છૂટછાટનો બીનજરૂરી ઉપયોગ ટાળવો જ હિતાવહ: હાલ કેસની સંખ્યા ઓછી પણ સરેરાશ ઝડપ વધતા સંક્રમણ વધુ ફેલાવાનો ભય

રાજ્યમાં રિક્વરી રેટ 98.75%: છેલ્લા ર4 કલાકમાં પ.પ લાખથી વધુ લોકોને ‘કોરોના કવચ’ અપાયું

વરસાદી પાણીના ટીપાં કરતા પણ અનેકગણા નાના એવા કોરોના વાયરસને આવ્યાને દોઢ વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં તેની તીવ્રતા ઓછી અંકાઈ રહી નથી. કોરોના સમયાંતરે પોતાનો “કલર” બદલતા નવું જોખમ ઊભું થઈ રહ્યું છે. જેના કારણે ત્રીજી લહેરનો ખતરો તોળાઇ રહ્યો છે. જે કોઈએ પણ ભૂલવું જોઈએ નહીં. છૂટછાટ મળતા લોકો જાણે કોરોનાને ભૂલી જ ગયા હોય તેમ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે મોટા ખતરાથી કમ નથી. બેખૌફ લોકોની બેવકૂફી ફરી કોરોનાને નોતરે તેવી ભીતિ ઉભી થઇ છે.

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં નવા કેસમાં 31 ટકાનો ઉછાળો નોંધાયો છે. જો કે, કેસની સંખ્યા ઓછી છે પણ અગાઉ કરતા સંખ્યા વધતા લોકોએ એલર્ટ થઈ નિયમ પાલન કરવાની ખૂબ જરૂર છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 16 મહિના પછી 200ની નીચે સક્રિય કેસ નોંધાયાના એક દિવસ પછી, દૈનિક કેસોમાં 31%નો વધારો નોંધાયો છે. શનિવારે 19 કેસ નોંધાયા હતા જે વધીને રવિવારે 25  થયા હતા. તો બીજી બાજુ, એક દિવસમાં ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 27 થી 14 થઈ ગઈ. સક્રિય કેસમાં 11નો વધારો થયો. છેલ્લાં 24 કલાકમાં સુરત શહેરમાં સૌથી વધુ પાંચ કેસ નોંધાયા છે. ત્યારબાદ અમદાવાદમાં 4 અને વડોદરા શહેર, અમરેલી અને ખેડા જિલ્લામાં 3-3 કેસ નોંધાયા છે. કુલ કેસના 52% કેસ આ ચાર મુખ્ય શહેરોમાં નોંધાયા છે.

કેસ વધ્યા છે પણ આ સામે રિકવરી રેટ પણ સારો રહ્યો છે. હાલ રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 98.75% છે. વાત કરીએ કોરોના સામેના રક્ષાકવચ રસીકરણની તો રવિવારના દિવસે રાજ્યમાં કુલ 3.85 લાખ લોકોને ડોઝ અપાયા હતા. જ્યારે સોમવારે એટલે કે છેલ્લા 24 કલાકમાં 5.5 લાખથી વધુ લોકોને રસી અપાઈ છે. આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે, સોમવારે 19 કેસ નોંધાયા હતા. જ્યારે રિકવરી સંખ્યા 17 રહી. આમ દર્દીઓના સાજા થવાનો દર વધુ રહ્યો છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી રજા આપવામાં આવેલા લોકોની સંખ્યા 8,14,778 હતી, જે આંકડાનો 98.75 ટકા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.