તપાસ કરતા વધુ એક બનાવટી નોટીસ મળી આવી હતી. જે નોટીસ સાયબર ક્રાઇમ વડા પ્રશાંત ગૌતમના નામથી આપવામાં આવી હતી. આ નોટીસ કોર્ટ ઓર્ડર છે તેવું લખવામાં આવ્યું હતું. જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, તમારા ઇન્ટરનેટ આઈપી એડ્રેસ મારફત જુવેનાઈલ પોર્નોગ્રાફીની આપ-લે થઇ રહ્યાનું સને આવ્યું છે. જેથી કોઈ પણ બાળક સાથે આ પ્રકારનું કૃત્ય આચરી તમે પોર્નોગ્રાફી શેર કરતા હશો તેવું અમને લાગે છે. જે મુજબ આ નોટીસ ફટકારી તમને ખુલાસો આપવા જણાવવામાં આવી રહ્યું છે. જો આગામી 24 કલાકમાં તમે જવાબ નહિ આપો તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

સમગ્ર મામલે ’અબતક’એ તપાસ કરતા આ બંને નોટીસ બોગસ હોવાનું જણાઈ આવ્યું હતું. આ મામલે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરાતા તેમણે પણ આ નોટીસ તદ્દન ખોટી હોવાની તેમજ ટેમ્પોરરી મેઈલ આઈડી મારફત આ ઇમેઇલ મોકલવામાં આવ્યાનું જણાવ્યું હતું.

ડીસીપી ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ પ્રશાંત ગૌતમના નામે આવેલા ઇ-મેઇલ બાબતે દિલ્લી પોલીસની સ્પષ્ટતા

જે બનાવટી નોટીસ મોકલવામાં આવે છે તેમાં ડીસીપી ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ પ્રશાંત ગૌતમના નામ અને સહીનો ઉપયોગ કરવામાં આવે છે. જે બાબતે દિલ્લી પોલીસે ગત વર્ષના અંતમાં સ્પષ્ટતા કરી હતી કે, આ ઇમેઇલ તદ્દન જુઠા છે અને આ બાબતથી પ્રશાંત ગૌતમને કોઈ લેવા-દેવા નથી. સાયબર ગઠીયાઓ દ્વારા પ્રશાંત ગૌતમ અને તેમની સહીની ઉઠાંતરી કરીને દુરપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી કોઈએ પણ આ નોટીસનો જવાબ આપવો નહિ કે કોઈ પણ જાતનો વ્યવહાર કરવો નહિ.

શું છે ટેમ્પરરી ઇ-મેઇલ આઇડી?

ટેમ્પોરરી ઇમેઇલ આઇડી અમુક મિનિટો કે કલાકો માટે ઓનલાઇન આપવામાં આવે છે. જે ઇમેઇલ આઇડીનું સર્વર સામાન્ય રીતે દેશ બહાર હોય છે એટલે આ ઇમેઇલ આઇડીના હેન્ડલર સુધી પહોંચવું લગભગ અશક્ય જેવું છે. આ ઇમેઇલ આઇડી મેળવીને આ પ્રકારે ઇમેઇલ કરવામાં આવે છે. થોડી જ મિનિટોમાં આ મેઈલ આઇડીનો હેન્ડલર બદલાઈ જતો હોવાથી આ ઇમેઇલ કોણે મોકલ્યો તે જાણવું પણ ખુબ અઘરું હોય છે. જો કે, ભેજાબાજો પોતે ટેમ્પોરરી ઇમેઇલ આઇડી મારફતે ઇમેઇલ મોકલતા હોય છે પણ જો તમે સામે જવાબ આપો તો તે જવાબ ગઠીયાઓના પોતાના ઇમેઇલ આઈડીમાં જાય તેવી ગોઠવણ કરીને બેઠા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.