કચ્છ જીલ્લાના માંડવી ખાતે જૈન ધર્મશાળા રોડ પર આવેલી હોમગાર્ડ કચેરી પાસે પાક ધીરાણની રકમ રૂા.૭ લાખ મંજુર કરવા માટે ખેડુત પાસેથી રૂા.૩૫ હજારની લાંચ લેતા લોન એજન્ટને એસીબીએ રંગે હાથે ઝડપી લીધો છે.
વધુ વિગત મુજબ માંડવી પંથકના ખેડુતે બેંક ઓફ બરોડા માંડવી શાખામાં પાક ધીરાણ અંતર્ગત રૂા.૭ લાખની લોન મંજુર કરવા માટે અરજી કરી હતી. જે અન્વયે માંડવી તાલુકાના ગઢશીશા ગામે રહેતો કલ્પેશ ઉર્ફે કપીલ પ્રવિણ ગોહીલ નામના લોન એજન્ટે રૂા.૩૫ હજારની ખેડુત પાસે માંગણી કરી હતી.
ખેડુત લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબી શાખાનો સંપર્ક કર્યો હતો. લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા માંડવી ખાતે હોમગાર્ડ કચેરી પાસે ગોઠવેલા છટકામાં લોન એજન્ટ કલ્પેશ ઉર્ફે કપીલ ગોહીલ રૂા.૩૫ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા.
કચ્છ-ભુજ બોર્ડર એકમના મદદનીશ નિયામક કે.જે.ગોહીલના માર્ગદર્શન હેઠળ ભુજ એસીબી પોલીસ સ્ટેશના પી.આઈ. પી.એચ.મકવાણા સહિતના સ્ટાફે કામગીરી બજાવી હતી.